દિલીપ ધોળકિયા ની અમર રચના – તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી

૧૫ ઓકટોબર ૧૯૨૧ ના દિવસે જન્મેલા દિલીપદાદા એટલે દિલીપ ધોળકિયાની પુણ્યતિથિ ૨ જાન્યુઆરી ૨૦૧૧ ના રોજ છે. … આમ તો એમનું જન્મ શતાબ્દી વર્ષ શરૂ થયું છે પણ આજને દિવસે સ્વર્ગસ્થ થયા ત્યાર એમની ગાયેલ અમર રચના તારી આંખનો અફીણી યા આવે …યાદ તો એમનાઅનેક સ્વરાંકન આવે પણ આજે દિલીપદાદા ને એમના વિશ્વવિખ્યાત ગીત સાથે એમનું પુણ્ય સ્મરણ કરવું છે.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો .

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.

પાંખોની પરખે પરબડી, આંખો જુએ પિયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગનગરનો રસિયો નાગર એકલો.

દીવાદાંડી નું પ્રખ્યાત ગીત

કવિ વેણીભાઈ પુરોહિતની રચના,અજિત મર્ચન્ટનું સંગીત/સ્વરાંકન અને જૂનાગઢી દિલીપ ધોળકિયાનો સ્વર – 1950માં બનેલ ગુજરાતી ફિલ્મ “દીવાદાંડી” નું આ ગીત 70 વર્ષ પછી પણ તરો તાજા લાગે છે,વિશ્વ સમગ્રમાં આ ગીત આજેય ગુજરાતી ગાયક કલાકાર ગાય છે અને શ્રોતાઓ ઝૂમી ઉઠે છે શબ્દ,સ્વર અને સૂર/કંઠ ની ત્રિવેણી છે.

Dilip Dholakia

તારા રૂપની પૂનમનો પાગલ એકલો


કવિએ અહીં એવી તે શી કમાલ કરી છે કે આ ગીતનો આશિક ન હોય એવો ગુજરાતી મળવો દોહ્યલો થઈ પડે?! આ કમાલ શું લયની છે કે ગીતમાં અનવરુદ્ધ વહેતા ભાવાવેગની છે? કે પછી પ્રણયોર્મિનો અનનુભૂત કેફ કારણભૂત છે? અર્થનું ઊંડાણ ભાવક-શ્રોતાને સ્પર્શી જાય છે કે પછી આ નરી સંગીત અને ગાયકીની જ સિદ્ધિ છે? મારે જો કારણ આપવાનું થાય તો હું આ ગીતની લોકપ્રિયતાનું ખરું શ્રેય ‘એકલો’ શબ્દના પ્રયોજનને આપું કેમકે પ્રેમ ગમે એટલી સાર્વત્રિક ઘટના કેમ ન હોય, એની અનુભૂતિ કેવળ ‘એકલા’ની જ હોય છે… કવિએ આ ગીત વાંચતા-સાંભળતા દરેક ગુજરાતીને એકલો શબ્દ વાપરીને એના પોતીકા પ્રેમની વિલક્ષણ તસ્વીર ચાક્ષુષ કરી આપી છે એ કદાચ આ ગીતની સફળતાનું ખરું કારણ છે..

અક્ષર મંદિર માં જ્યારે ગીત ગાવાની ફરમાઈશ થઈ ત્યારે શું થયું?

એક પ્રસંગ એવો પણ બનેલો કે દિલીપ ધોળકિયા લંડનમાં અક્ષર મંદિર બાપ્સ ના કાર્યક્રમમાં ગયેલા અને સામાન્ય રીતે એમણે સ્વામિનારાયણ સંપ્રદાયના કિર્તન ગીતો રાજુ કર્યા ત્યારે શ્રોતાઓએ
તારી આંખનો અફીણી” ગીતની ફરમાયેશ કરી – સંતો ની હાજરી,પ્રમુખ સ્વામી સ્વયં ઉપસ્થિત અને એ બધાની સન્નિધિમાં આ પ્રેમની ઊર્મિઓ વ્યક્ત કરતું ગીત ગાવું કઈ રીતે એ મૂંઝવણ વચ્ચે દિલીપભાઈને વિચાર ઝબક્યો ને એણે વાતને બાંધી ને કહ્યું કે ” મને અત્યારે માતાજી ના દર્શન થતા હોય એવું લાગે છે,માં અંબાના દરબારમાં,તેમની મૂર્તિ સન્મુખ બેઠો છું અને એના પાવન દર્શન થતાં જ જે ભાવ ઉદભવે છે તે આ ગીતમાં પ્રસ્તુત કરું છું ” એમણે ગીત ગાયું અને સંતો અને હરિભક્તોએ ભક્તિ ગીત તરીકે માણ્યું. કવિના શબ્દોનું અર્થઘટન અલાયદું આ નજરે કરશો તો તમને પણ એવી જ અનુભૂતિ થશે.

આ “દીવાદાંડી” ફિલ્મની એક પણ પ્રિન્ટ આજે બચી નથી,પુનાના આર્કાઈવ માં હતી તે પણ આગમાં બળી ગઈ પણ દિલીપભાઈના સ્વરમાં ઓરીજીનલ ટ્રેકનું અસ્તિત્વ છે અને સેંકડો નાના મોટા ગાયકો ના સ્વરમાં પણ આ ગીત આજે પણ ગુંજે છે – એક સદાબહાર ગીત કાયમ ગુંજતું રહેશે. આ સર્જક ત્રિવેણીને વંદન સહ દિલીપ ધોળકિયા ની સ્વર્ણિય ચેતનાને સુરીલી સલામ.

Also read : ગાંઠિયા પર એક રસપ્રદ નિબંધ – ગુજરાતી વ્યંગ કથા!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *