માનવીના જીવનની પાંચ સ્તરીય સાધના

Chakra

ભગવાન સચ્ચિદાનંદ છે અને તે આપણી અંદર નિવાસ કરે છે. તેને પ્રગટ કરવા માટે રામચરિત માનસમાં જીવનની પાંચ સ્તરીય સાધના ને પાંચ પદમાં બતાવવામાં આવી છે. સાધનાની દ્રષ્ટિએ તેનું ખુબ જ મહત્વ છે. સ્વાસ્થ્ય, શક્તિ, આનંદ, જ્ઞાન અને પ્રેમના પ્રાગટ્ય માટે તેને સમજવું અત્યંત આવશ્યક છે. આ લેખમાં હું માનવીના જીવનની પાંચ સ્તરીય સાધના વિષે જણાવીશ.

૧. અખંડ સ્વાસ્થ્ય માટે શરીરના દેવતા – ગણેશ.

જો સુમિરત સિધિ હોય, ગન નાયક કરિબર બદન
કરઉ અનુગ્રહ સોઈ બુદ્ધિ, રાસિ સુભ ગુન સદન.

અર્થાત ગણો ના અધિપતિ, હાથીના મોં વાળા, જ્ઞાન અને ગુણોના ભંડાર, સ્વાસ્થ્યના સ્વામી,
જેનું સ્મરણ કરવાથી બધા કાર્યો સફળ થઇ જાય છે એવા ગણેશજી મારા પર કૃપા કરો.

ગણેશજી સફળતાના સ્વામી છે અને તેઓ સાધનાના માર્ગમાં આવતા બધાં જ વિઘ્નોને દૂર પણ છે.
ગણેશજી નું શરીર સ્થૂળ છે, મુખ હાથી નું છે. મનુષ્યનું જે શરીર દેખાય છે તેને સ્થૂળ શરીર કહેવાય છે. મન તેનાથી સુક્ષ્મ છે તથા બુદ્ધિ તેનાથી પણ સુક્ષ્મ છે. ગણેશજી સ્થૂળ શરીરના સ્વામી છે.

ગણેશજી નું નિવાસ સ્થાન મૂલાધાર ચક્ર છે. જેને અન્નમય કોષ પણ કહેવાય છે. મૂલાધાર પહેલું ચક્ર છે એટલે ગણેશજી ની વંદના સૌથી પ્રથમ કરાય છે. તેઓ સાધના માર્ગની બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે.
કાર્ય ભલે વ્યક્તિગત હોય, પારિવારિક હોય કે સામાજિક હોય, કાર્ય ની સફળતામાં સૌથી પહેલું વિઘ્ન શરીરનો રોગ છે. એટલે આ ચક્ર સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. સ્થૂળ શરીર ને રોગમુકત કરવા શ્રીમાનસમાં આદર્શ ભજન પદ્ધતિ ની રૂપરેખા આપવામાં આવેલ છે. શરીરના સ્તર પર સંતુલન આહાર દ્વારા અખંડ સ્વાસ્થ્ય મેળવી શકાય છે.

૨. શક્તિ માટે ઇન્દ્રિયોના દેવતા સૂર્ય

મુક હોઈ બાચલ પંગુ, ચઢાઈ ગીરીબર ગહન,
જાસુ કૃપા સો દયાલ, દ્રવઉં સકલ ક્લી મલ દહન.

અર્થાત જેની કૃપાથી મૂંગો બોલવા લાગે છે, લંગડો ઊંચા પર્વત ચઢી જાય છે, જે કલિયુગ ના બધા જ દોષો ને બાળી ને ભષ્મ કરે છે, એવા શક્તિ ના સ્વામી સૂર્ય મારા પર દયા કરો.

