પ્રાર્થના નો સાચો અને સચોટ અર્થ

Quote

પ્રાર્થના નો સાચો અને સચોટ અર્થ

સામાન્ય રીતે પ્રાર્થના એટલે કોઈને વિનંતી અથવા આજીજી કરવી .ધાર્મિક દ્રષ્ટિએ પ્રાર્થના એટલે ઈશ્વરની સ્તુતિ. સર્વશક્તિમાન ઈશ્વરને ભક્તિભાવપૂર્વક યાદ કરવા પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થના એટલે નિર્મળ હૃદય થી પરમ તત્વ સાથે કરેલું ભાવાત્મક અનુસંધાન. ચાલો આપણે પ્રાર્થના નો સાચો અર્થ ઊંડાણથી સમજીએ.

પ્રાર્થના ની ઉત્પત્તિ

ઈશ્વરની મૂર્તિ અસ્તિત્વમાં આવી તે પહેલા આપણાં પૂર્વજો કુદરતની અપાર લીલાનું અહોભાવની લાગણી થી મનન કરતાં. આ વિશાળ બ્રહ્માંડ નો કોઈ રચયિતા હશે એમ માની પરમ તત્વના ગુણગાન ગાવા પ્રેરિત થતા. કદાચ આપણાં પૂર્વજોની ઋષિ-મુનીઓની આ પ્રથમ ભાવાત્મક પ્રાર્થના હતી.

મૂર્તિ કે મંદિરની જરૂર નથી

પહેલાની આવી પ્રાર્થનાને કોઈ મંદિર, મસ્જિદ, ચર્ચ , ગુરુદ્વારા કે ઈશ્વરને કોઈ મૂર્તિની આવશ્યકતા નહોતી. આવી પ્રાર્થના ને સમય, ભાષા , ધર્મ કે સંપ્રદાયના કોઇ બંધન ન હતા. ઈશ્વરની મૂર્તિ અસ્તિત્વમાં આવતા આવી ભાવાત્મક પ્રાર્થના નું સ્થાન ઇચ્છાપૂર્તિ કરતા ઈશ્વરને ખુશામતે લીધું. કાળક્રમે જુદા જુદા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યાં. દરેક સંપ્રદાયે પ્રાર્થનાની અલગ અલગ રીતો વિકસાવી. ભાવની જગ્યાએ પ્રાર્થના માટે શબ્દો અસ્તિત્વમાં આવ્યાં . ઈશ્વરને પ્રાર્થના માટે વિવિધ મંત્રો, શ્લોકો બન્યા..દરેક ધર્મ અને પ્રાર્થનાનું હેતુ સર્વશક્તિમાન ઈશ્વરને સ્તુતિ કરી ગુણગાન ગાવાનો હતો. પરમ તત્વની કૃપા મેળવી, આંતરિક શક્તિ વિકસાવી, આધ્યાત્મિક ઉન્નતિ કરવાનો હતો.

પ્રાર્થના દ્વારા મનના આવેગો અને વિકારોથી મુક્તિ

શુદ્ધ ભાવથી કરેલી પ્રાર્થના હૃદય, મન તથા આત્માને શુદ્ધ કરે છે. ઈશ્વરના સ્મરણથી તથા તેની કૃપા મળવાની લાગણીથી માનવીનું મન આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે. તેનું મનોબળ દઢ થાય છે. વિકટ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ જન્મે છે. મનના વિકારો, હતાશા તથા ચિંતા દૂર થાય છે રોગપ્રતિકારક શક્તિ વિકસે છે. આધિ વ્યાધિ તથા ઉપાધિથી મુક્તિ મળે છે. અશાંતિ તથા ક્રોધ દૂર થાય છે.

Passport service

પ્રાર્થના અને શ્રદ્ધા

પ્રાર્થના ગમે તે સ્થળે તથા ગમે ત્યાં કરી શકાય છે . શ્રદ્ધા આપણાં પ્રાર્થનાનું બળ છે. અહંકાર રહિત, સમર્પિત ભાવનાવાળા મનથી કરેલ પ્રાર્થના શ્રેષ્ઠ ફળ આપે છે. પ્રાર્થનામાં આપણો અવિશ્વાસ અડચણરૂપ બને છે.

