અમારો પરિચય

કૃષ્ણ ભગવાન ને પત્ર

પ્રિય ગુજ્જુમિત્રો, 

સાદર નમસ્કાર !

કોવીડ-૧૯ ના નામે પ્રચલિત કોરોના વાયરસે આખા વિશ્વને ઘરની ચાર દીવાલોમાં દિવસો સુધી કેદ રહેવાની ફરજ પાડી. આપણી બહિર્મુખી પ્રવૃતિએ એકદમ જ અંતર્મુખી બની પ્રવૃતિમાંથી નિવૃત્તિ આપી પ્રકૃતિ સાથે જોડાવાની તક આપી. ના સમાચારપત્ર, ના ઘર-સફાઈ માટેના કામવાળા, ના રસોઈ કરવા આવતા મહારાજ, ના મંદિર, ના ચર્ચ, ના મેહમાન. ના યજમાન, ના જીમ, ના ગાર્ડન, ના હોટલ, બધાં જ  વગર જીવંત રહેવાની લાચાર પરિસ્થિતિનું નિર્માણ થયું. આથી માણસને મનની સાથે મનન-ચિંતન કરવા, આત્મ ગોષ્ઠિ અને આત્મમંથન કરવા સિવાય કોઈ વિકલ્પ ના રહ્યો.

આ સંજોગોમાં મેં ગુજરાતી સાહિત્યમાં જે પણ ઉપલબ્ધ હતું, પછી તે નવલકથા હોય, કાવ્ય સંગ્રહ હોય, હાસ્યવિનોદ, રમૂજના પુસ્તકો હોય, ડોશીમાનું વૈદુંનું પુસ્તક હોય, યોગવિજ્ઞાનનું સાહિત્ય હોય, પ્રવાસ યાત્રા હોય કે સ્વાસ્થ્ય સંબંધી વૈકલ્પિક ઉપચારો હોય તે બધું મળ્યું ત્યાંથી, મળ્યું તેટલું વાંચનમાં લીધું. નેટ પર ગુજરાતી ભાષાને લગતું તમામ સાહિત્ય શોધ્યું.

આ બધી પ્રક્રિયામાં મગજમાં એક વિચાર ઝબુક્યો કે આપણે ગુજરાતીઓ વેપાર વ્યવસાય, ડોક્ટર, એન્જીનીઅર અને અનેકવિધ પ્રોફેસનલ સેવાથી ગામ, શહેર, રાજ્ય, દેશ-વિદેશ, સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છીએ. ઘર, વતન, માતા પિતા, સમાજ, મિત્રો, સ્નેહીઓ, સગાવહાલાઓથી ખુબ દૂર આવી વસ્યા છીએ. વતનની માટીની મીઠી સુગંધ સ્મૃતિપટલ પર આજે પણ મહેકે છે. દૂર-સુદૂર હોવા છતાં એ મધુર યાદો એટલી જ શક્તિસભર અને સ્ફૂર્તિદાયક હોવાનો એહસાસ કરાવે છે.

ગુજરાતનું ગૌરવ, ગુજરાતી હોવાની ગરિમા, ગુજ્જુ હોવાની એક આગવી પ્રતિભા આપણા અસ્તિત્વને પ્રકાશિત અને પ્રભાવિત કરે છે, રોમાંચિત કરે છે. અને એવું કશું શોધીએ છીએ કે મારા ગુજરાતના સંસ્કાર વારસાથી, ગુજરાતી સાહિત્યથી, મારા આજના ગુજરાતથી હું અપડેટ થાઉં.

આ પરિપ્રેક્ષ્યમાં એક એવું પ્લેટફોર્મ જ્યાં આપણા ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષામાં, ગુજરાતી સાહિત્યને, આપણા આ સંસ્કારી સંસ્કૃતિને, આપણા અંતરમાં રહેલ ગુજરાતી મૂળને તરોતાજા કરી ગુજ્જુમિત્રો બ્લોગ દ્વારા આપણી જ વાત, આપણી જ ભાષામાં આપના જ માટે પ્રસ્તુત કરી, સ્મૃતિપટલમાં પુનઃ પ્રસ્થાપિત કરવાનો નમ્ર પ્રયાસ છે.

મિત્રો, આ બ્લોગ એક એવી ડાયરી છે જેમાં મેં વાંચેલા ગુજરાતી લેખોને હું પ્રકાશિત કરી રહી છું. અમુક મેં મારા વડીલો પાસેથી સાંભળ્યા છે, અમુક પુસ્તકોમાં વાંચેલા છે, અમુક મારા અનુભવ પરથી શીખેલા છે અને અમુક મને વૉટ્સઅપ પર મારા મિત્રો દ્વારા મોકલાવેલા છે. તમે પણ નિ:સંકોચ ગુજ્જુમિત્રો ના લેખોને વૉટ્સઅપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા ની લીંક પર ક્લીક કરીને તમારા પરિવારજનો અને મિત્રમંડળ ને મોકલી શકો છો. ગુજ્જુમિત્રો ના બધાં જ લેખો અને તેની શૈલી એવી રીતે પસંદ કરવામાં આવે છે જેથી દરેક આયુના લોકો તેનો આનંદ ઉઠાવી શકે.

આશા રાખીએ કે સુજ્ઞ વાચક મિત્રોને એક જ પ્લેટફોર્મ પર જીવન, સંબંધ, હાસ્ય જેવા બીજા વિવિધ વિષયોની વાનગી પીરસવાના અમારા આ પ્રયાસને આપ સૌ બિરદાવશો.  

આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આનંદ, ઐશ્વર્ય અને આરોગ્યની સુખાકારીમાં વૃદ્ધિ થાય તે જ અભ્યર્થના.

આદરસહિત,
Gujjumitro.com

ગુજ્જુમિત્રો લોગો