બગીચામાં મળવું અને સતત બીજાની કાળજી લેવી એમાં ફરક છે
બગીચામાં મળવું અને સતત બીજાની કાળજી લેવી એમાં ફરક છે
લેખક: રોહિત વણપરિયા (કેશોદ-રાજકોટ)
ફ્લશ કરવામાં બેદરકારી, મુકેલી વસ્તુ ક્યાં મુકી હતી તે ભુલી જવું, ટુવાલ, રૂમાલ, પેનડ્રાઇવનું ન મળવું, વ્યવસ્થિત હોવું ગમવું પણ બધું અવ્યવસ્થિત રાખવું, વૈભવી કાર હોવા છતાં પેટ્રોલ ખતમ થાય ત્યાં સુધી ખબર ન રાખવી, ઓફિસે પહોંચ્યા પછી પેનડ્રાઈવ કે લેપટોપનું યાદ આવવું …
પોતાની આ બધી મર્યાદાઓ, કુટેવો હિમેશને નિકિતાનાં ચાલ્યા ગયા પછી જ નજર આવવા લાગી.
રાત્રે બેમતલબ ટીવી ચાલુ કર્યુ તો ગીત ચાલી રહ્યું હતું, ‘ તુમ મુજે યુ ભુલા ન પાઓગે ‘, ને હિમેશ નિકિતાને યાદ કરીને… સોફ્ટવેર એન્જિનિયર તરીકે અતિસફળ હિમેશને ગીત સાંભળતા ભાન થયું કે નિકિતાનું સ્થાન અંકિતા નહિ જ લઇ શકે.
વ્યવસ્થિત તૈયાર થઇને બહાર ઓફીસ, બગીચા કે હોટલમાં મળવું અને સાથે રહીને સતત બીજાની કાળજી લેવી એમાં જમીન-આસમાન જેટલો તફાવત હોય છે.
વહેલી સવારે જ હિમેશે પોતાની તમામ મર્યાદાઓ સુધારવાનો અને કોઇપણ ભોગે સમાધાન કરીને પણ નિકિતાને મનાવીને આજીવન તેની સાથે રહેવાનાં ઈરાદા સાથે મોબાઇલ હાથમાં લીધો.
તા. ૯-૫-૨૦૧૯ લોકસંસાર દૈનિકમાં પ્રકાશિત