આંતરિક શુદ્ધિ અનિવાર્ય

આપણે બાહ્ય રીતે સ્વચ્છ ન હોઈએ તો ચાલે, પરંતુ હૃદય તથા મનની શુદ્ધિ આવશ્યક છે. પ્રાર્થના વેળા મન શાંત તથા શૂન્ય હોવું જોઈએ. મન કે હૃદય નફરત, ઈર્ષા, અદેખાઈ કે અપેક્ષાઓના ભારથી મુક્ત હોવું જોઈએ. મન અશાંત હશે તો પ્રાર્થના માટે હાથ જોડાયેલા હશે, પણ મનમાં મલિનતા ઘૂમરાયા કરશે. ગોખી રાખેલી પ્રાર્થના ક્યારે પૂરી થઈ જશે તેનું પણ ભાન નહીં રહે.

યંત્રવત પ્રાર્થના નો કોઈ અર્થ નથી

હાથમાં માળા ફરતી હશે, ને ખોખરા શબ્દો યંત્રવત બોલાતા રહેશે, અંતરના દ્વાર તો બીડાયેલા જ રહેશે. આવી પ્રાર્થના હૃદય, મનના બંધબારણે અથડાય , હૃદયને જરા પણ સ્પર્શ કર્યા વગર પૂરી થઈ જશે. આવી યંત્રવત પ્રાર્થનાનો કશો અર્થ નથી .આવી પ્રાર્થના તો ઊલટાનો મનોભાર વધારે છે. અશાંતિ કે મનના ઉદ્વેગ શાંત થતા નથી. ભક્તનું મન અશાંત જ રહે છે. હૃદય, મન અને ઈશ્વર વચ્ચે નો સેતુ સંધાતો નથી. એવું લાગે છે કે આપણે પ્રાર્થના કરતા યાચના વધુ કરીએ છીએ.

પ્રાર્થના નો સાચો અર્થ ભીખ નથી

આપણી પ્રાર્થનામાં ભાવ હોતો નથી. પરંતુ ભીખ વધુ હોય છે. આપણે માગણીનું લાંબુ લચક લીસ્ટ ઇશ્વરના ચરણોમાં ધરી દઈએ છીએ. આપણે પ્રાર્થના સ્વાર્થ માટે કરીએ છીએ .પરમાર્થ માટે કરતા નથી. આપણી પ્રાર્થનામાં ધન અને ઐશ્વર્યની માગણી હોય છે. આપણે પ્રાર્થના આપણા શરીર સુખ, અને દુનિયાના સુખો પૂરતી સીમિત થઈ ગઈ છે.

ભગવાન સાથે સોદાબાજી ના કરો

ઈશ્વરને ભોળા તથા મૂર્ખ સમજી તેની સાથે લેતી દેતી તથા સોદાબાજી કરીએ છીએ .ઈશ્વરને શ્રીફળ વધેરવાની કે અમુક રકમ ધરવાના શરતી માગણી કરતા રહીએ છીએ. આવી પ્રાર્થના સ્વ તથા પરમાત્મા સાથેની છેતરપિંડીથી વિશેષ નથી. હકીકતમાં પ્રાર્થનામાં ક્યારે પરિણામ નું મહત્વ નથી હોતું .જો પ્રાર્થના કોઈ ખાસ હેતુ માટે કરાતી હોય તો એ પ્રાર્થના નથી.

પ્રાર્થના ભાષાથી પરે છે

વિવિધ ભાષા તો મનુષ્ય ની શોધ છે. પ્રાર્થના માટે બોલાતા શબ્દો કે મંત્રો તો આપણી રચના છે. પરમાત્માને આવા શબ્દો સાથે કોઈ સંબંધ હોઈ શકે નહીં. ગમે તેવા શબ્દોથી રચિત પ્રાર્થના બોલો પણ , તે વેળા ઈશ્વર સાથે તમારું ભાવાત્મક જોડાણ ન થાય , તો એ પ્રાર્થના શબ્દોના બબડાટ થી કશું વિશેષ નથી.

Prayer

ભાવપૂર્ણ પ્રાર્થના જ સાચી છે

પ્રાર્થના વખતે હૃદયના ઈશ્વરના ભાવથી ભરાઈ ન જાય , તથા તમારું મન ભાવવિભોર ન થાય, કે તમારી આંખોમાંથી હર્ષના અશ્રુ ધારા વહેવા ન લાગે તો સમજ જો કે તમારી પ્રાર્થના ઈશ્વરને પહોંચશે નહીં. પરમ તત્વ તો શબ્દો રહિત હૃદયની ભાષા જાણે છે. આવી ભાવવિભોર હૃદય થી કરેલી પ્રાર્થના તમારા મનની મલિનતા દૂર કરી દેશે .હૈયું હળવું કરી દેશે. અંતરમાં આનંદ ,સુખ તથા શાંતિની લાગણી પ્રસરાવશે.

ભગવાન ભાવનો ભૂખ્યો છે

ઈશ્વર તો અંતર્યામી છે. તે ભક્ત ના ભાવ ને વગર જણાવે પણ ઓળખે છે. તમારા ભાવ જ મોબાઈલના નેટવર્ક જેવું કામ કરી, તમારી પ્રાર્થનાને ઈશ્વર સુધી પહોંચાડે છે .આવી પ્રાર્થના આપણને અંધકારમાંથી ઉજાસ તરફ, અસત્ય માંથી સત્ય તરફ, નિરાશામાંથી આશા તરફ, સ્વ માંથી પરમ તરફ , અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, સંકુચિતતા માંથી વિશાળતા તરફ દોરી જાય છે. તમારું સમગ્ર અસ્તિત્વ ઓગળી પરમ તત્વ માં એકાકાર થઈ જાય છે. તમને મૃત્યુના ભયમાંથી મોક્ષ તરફ લઈ જાય છે. આ સઘળી વાત પછી તમને થશે કે શું પ્રાર્થના જ ન કરવી? પ્રાર્થના માટે શું કરવું? તો જણાવું કે, પ્રાર્થના અવશ્ય કરવી ,પરંતુ પૂરા ભાવ સાથે ,તથા શાંત મને અને નિર્મળ હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ.

આદર્શ પ્રાર્થના

આપણે આવી પ્રાર્થના કરી શકીએ, “હે ઈશ્વર તે મને વગર માગ્યે ઘણું આપ્યું છે. વિશાળ બ્રહ્માંડ તથા સ્વસ્થ શરીર આપ્યું છે. મારે કશાની જરૂર નથી. બસ, તું મને નકામી ઇચ્છાઓથી બચાવ. મને જગતની અપેક્ષાઓથી મુક્ત કર. સુખ-દુઃખમાં સાક્ષીભાવ એ રહેવાની ક્ષમતા આપ. ગરીબ, જરૂરીયાત મંદને મદદ કરવાની શક્તિ આપ. જે આવી પડે તેને, કશી પણ ફરિયાદ કર્યા વગર ,સ્વીકારવાની શક્તિ આપ. દુનિયાની પીડાઓ સહન કરવાની શક્તિ આપ.”

પ્રાચીનતમ પ્રાર્થના

આ લેખનું સમાપન કરીએ આપણી સંસ્કૃતિએ આપેલ જગતની આ શ્રેષ્ઠ પ્રાર્થનાથી

असतोमा सद्गमय ।
तमसोमा ज्योतिर् गमय ।
मृत्योर्मामृतं गमय ॥
ॐ शान्ति शान्ति शान्तिः ।।

(બ્રુહદારણ્યકોપનિષદ ૧.૩.૨૮ તથા શત્પથબ્રામ્હણ ૪.૩.૧.૩૦)

અર્થાત હે પરમપિતા મુજને અસત્ય થી મુક્ત કરી પવિત્ર સત્ય સુધી પહોચાડો, અંધકારથી કાઢીને જ્યોતિમાં લઈ જાઓ અને મૃત્યુથી પાર કરીને અમરત્વમાં પ્રવેશ અપાવો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *