શું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઘસાતું બોલવું વ્યાજબી છે??

મહાત્મા ગાંધી વિશે

શું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઘસાતું બોલવું વ્યાજબી છે??

‘માણસને બે આંખ હોય છે.’ આવું આપણને બાલમંદિરમાં શીખવવામાં આવે. એમાં ફેરફાર કરવાની જરૂર છે, ‘માણસને બે ત્રાજવા હોય છે.’ અત્યારે લોકો કંઈપણ વિચાર્યા વિના કંઈપણ બોલી દે છે. વાણીનો વ્યવહાર વ્યભિચાર બની ગયો. ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત ‘સ્વચ્છ-શબ્દ અભિયાન’ શરૂ થવું જોઈએ. સત્ય શું છે એ જાણવાની કોઈ કસરત કરતું નથી. ‘જે સાંભળ્યું હોય એમાં મેરવણ નાખી બોલી દેવાનું…’ અને જે જોયું હોય એ સત્ય સમજી લેવાનું. સત્ય શોધવાની ઉઠક-બેઠક કરનારા ટેરવે ગણી શકાય એટલા જ છે. પૂછ્યા જાણ્યાં વિના પોતાનો પ્રતિભાવ ચોંટાડી દઈએ અને જાતને ‘મહાત્મા ગાંધી’ માની લઈએ.

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે કેટલાક લોકોના વિચારો

હા, ગાંધીજીથી યાદ આવ્યું. સૌથી વધુ તો ગાંધીજી પર જ કોમેંટ્સ થતી હોય છે. ગાંધીવાદીઓ માત્ર ગાંધી શબ્દ પકડીને બેસી ગયા અને અન્યો ગાંધીને ગુનેગાર સમજી રોજ અપશબ્દોથી અભિષેક કરે છે. ઘણાં પાસે વાંચવાનો સમય ઓછો છે એટલે એ તો ગાંધીને દોષી ગણે છે. “ગાંધીજી ન હોત તો આજે ભારત-પાકિસ્તાન એશિયા કપમાં સામસામે ન રમતું હોત…” ‘ભગતસિંહને ફાંસી અંગ્રેજોએ નહિ ગાંધીજીએ આપી…’ ‘અહિંસા…અહિંસા કરીને બધાને અવળે માર્ગે દોરવ્યાં…’ ‘નથુરામે મારવામાં બહુ મોડું કર્યું…’ ‘ગાંધીજી ન હોત તો આઝાદી વ્હેલી મળી હોત…’ વગેરે..વગેરે..

Gandhiji
મહાત્મા ગાંધી વિશે લેખ

અંગ્રેજો સામે લડત સહેલી નહોતી

ભારતની ડોકમાં રાંઢવું બાંધીને અંગ્રેજો બેઠા હતાં. ઉંચો અવાજ કરો એટલે યમરાજ બની જતાં. એમની ફોજ હતી ને આપણી ટુકડી પણ નહોતી. યુદ્ધ જીતવા કે કોઈનો સામનો કરવા એક લીડર જોઈએ ; જે સમજદારીથી આગળ ચાલી શકે. અને એ સમયે હુલ્લડો પોતાના ઘરમાં જ થતાં માટે સંપની તો કોઈ વાત જ નહોતી. અને જે અંગ્રેજો સામે ચડતાં એ બધા મરતાં. ધીરે ધીરે ભારતમાં ટોળાં ભેગા થયાં. ટોળું એટલે ભીડ. અને ભીડને માત્ર પગ હોય આંખ નથી હોતી. એ સમયે ગાંધીજીએ નિજીજીવન ત્યાગી, ઘરત્યજી, પોતાના સ્વ-સપનાઓને ભૂલી એક નવું મજબૂત સપનું સેવ્યું; “સ્વરાજ”

ગાંધીજી એ આઝાદી નું સપનું સાકાર કરવા બધાંને એક દિશા માં વાળ્યા

સૌથી કઠિન કામ બધાને સાથે લઈને ચાલવાનું હોય છે. એટલે ગાંધીજીએ બધાના આવેગને એક દિશામાં વાળવાનું શરૂ કર્યું. બધા ક્રાંતિકારીઓને એક કરવાનું કામ ઉપાડયું. અને મહત્ત્વનું એ કે ‘અંગ્રેજ સામે અંગ્રેજપણું દેખાડવાનું રોકયું.’ જો આમ ન કરત તો ઘણા સારા ક્રાંતિકારીઓ વહેલાં ગોળીએ વીંધાયા હોત. પણ આ વાત અત્યારના સુખી-સંપન્ન બુદ્ધિશાળી સમજવીરોને નહિ સમજાય. માંગણી કરવાથી, ઉપવાસ કે આંદોલન કરવાથી લોકોના જીવ બચતા હતાં. આડેધડ મારપીટ ઓછી થઈ. જો ભારત તાત્કાલિક ધોરણે અંગ્રેજો સામે યુદ્ધ કરે તો આપણી હાર નિશ્ચિત હતી. ઘણાએ એ આક્રમક માર્ગ પણ અપનાવ્યો હતો પણ પરિણામમાં શહીદી મળી, આઝાદી દૂર જ રહી.

દેશપ્રેમ ની ક્રાંતિથી અંગ્રેજો ને ધ્રુજાવી દીધા

“સ્વદેશી અપનાવો” આ વિચાર ગાંધીજીનો ટર્નીગ-પોઇન્ટ સાબિત થયો. એ સમયે લોકોને થોડો ભરોસો બેઠો કે, “આ ગાંધીમાં આઝાદીની ભૂખ છે, તરસ છે અને લાંબુ ટકવાની ધીરજ પણ” માટે લોકો ગાંધીને અનુસરવા લાગ્યાં. ગાંધીજીએ સાદગી અપનાવી એ સમયે લોકોનો ખર્ચ ઓછો કરાવ્યો. લોકોમાં દેશપ્રેમ જન્માવ્યો જેથી લોકો સાથે મળી સામનો કરી શકે. ધીરે ધીરે લીડરશીપ તૈયાર થઈ, શાંત પાણીમાં પાતાળે લડત શરૂ થઈ એટલે ઉપરની સપાટીએ તરંગો આંખે ન ચડે. અસ્પૃશ્યતા, અસમાનતા, બાળ વિવાહ જેવા રિવાજો સામે લડયાં, મજૂરોને પોતાનો હક મેળવવા પોતે ખુદ આંદોલન કરાવ્યું. પોતે ઉપવાસ કરવા બેઠાં. અને ભીડને એક હરોળમાં જોડી મજબૂત ટિમ બનાવી. અને એ ટીમથી અંગ્રેજો ધ્રુજયા હતાં.

૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિબંધ

ગાંધીજી નું સપનું સાકાર થયું

“શમે ના વેર વેરથી” આ વિચારધારાના એ આગ્રહી પરિસ્થિતિઓ જાણી બન્યાં. એમને અહિંસામાં ભવિષ્ય દેખાયું, સ્વતંત્ર ભારત ચિતરાયું. અને શાસ્ત્રોનાં પન્ના ઉઘાડવાનો પરિશ્રમ કરીએ તો સમજાય કે “કૃષ્ણ પણ શાંતિથી જ કામ કરતાં, યુદ્ધ છેલ્લું પગથિયું હતું.” ગાંધીજીની આ મહેનત ફળી. ‘ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર’ વાળી દેશભાવના બધાના હૃદયમાં જન્મી.

ગાંધીજી ના વિચારો એ તેમને મહાત્મા બનાવ્યા

અને અંતે આઝાદી મળી. ગાંધીજીએ યથાશક્તિ યથામતિ આવશ્યક યોગદાન આપ્યું. આખું વિશ્વ ગાંધી-વિચારને સન્માનથી સ્વીકારે છે. હા, કદાચ ગાંધીમાં કોઈ મહાનતા નથી પરંતુ એમનાં વિચારો તો “મહાત્મા” છે જ. અને આજે પણ આવકાર્ય અમે સ્વ-જીવનમાં આચરવા જેવા પણ ખરા. બાકી આંખમાં બ્લેક-ગોગલ્સ લટકાવવાથી સૂર્યને કોઈ ફર્ક પડતો નથી. એમનો પ્રકાશ સનાતન અને જીવન-ઉપયોગી જ છે.

ગુજરાતનું ગૌરવ
મહાત્મા ગાંધી વિશે લેખ

હિન્દુ મુસ્લિમ ને એક કરવા ઘણા પ્રયાસો કર્યા હતા

પુસ્તકો વાંચ્યા વિનાની અજ્ઞાનની ફેંકાફેકી હાનિકારક અને વિરોધપોષક હોય છે. ગાંધીજી અધ્યાત્મના અને ગીતાજીના બહુ ઊંડા અભ્યાસુ હતા. એટલે એ એકતા પ્રિય હતા અલગતા પ્રિય નહિ. આત્મકથાના ‘નાગપુરમાં’ પ્રકરણમાં સાફ લખેલું છે; “આ જ સભામાં હિંદુમુસ્લિમ ઐક્ય વિશે, અંત્યજ વિશે ને ખાદી વિશે પણ ઠરાવો થયાં. ખીલફતના સવાલને અંગે અસહકાર એ જ હિંદુમુસ્લિમ ઐક્ય સાધવાનો મહાસભાનો મહાન પ્રયાસ હતો.”

ગાંધીવાદી બનવું ગર્વની વાત છે

આપણે ‘મો.ક.ગાંધી’ જેવું નથી બનવાનું પરંતુ એમના ‘ગાંધીવિચારો’ અપનાવ્યા રહ્યાં. અને આમ જુઓ તો ગાંધીજી જે પ્રમાણે જીવન જીવ્યાં અને આપણાં ભૂતકાળમાં ડોક્યુ કરીએ તો ખ્યાલ થશે કે, “આપણો ગાંધીજી વિશે ટીકા-ટીપ્પણી કરવાનો કોઈ હક નથી. કારણ કે કોઈની ટીકા કરવા માટે પણ એ લેવલે પહોંચવું જરૂરી હોય છે.” હા, યાદ આવ્યું “માણસને બે ત્રાજવા હોય છે..”

લેખક : “સ્પીક ટાઈમ – જયદેવ પુરોહિતલાસ્ટ વિકેટ

Also read : અમેરિકન પ્રેસિડન્ટ રોનાલ્ડ રીગનથી શીખો : પાછલી જિંદગીમાં ખુશ રહો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *