બધાંની ફેવરિટ ચકલી અને ચકલી નો ફેવરિટ માળો
બધાંની ફેવરિટ ચકલી અને ચકલી નો ફેવરિટ માળો
અમે ચાર ચકલીઓ
અમે દાદાની દીકરીઓ
દાદા ચપટી ચોખા નાખે
અમે આજે ભેગા રમીએ
અમે કાલે ઉડી જઈએ
દીકરી માટે ની આ પંક્તિઓ, અમારી ત્યાં ખોટી સાબિત થઇ છે. અમારે ત્યાં ચકલીઓ ઉડી જતી નથી. અમારે ત્યાં દેશી ચકલીઓની વસ્તી વધતી જાય છે. ગઈકાલે જ મારી બારીની પાછળથી ચકલીઓનું ટોળું ઉડયું. મને થયું કે એ મને ભ્રમ થયો છે. પણ બહાર જઈને જોયું તો આસપાસ ઘણી ચકલીઓ હતી.
અમારા બે ‘હેપી ચકલી ઘર’ માં આ એક જ વર્ષમાં ચાર ડિલિવરી થઈ. એટલે કે આઠ બચ્ચાં આવ્યા. માળો ખાલી રહ્યો જ નહીં. આખું ય વર્ષ ચકલાં ની ચીં ચીં થી અમારો વરંડો ગુંજતો રહ્યો.
ચકલી નો ફેવરિટ માળો
એ એક ખોટી માન્યતા છે કે મોબાઈલ ટાવરના કિરણોને કારણે ચકલીઓની વસ્તી ઘટી ગયેલી. ખરેખર તો પહેલાં ચકલીઓનો પ્રવેશ ઘરમાં થતો રહેતો. ફોટાની ફ્રેમ એનું નિવાસસ્થાન હતું. ફોટો ફ્રેમ પાછળ, ચકલી બચ્ચાને જન્મ આપતી અને ત્યાં જ ઉછેર થતો. હવે આપણને તણખલાંનો કચરો ગમતો નથી. હવે દાદા દાદીની ફ્રેમો રહી નથી. હવે ત્રાંસી ફોટો ફ્રેમ પણ નથી રહી કે જેની પાછળ ચકલી માળો કરી શકે. હવે વેન્ટિલેશન કે પોપટિયું જોવા મળતું નથી. તો ચકલી માળો ક્યાં કરે ?
જો ચકલીના માળા પાસે બર્ડ ફીડર રાખવામાં આવે કે જેમાંથી ફક્ત ચકલી જ ખાઈ શકે છે અને મુશ્કેલીથી પોપટ. તેમ જ પીવાનું પાણી, (બર્ડ વોટર ફીડર પણ ચાલે), તો ચકલીઓ ચોક્કસ વસવાટ કરે અને બચ્ચાં પણ જણે.
ચકલીને માટીના માળા માફક આવતા નથી. અમે લાવ્યા, આજે પણ લટકાવેલા છે જ. એક જ વાર ચકલીએ એનો ઉપયોગ કર્યો. એક જ ડીલીવરી માટે, એ પછી ક્યારેય માટીના માળામાં ચકલીએ વસવાટ ના કર્યો. સાફ કરીને મુકેલા છે, પણ એમનેએમ જ લટકી રહ્યાં છે. તેની સામે પુઠાંના ચકલીના બે ઘર ‘હેપી ચકલી ઘર’ છે, જેમાં દર વર્ષે બે બચ્ચાં આવતા, એ આ વર્ષે ચોથી વાર ડિલિવરી થઈ ગઈ છે.
જોકે ચકલી ‘અમે બે અમારા બે’ માં માને છે અને ત્રણ બચ્ચાં હોય તો યેનકેન પ્રકારેણ, એ બચ્ચાને બહાર ફેંકી દેતી હોવી જોઈએ. કારણકે સવારે ઉઠીએ ત્યારે ત્રીજું બચ્ચું નીચે પડેલું જોઈએ.
એ જ રીતે કાબર અને કાગડો એના દુશ્મન છે. એ ચકલીઘર ઉપર બેસી અને ચકલીનું બચ્ચું ખેંચી કાઢે છે. આપણે સતત તો ત્યાં હોઈએ નહિ. એટલે જો ચકલી ઘર ઉપરનું મથાળું છાપરાંની માફક, થોડું વધારવામાં આવે તો કાગડો વાંકો વળી ને એની ચાંચ માળામાં પહોંચાડી ના શકે. તો હજુ પણ ચકલીઓને વધારે ઉછેર થઇ શકે.