સૂર્ય ઉર્જા નું મૂળ સ્ત્રોત છે. તેનો આપણા શરીર સાથે સીધો સંબંધ છે. શરીરને હાડમાંસ અને વાણીને ઊર્જા આપવાનું મૂળ સ્ત્રોત સૂર્ય જ છે. જે આપણા શરીર ની સમસ્ત ઇન્દ્રિયોમાં શક્તિનો સંચાર કરે છે. વાણી અગ્નિનું સાર તત્વ છે. સૂર્ય રૂપમાં પ્રાપ્ત અગ્નિ તત્વ ના સ્થૂળ ભાગ થી હાડકા નું નિર્માણ થાય છે અને મધ્ય ભાગ થી મજ્જા નું નિર્માણ થાય છે. અતિ સુક્ષ્મ ભાગ થી વાણી ને શક્તિ મળે છે.

અગ્નિ નો ગુણ છે બળવાનો. સૂર્ય સંપૂર્ણ દોષોને બાળનારો છે. માનવ શરીરમાં સૂર્ય નું સ્થાન મણિપુર ચક્ર પર છે. તેને પ્રાણમય કોષ પણ કહે છે. સૂર્યની કૃપાથી શરીરના મળ બળી જાય છે.

૩. અખંડ આનંદ માટે મન ના દેવતા – વિષ્ણુ

નીલ સરોરુહ શ્યામ , તરુણ અરુણ બારીજ નયન,
કરઉ સો મમ ઉર ધામ, સદા છીર સાગર નયન.

અર્થાત નીલકમળ સમાન શ્યામ શરીર વાળા, લાલ કમળ સમાન આંખો વાળા તથા ક્ષીર સાગરમાં વિશ્રામ કરનારા આનંદ ના સ્વામી ભગવાન વિષ્ણુ સદૈવ મારા હૃદયમાં નિવાસ કરો.

વિષ્ણુ આનંદના પ્રધાન દેવતા છે. તેમનો નિવાસ હૃદયની મધ્યમાં અનાહત ચક્રમાં છે. તેને મનોમય કોષ પણ કહે છે. વિષ્ણુની કૃપા થી હૃદયમાં આનંદ પ્રગટ થાય છે. આસક્તિ અને ઈચ્છાઓ હૃદયના સાચા આનંદ ને ઢાંકી નાખે છે. ઇચ્છાઓ નો અર્થ છે પ્રાપ્ત કરવાની ચાહ અને આસક્તિ નો અર્થ છે પ્રાપ્ત થયેલ વસ્તુ છોડી ના શકવી. જો ઈચ્છાઓ અને આસક્તિઓ ઓછી થઇ જાય તો ભીતર નો આનંદ પ્રગટ થાય છે.

ધન, વસ્ત્ર, સમય, આભુષણ, ભગવાનને પ્રેમપૂર્વક અર્પણ કરવાથી ઇચ્છાઓ અને આસક્તિઓ આપોઆપ ઓછી થઇ જશે. આ રીતે મનના સ્તર પર વિવેકપૂર્ણ ઈશ્વરીય સેવા દ્વારા અખંડ આનંદ પ્રગટ કરી શકાય છે.

૪. અખંડ જ્ઞાન માટે બુદ્ધિના દેવતા –શિવ

કુંદ ઈંદૂ સમ દેહ , ઉમા રમન કરુના અયન,
જાહી દિન પર નેહ, કરઉ કૃપા મર્દન મયન.

અર્થાત આ આજ્ઞા ચક્ર છે. જેને વિજ્ઞાનમય કોષ પણ કહે છે. જે બંને ભ્રમરોની વચ્ચેના સ્થાનમાં આવેલ છે. એમાં ચેતના શક્તિ હોય છે. અહીંયા અહંકાર વડે શુદ્ધ જ્ઞાન રૂપી પ્રકાશ ઢંકાયેલો છે.

આજ્ઞાચક્રના સ્વામી શિવજી છે. આજ્ઞાચક્રનું પ્રાગટ્ય થવાથી બુદ્ધિમાંથી અહંકારનો નાશ થાય છે, ત્યારે અખંડ જ્ઞાન નો ઉદય થાય છે. આ જ્ઞાન કોઈપણ શાસ્ત્રીય વિદ્વતાથી પરે “સ્વ” ની અનુભૂતિ કરાવનાર છે.

કુંદ એક સફેદ રંગ નું ફૂલ છે જેમાં વિશેષ સુગંધ હોય છે. ઇંદુ ચંદ્રમા છે. જે સફેદ શીતળ પ્રકાશ આપે છે. સફેદ રંગ જ્ઞાન તથા નિ:સ્વાર્થતા નું પ્રતીક છે. જયારે સાધક ભગવાન શિવના સંપર્કમાં આવે છે ત્યારે તેને જ્ઞાન અને શીતળતા પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ માતા પાર્વતી સાથે રમણ કરે છે. ઉમા રમણ એ વાતનું પ્રતીક છે કે આધ્યાત્મિક વિકાસમાં ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરવાનો નથી. ભગવાન શિવ કરુણા ના સાગર છે એટલે તેમનું શરણું પાપો ને જલ્દીથી નાશ કરનારું છે. દીનતા થી સાધક નો અહંકાર મટે છે. તે સ્વયંને નાનો માને છે. એવા સાધક પર શિવજીની વિશેષ કૃપા થાય છે. આ સ્થિતિ ધ્યાન સાધનાથી આવે છે. નિયમિત ધ્યાન-સાધનાના અભ્યાસથી અહંકાર નાશ થાય છે, અંતઃકરણ નિર્મળ થાય છે. ઈશ્વરીય પ્રકાશનું પ્રાગટ્ય આજ્ઞા ચક્ર પર થાય છે. આ પ્રકારે વિધિવત ધ્યાન દ્વારા અખંડ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય છે.

૫. અખંડ પ્રકાશ અને પ્રેમના દેવતા – ગુરુ

બંદઉં ગુરુ પદ કંજ ,કૃપા સિંધુ નરરૂપ હરિ,
મહામોહ તમ પુંજ જાસુ , બચન રવિ કર નિકર.

અર્થાત હું ગુરુના ચરણકમળો ને વંદન કરું છું. જે કૃપા ના સાગર છે. નર રૂપમાં સાક્ષાત હરિ છે. જેમના વચન મહા મોહ રૂપી અંધકાર નો નાશ કરવા માટે સૂર્ય ના કિરણો નો સમૂહ સમાન છે.

આધ્યાત્મિક માર્ગ પર ગુરુ નું વિશેષ સ્થાન છે.આ શરણાગતિનું પ્રતીક છે. એનું કેન્દ્ર સહસ્ત્રાર છે. અહીં પ્રેમનો નિવાસ છે. ગુરુના પ્રતિ સર્વભાવથી આત્મ સમર્પણ દ્વારા શિષ્યના મિથ્યા અહં તથા સમસ્ત મોહ નો નાશ થાય છે અને શુદ્ધ પ્રેમ નું પ્રાગટ્ય થાય છે.

ગુરુના ચરણ કમળ સમાન છે. કમળ અનાસક્તિ અને કોમળતા નું પ્રતીક છે. અર્થાત ગુરુ ના ચરણોનો સહારો તથા પ્રેમ હોવાને કારણે વિષયોથી પૂર્ણ અનાસક્તિ પ્રગટ થાય છે. ગુરુ કૃપા ના સાગર છે. જયારે શિષ્યની કુંડલિની શક્તિ આજ્ઞા ચક્રની ઉપર સહસ્ત્રાર ચક્રમાં જાય છે ત્યારે શિષ્ય ગુરુકૃપાનો અનુભવ કરીને પ્રેમ ના સાગરમાં ડૂબકી લગાવે છે. ગુરુ પરમાત્માનું સાક્ષાત રૂપ છે. કારણકે તેમને ભગવાનના સચ્ચિદાનંદ સ્વરૂપ ને પ્રગટ કરી લીધું છે. બહારથી તેઓ સાધારણ મનુષ્ય ના રૂપમાં છે, અંદરથી પરમ ચિતિ ભગવાન સાથે જોડાયેલા હોય છે. ગુરુ ના વચન મોહ રૂપી અજ્ઞાન ને એવી રીતે દૂર કરે છે જેવી રીતે સૂર્ય ના ઉદય થી અંધકાર નો નાશ થાય છે. મોહ અહં ના સ્તર પર સહસ્ત્રારમાં હોય છે અને તે મોહે ભગવદ્પ્રેમ ને ઢાંકી રાખેલ છે. મિત્રો, માનવીના જીવનની પાંચ સ્તરીય સાધના ગુરૂ વિના ના તો શરૂ થાય છે, ના તો પૂરી થાય છે. આ વાત કોરા કાગળ પર લખી લો.

આ સુક્ષ્મ આકાશ તત્વ છે. સહસ્ત્રારમાં હજારો પાંખડી વાળા કમળમાં ગુરુના ચરણોનો નિવાસ છે. આકાશ તત્વ સર્વ વ્યાપ્ત છે. સાધકનું પૂર્ણ સમર્પણ થતા અદ્વૈત નો અનુભવ થાય છે, અને સર્વ વ્યાપક પરમાત્મા સાથે રાધાકૃષ્ણના રૂપ માં સર્વોચ્ચ પ્રેમની સ્થિતિ પ્રાપ્ત થાય છે.

ગુરુ તત્વ શું છે, ગુરુ દીક્ષા શું છે, શક્તિપાતની ક્રિયા શું છે, મંત્ર દીક્ષા શું છે, ધ્યાન શા માટે કરવું જોઈએ, ધ્યાનમાં શું અનુભૂતિ થાય છે, અલગ અલગ લોક જેવા કે પિતૃ લોક, સિદ્ધ લોક, સ્વર્ગ લોક કેવા છે, મા ભગવતી કુંડલિની શક્તિની સર્વ વ્યાપકતા કેવી છે, આ બધું જાણવા માટે તમે ગણેશપુરીના બાબા મુક્તાનંદ ની આત્મકથાનું પુસ્તક ચિતશક્તિ વિલાસ જરૂરથી વાંચજો. આ પુસ્તકમાં તમારા શક્ય એવા બધાં સવાલોના જવાબ છે.

Baba

ગુજરાતમાં અમદાવાદ ખાતે વર્ષ ૧૯૬૭ માં સોલા ભાગવત વિદ્યાપીઠનો શિલાન્યાસ કરાયો હતો ત્યારે ચાર મહાન સંત વિભૂતિઓ, ગણેશપુરીના મુક્તાનંદ બાબા, સ્વામીનારાયણ સંપ્રદાયના પૂજ્ય યોગીજી મહારાજ, પૂજ્ય રણછોડદાસજી મહારાજ અને નારેશ્વરના પૂજ્ય રંગ અવધૂતજી મહારાજ હાજર રહ્યા હતા. ચારેય વિશ્વ વંદનીય મહાન સંતોની દુર્લભ તસ્વીર અહીં આપેલ છે.

જીવનની પાંચ સ્તરીય સાધના

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે આ મહાન ગુરુ ભગવંતોની અપાર કૃપા આપણા પર રહે અને આધ્યાત્મિક માર્ગમાં માનવીના જીવનની પાંચ સ્તરીય સાધના માં આપણે અગ્રેસર બની પાંચ સ્તરીય વંદનાને આત્મસાત કરીએ એ જ અંતરની અભ્યર્થના.

You may also like...

3 Responses

  1. Chintan Bhayani says:

    Truly inspiring and motivating. Keep sharing the religious understanding in such a simple words. Also, thank you for sharing the hardly available and unique photo.

  2. Ila says:

    Very inspiring

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *