એક વણઝારી ઝીલણ ઝીલતી’તી : ગુજરાતી લોકગીત ની ગાથા

વણઝારી ઝીલણ ઝીલતી’તી

એક વણઝારી ઝીલણ ઝીલતી’તી : ગુજરાતી લોકગીત ની ગાથા

ગુજરાતીમાં લોકગીતો કંઠોપકંઠ ગવાતાં આવ્યાં છે. એટલે સ્વાભાવિક રીતે ભળતા શબ્દોનો ફેરફાર થઈ જતો હોય છે. એમાં અર્થ અને ભાવ સમજ્યા વગર લોકો ગાયા કરે છે ત્યારે એમ થાય કે, ગાનારે ગાતાં પહેલાં શબ્દોની ખરાઈ કરવી જોઈએ કે નહીં? કે પછી ‘દે ધનાધન… ભગા આપણે જ ટનાટન’ આજે એવો જ એક ગરબો ધ્યાનમાં આવ્યો.
પહેલા એ આખો ગરબો વાંચો. અદ્દલ આ રીતે કેટલાય નામી-અનામી કલાકારોને તમે યૂટ્યૂબ પર સાંભળી શકશો. ‘દે ધનાધન…’

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી,
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી’તી.
માએ પહેલે પગથીયે પગ મૂક્યો,
માની પાની સમાણાં નીર મોરી માત… વણઝારી
માએ બીજે પગથીયે પગ મૂક્યો,
માના ઘૂંટણ સમાણાં નીર મોરી માત… વણઝારી
માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માના ઢીંચણ સમાણાં નીર મોરી માત… વણઝારી
માએ ચોથે પગથીયે પગ મૂક્યો,
માના સાથળ સમાણાં નીર મોરી માત… વણઝારી
માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,
માની કેડ સમાણાં નીર મોરી માત… વણઝારી
માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,
માની છાતી સમાણાં નીર મોરી માત… વણઝારી
માએ સાતમે પગથીયે પગ મૂક્યો,
માના ગળા સમાણાં નીર મોરી માત… વણઝારી
માએ આઠમે પગથીયે પગ મૂક્યો,
માના કપાળ સમાણાં નીર મોરી માત… વણઝારી
માએ નવમે પગથીયે પગ મૂક્યો,
માના માથાં સમાણાં નીર મોરી માત… વણઝારી

વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી, અર્થાત્?

એ જ કે, વણઝારી- વણઝારાની વહુ ઝૂલણાં ઝૂલતી’તી- હીંચકા ખાતી’તી. બરાબર? તો બીજી કડીમાં એ ‘મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી’તી’ એમ કહે છે. મતલબ કે, એ અંબેમાના નામના હીંચકા ખાતી’તી? કોઈના હીંચકા કોઈ કેવી રીતે ખાય? કોઈનાં ઝૂલણાં કોઈ કેવી રીતે ઝૂલે? કે અંબેમાને હીંચકા ખવરાવતી’તી? શું એ વણઝારી એટલી શક્તિમાન હતી કે આદ્યશક્તિને હીંચોળે? કે પછી, કૃષ્ણની જેમ આદ્યશક્તિનું કોઈ બાળસ્વરૂપ હતું જેને વણઝારી ઝૂલાવતી’તી?

એક વાર માની લઈએ કે હશે, અંબેમાને એ વણઝારી પારણામાં નાખીને ઝૂલણાં (હાલરડાં-એક અર્થ એવો પણ થાય) ઝૂલતી’તી, તો… તો… એ કોઈ વાવમાં હતી કે કોઈ નદીના ઘાટ પર હતી કે હીંચકા ખાતાં ખાતાં એક એક પગથિયું ઊતરે છે? અને પાનીથી માથા સુધી નીર ચઢી ગયાં? એ પણ અંબેમાને માથે? ખમો, થોડું મંથન કરો… #વાતનુંવતેસર નથી કરવાનું.

આ ગરબામાં પૂર્ણ સમર્પણનો ભાવ છે


હકીકતમાં, આ ગરબામાં પૂર્ણ સમર્પણનો ભાવ છે. એક વણઝારી એટલે એક અલગારી ભક્ત. આ લોકગીત ઉત્તર ગુજરાતનું છે. અરવલ્લીમાં વાદી-વણઝારા વિચરતી કોમ હતી-છે. એમને કોઈ સ્થાન, ગામ કે લોક સાથે લગાવ નથી હોતો. ઋતુ, તહેવાર, સંજોગો અનુસાર તેઓ વિચરતા રહે છે. કવિએ આ ગરબામાં એ નામ-ઠામ-દામ પરત્વેની નિસ્પૃહતાનો ભાવ ‘વણઝારી’ દ્વારા રજૂ કર્યો છે કે, એવો અલગારી ભક્ત માતાજીને પ્રેમનું-ભક્તિનું સ્નાન કરાવે છે, કહો કે, નવરાવે છે. માને તો ભાવ-ભક્તિ-પ્રેમ-સમર્પણ જોઈએ… આદ્યશક્તિ ભક્ત પાસે ભોગ માંગે કે ભાવ? વણઝારી ભક્તિ માની ભક્તિના નીરમાં નહાય છે. નહાવાનું કામ ભક્તનું હોય કે ભગવાનનું (અહીં, અદ્યશક્તિનું)?

સાચો ગરબો

આમ, ગરબો આમ છે;
એક વણઝારી ઝીલણ ઝીલતી’તી
ઝીલણ ઝીલવું= સ્નાન કરવું, વણઝારી પોતે સ્નાન કરે છે. શામાં? ભક્તિરૂપી વાવમાં. કોની ભક્તિ? એનો જવાબ બીજી પંક્તિમાં-
મારી અંબેમાનાં ઝીલણ ઝીલતી’તી

પછી? અહીં સ્નાન કોણ કરે છે? અંબેમા કે વણઝારી ભક્ત? જો વણઝારી ઝીલણ ઝીલતી હોય તો પહેલે પગથિયે પગ મા કેવી રીતે મૂકે? અને માની પાનીએ પાણી કેમ પહોંચે? ના, પંક્તિ આમ છે-
મુએ પહેલે પગથિયે પગ મેલ્યો,
મુને પાની સમણાં નીર મોરી મા…
હે મારી મા! મેં તારી ભક્તિ-સમર્પણના પહેલા પગથિયે પગ મૂક્યો છે. મારી પાની સુધી મને તારી ભક્તિનો રંગ લાગ્યો છે. એ રીતે, આ વણઝારી ભક્ત ધીરેધીરે ભક્તિમાં માથાબોળ થાય છે. આમ, આ આખો ગરબો ભક્તના સમર્પણનો છે. એમાં હકીકતે મા સ્નાન કરતી જ નથી, પણ ભક્ત તરબોળ થાય.

ડૂબીને તરી જવાની આ વાત છે

જ્યારે ગરબો શરૂ થાય છે ત્યારે ભક્તની પાની પલળે છે. જેમ જેમ ભક્તિમાં ભક્ત ડૂબતો જાય એમ એમ એનું સર્વસ્વ ડૂબતું જાય. આમ ડૂબીને તરી જવાની આ વાત છે. ભક્તિનો પર્યાય જ સમર્પણ છે. (== મંથન ડીસાકર, સુરત)

ઝીલવું એટલે નહાવું. ઉત્તર ગુજરાત અને મારવાડી બોલીમાં એ સામાન્ય વપરાશનો શબ્દ છે. એ પણ નોધવું જોઈએ કે, ‘મૂક્યો’ શબ્દ પણ આ ગરબામાં નથી, ‘મેલ્યો’ છે. અમે ગામમાં ચાચરચોકમાં ગરબા ગાતા અને ગાયકોના ગરબા ઝીલતા. એ વખતે આ રીતે જ ગાતા હતા. ગૂગલ મહારાજને પૂછ્યું તો, અઢળક વિડીઓ બતાવ્યા, ક્યાંય સાચો ગરબો ન મળ્યો. છેવટે, વિકીસ્રોત પર સાચો લખેલો જોયો ત્યારે હાશ થઈ!

ઓરીજીનલ ગરબો


સાચો ગરબો આ મુજબ છે-
એક વણઝારી ઝીલણ ઝીલતી’તી
મારી અંબેમાનાં ઝીલણ ઝીલતી’તી
મુંએ પહેલે પગથિયે પગ મેલ્યો,
મુંને પાની સમાણાં નીર મોરી મા
વણઝારી ઝીલણ ઝીલતી’તી
મુંએ બીજે પગથિયે પગ મેલ્યો,
મુંને ઘૂંટણ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝીલણ ઝીલતી’તી
મુંએ ત્રીજે પગથિયે પગ મેલ્યો,
મુંને ઢીંચણ સમાણા નીર મોરી મા
વણઝારી ઝીલણ ઝીલતી’તી
મુંએ ચોથે પગથિયે પગ મેલ્યો,
મુંને સાથળ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝીલણ ઝીલતી’તી
મુંએ પાંચમે પગથિયે પગ મેલ્યો,
મુંને કેડ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝીલણ ઝીલતી’તી
મુંએ છઠ્ઠે પગથિયે પગ મેલ્યો,
મુંને છાતી સમાણાં નીર મોરી મા
વણઝારી ઝીલણ ઝીલતી’તી
મુંએ સાતમે પગથિયે પગ મેલ્યો,
મુંને ગળા સમાણાં નીર મોરી મા
વણઝારી ઝીલણ ઝીલતી’તી
મુંએ આઠમે પગથિયે પગ મેલ્યો,
મુંને કપાળ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝીલણ ઝીલતી’તી
મુંએ નવમે પગથિયે પગ મેલ્યો,
મુંને માથા સમાણાં નીર મોરી મા
વણઝારી ઝીલણ ઝીલતી’તી


~ મંથન ડીસાકર (સુરત)

બગીચામાં મળવું અને સતત બીજાની કાળજી લેવી એમાં ફરક છે

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *