કોરોના ના ટેસ્ટ અને રિપોર્ટ વિષે સરળ ભાષામાં વિગતવાર માહિતી

કોરોના રિપોર્ટ

કોરોના ના ટેસ્ટ અને રિપોર્ટ વિષે સરળ ભાષામાં વિગતવાર માહિતી

આ માહિતી ફક્ત મેડીકલ સાયન્સમાં રસ ધરાવતા હોય અને જાણકારી મેળવવાની ઈચ્છા હોય તેમના માટે છે. અહીં કોરોનાના જુદા જુદા રિપોર્ટ અને ટેસ્ટ અંગે પ્રાથમિક સમજ આપી રહી છું. કોરોના થાય પછી ડોકટર ઘણાં રીપોર્ટ કરવાનું કહે છે. આ બાબતે ઘણી મૂંઝવણ લોકોમાં રહેતી હોય છે. એ મૂંઝવણ દૂર કરવા સરળ ભાષામાં આં લેખ લખવા પ્રયાસ કર્યો છે. ચાલો વાંચીએ કોરોના ના ટેસ્ટ અને રિપોર્ટ વિષે સરળ ભાષામાં માહિતી.

CT Value

મિત્રો જે લોકો હમણાં RT-PCR ટેસ્ટ કરાવે છે, તેમનો રિપોર્ટ પોજીટીવ હોય તો તે રિપોર્ટમાં CT Value લખેલી હોય છે. કોઇની 7 કોઇની 17 કોઇની 28. ઘણા લોકો આ વેલ્યૂના આધારે ડોકટરો સાથે દલીલમાં પણ ઉતરતા હોય છે. ઘણા લોકો આ વેલ્યૂને 100માંથી મળતા માર્કસ સાથે પણ સરખાવતા હોય છે. એટલે CT વેલ્યુ ને લઈને ઘણી ગેરમાન્યતાઓ છે.

CT વેલ્યુ એટલે શું? સાયકલ થ્રેશોલ્ડ વેલ્યૂ. તમારા ગળા કે નાકના જે ભાગમાંથી જે સેમ્પલ લીધું છે, તે સેમ્પલમાં વાયરસનો જથ્થો કેટલો હોય શકે તેનું એક અનુમાન માત્ર છે.

મિત્રો આ વાયરસ અતિસૂક્ષ્મ એવા RNAનો બનેલો છે, આપણાં મશીનો સીધી એની હાજરી પારખી ના શકે. એટલે RT-PCR ની લાંબી લચક અને જટિલ પ્રક્રિયા કરી તેને DNA માં ફેરવવામાં આવે છે. ( 1993ના વરસનું કેમેસ્ટ્રીનું નોબલ પ્રાઈઝ PCR એટલે કે પોલીમરેઝ ચેઇન રીએકશનના ફાળે જ ગયું હતું) જેથી આપણાં મશીન એના જેનેટિક સિકવન્સ વાંચી શકે.

હવે સેમ્પલમાં ઓછો વાયરસ હોય તો મશીને તેની હાજરી પકડવા વધારે સાયકલ ચલાવવી પડે અને વધુ વાયરસ હોય તો ઓછી સાઇકલમાં એ પકડાઈ જાય. CT વેલ્યૂ 26નો મતલબ છે કે 26 સાયકલ ફેરવ્યા પછી વાયરસ હાથે લાગ્યો, 3 નો મતલબ એમ છે કે સાવ ત્રણ જેટલી ઓછી સાયકલ ફેરવીને વાઇરસ એ સેમ્પલમાં પકડાઈ ગયો.

કોરોના ટેસ્ટ

હવે આ રીતે સમજો તમને ઘરે કોઈ કામ છે અને બાજુમાં મેળો ભરાયો છે. તમને થોડા માણસોની જરૂર છે અને એની શોધમાં તમે મેળા તરફ જાઓ છો. મેળામાં ભીડ હશે તો તમારા કામના માણસો શોધવા બધુ ચાલવું નહીં પડે. ઓછા ડગલામાં તમને તરત માણસ મળી જશે પણ મેળામાં ભીડ નહીં હોય તો કામનો માણસ શોધવા તમારે વધારે ડગલાં ચાલવું પડશે.

એટલે કે CT વેલ્યુ વધુ મતલબ મશીનને જે તે સેમ્પલમાં વાયરસ શોધવા થોડી ઓછી મહેનત કરવી પડી અને વેલ્યૂ ઓછી મતલબ કે સેમ્પલમાં તરત વાયરસ મળી ગયો.

પણ મિત્રો આ CT વેલ્યૂ જોઈને કોઈ ચિંતા પણ ના કરવી કે હરખાવવું પણ નહીં ! કેમ કે આ જે તે સેમ્પલની વેલ્યૂ છે. શક્ય છે એ જ દિવસે સાંજે એ જ વ્યક્તિનું બીજું સેમ્પલ લો તો આ વેલ્યૂ માં ફરક આવે. ઘણા લોકોને CT વેલ્યૂ વધુ આવી હોય તો પણ સ્થિતિ ગંભીર હોય છે , ઘણાને ઓછી હોય તો પણ વ્યક્તિ સાજો હોય. આ CT વેલ્યુ પાછળ સેમ્પલ લેવાની પદ્ધતિ, જે રીતે સેમ્પલ ટ્રાન્સપોર્ટ થયું છે ઉપરાંત ટેસ્ટિંગ કરનારની દક્ષતા વગેરે પણ અસર કરતાં પરિબળો છે. આ શાકમાં મીઠા જેવુ છે. હવે શાકમાં મીઠું ના હોય અને તમે પાછળથી ઉમેર્યું અને હલાવવાનું ભૂલી ગયા, તો મીઠું ભભરાયું હશે ત્યાથી ચાખશો તો શાક ખારું લાગશે અને બીજી તરફથી ટેસ્ટ કરશો તો મોળું લાગશે. વાયરસની સેમ્પલિંગમાં પણ આવું થઈ શકે.

એટલે ટૂંકમાં CT Value તરફ જોવાનું માંડી વાળો. RT PCR ટેસ્ટ એ ફક્ત વાયરસની હાજરી શરીરમાં છે કે નહીં એ જ કહી શકે છે. એ શરીરમાં કેટલો ફેલાયો છે એટલે કે વાયરલ લોડ અંગે ચોક્કસ જાણકારી આપતો નથી. બીજું RT pCR માં સેમ્પલિંગ કે ટેક્નિક યોગ્ય ના હોય તો વાયરસની હાજરી હોય તો પણ ટેસ્ટ નેગેટિવ આવી શકે છે. જેને ફોલ્સ નેગેટિવ કહે ક્ગે. એટલે આ ગણિત સમજાય એટલું સરળ નથી.

Source : https://www.icmr.gov.in/pdf/covid/techdoc/Advisory_on_correlation_of_COVID_severity_with_Ct_values.pdf

CT Severity Score

આ સ્કોર આપણને ડોકટરે પ્રિસ્ક્રાઈબ કરેલા CT Scan પરથી મળે. તમે જોયું હશે 25 માંથી આ સ્કોર આપવામાં આવે છે. રેડિયોલોજિસ્ટ ફેફસાની ઇમેજ જોઈને આ સ્કોર આપે છે. આ સ્કોર નક્કી કઈ રીતે થાય છે?

આપણી પાસે બે ફેફસાં છે. તેમાં જમણા ફેફસાંમાં ત્રણ અને ડાબા ફેફસામાં બે લોબ છે. સાદી ભાષામાં કહું તો ફેફસાંને કબાટ ગણીએ તો જમણા ફેફસાંમાં ત્રણ ખાના છે અને ડાબામાં બે ! કુલ થયા પાંચ ખાના ! આ પાંચ ખાનાઓના પાંચ માર્ક છે અને કુલ માર્કસ પચીસ થાય! હવે એ જોવે છે કે કયા ખાનામાં વાયરસની કેટલી અસર છે. જો ખાનામાં 5 ટકા કરતા ઓછી અસર હશે તો એને 1 માર્ક આપશે અને 75 ટકાથી વધારે અસર હશે તો એને 5 માર્કસ મળશે. આવો સ્કોર દરેક ખાનાનો મપાય છે અને એના આધારે 25માંથી કુલ સ્કોર આવે છે. જો સરવાળો આઠથી નીચે હોય તો હળવી અસર , આઠ થી પંદરની વચ્ચે હોય તો મધ્યમ અને 15થી વધુ હોય તો થોડી અસર વધુ કહેવાય.

Car service

રિપોર્ટમાં વાયરલ ન્યુમોનિયાની અસર છે એવું લખાઈને આવે ( કારણ કે કોરોના વાઇરસની હાજરી સીટી સ્કેનમાં ખબર ના પડે પણ સ્કેનમાં ચોક્કસ ક્લાસિક ફીચર જોઈને કોરોનાની સંભાવના વ્યકત કરવામાં આવે છે). સામાન્ય રીતે ચેપ લાગ્યાના થોડા દિવસ પછી આ સ્કેન કરવામાં આવે છે અને ફેફસાંની સ્થિતિનો સુધારો જોવા લગભગ 3 અઠવાડિયા પછી સ્કેન જોવામાં આવે છે. જો કે આ સ્કોર એકલો કોઈ ટ્રીટમેન્ટ માટે કાફી નથી, અન્ય ક્લિનિકલ અને પેથોલોજિકલ પેરામીટર્સ પણ સાથે જોવા પડે અને પેશન્ટને એડમિટ કરવો કે હોમ આઇસોલેશનમાં રાખવો કે દવા કેવી રોતે આપવી એ માત્ર કેસ હેન્ડલ કરતાં ડોકટર જ કહી શકે. આ સ્કોરથી પેશન્ટે ગભરાવાની જરૂર નથી. આ સ્કોર ડોકટર ને ગાઈડ કરવા માટે હોય છે.

Source: https://www.medrxiv.org/content/10.1101/2020.10.15.20213058v1.full

હવે આપણે કોવિડની પેથોલોજિકલ સ્થિતિ જાણવા માટે કરવામાં આવતા ટેસ્ટ કે બાયોમાર્કર્સ વિશે વાત કરીશું. વાંચો : કોરોના પોઝિટિવ દર્દીઓ માટે જાણવા જેવી અગત્યની માહિતી

CRP

CRP એટલે સી રીએક્ટિવ પ્રોટીન. શરીરમાં કોઈ ચેપ લાગે એટલે શરૂઆતના તબક્કામાં CRP વધે. CRP પહેલા 6 થી 8 કલાકમાં વધે અને 48 કલાકની અંદર 300 – 350 mg/l જેટલું પ્રમાણ શરીરમાં થઈ શકે છે. (ઉત્સવ) કોરોનાના આક્રમણને ખાળવા જ્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘાંઘી થઈ જાય અને ફેફસાં અને અન્ય સાજા કોષને નુકશાન પહોચડવાની શરૂઆત કરે ત્યારે CRP લેવલ વધવા લાગે. CRP એ ઇન્ફ્લેમેશન માર્કર છે.

Source: https://www.ifcc.org/media/478649/14374331-clinical-chemistry-and-laboratory-medicine-cclm-ifcc-interim-guidelines-on-biochemical_hematological-monitoring-of-covid-19-patients.pdf

D-Dimer

ઘણા લોકોને ડોકટર D-Dimer ટેસ્ટ કરવાની સલાહ આપે છે. પહેલા સમજીએ D-Dimer શું છે? તમે જોયું હશે કે આપણને ક્યારેય વાગે તો થોડી જ ક્ષણોમાં લોહી જામવાનું શરૂ થઈ જાય. બ્લડ ક્લોટિંગ કહેવાય એને જેથી શરીરમાંથી વધુ લોહી વહેતું અટકી જાય છે. થોડા સમયમાં એ જામેલો લોહીનો ગઠ્ઠો પણ વિસર્જિત થવા લાગે છે. આ સમયે જ D-Dimer લોહીમાં રીલીઝ થાય છે. અતિ ઉત્સાહી રોગ પ્રતિકારક શક્તિના પ્રતાપે શરીરની અંદર ક્યારેક લોહીના ગઠ્ઠા બનવાની અને તૂટવાની શરૂઆત થાય છે. D-Dimer થી આપણને આ પ્રક્રિયા થઈ રહી છે તેની જાણ થાય છે અને ડોકટર ત્યાર બાદ લોહી પાતળું કરવા માટે ટ્રીટમેન્ટ આપે છે.

કોરોના ટેસ્ટ વિષે માહિતી

Source: https://www.ifcc.org/media/478649/14374331-clinical-chemistry-and-laboratory-medicine-cclm-ifcc-interim-guidelines-on-biochemical_hematological-monitoring-of-covid-19-patients.pdf

Ferritin

નામ પરથી જ ખબર પડે છે કે ફેરિટીન એક પ્રોટીન છે જે શરીરમાં લોહતત્ત્વ કે આયર્નને જાળવે છે. આપણે જે ખોરાક લઈએ તેમાંનું થોડું આયર્ન લાલ રક્ત કણો કે RBC બનાવવામાં વપરાય છે અને બાકીનું Ferritin સ્વરૂપે લીવર, મસલ્સ અને સ્પ્લીનમાં સચવાય છે. શરીરની ઇમ્યુનિટી ઓવર એક્ટિવ થવાથી શરીરના સાજા કોષને નુકશાન થવાનું શરૂ થાય છે. આ કોષમાં નુકસાન થવાને લીધે અંદર સચવાયેલું ફેરિટીન રીલીઝ થાય છે અને તેનું વધતું લેવલ પણ વાયરસના લીધે શરીરમાં કેટલો ઉત્પાત મચે છે એના વિશે જાણકારી આપી શકે છે.

Source : https://www.ifcc.org/media/478649/14374331-clinical-chemistry-and-laboratory-medicine-cclm-ifcc-interim-guidelines-on-biochemical_hematological-monitoring-of-covid-19-patients.pdf

કોરોના થી બચવા ધ્યાન રાખો

ICMR Clinical Mangement Guidelines :

https://www.mohfw.gov.in/pdf/ClinicalManagementProtocolforCOVID19dated27062020.pdf

Diclaimer : કોરોના ના રિપોર્ટ અને ટેસ્ટ વિષે ઉપરોક્ત માહિતી સ્ત્રોત, વિજ્ઞાન અને અનુભવના આધારે જનહિતમાં લખવામાં આવી છે. લખાણનો હેતુ અઘરા નામોને લઈને દર્દીઓમાં થતો મુંઝારો વિજ્ઞાનથી દૂર કરવાનો છે.

આ જાણકારીના આધારે કોઈ જાતનો મેડિકલ ઓપીનિયન જાતે બાંધવો નહી કે આપવો નહીં.
ટ્રીટમેન્ટ કરનાર ડોકટર વર્ષોના અનુભવ અને અન્ય ક્લિનિકલ કન્ડિશનના આધારે તેમજ સરકારની ગાઈડલાઇન્સ મુજબ જ નિર્ણય લેતા હોય છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *