ક્યાં તો ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે
ક્યાં તો ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે
કોઈ ત્રીજી રીત તો ક્યાં જાણવાવાળાં મળે,
ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે.
નીકળે બે પગમાં લઈને કૈંકના પગની સફર,
પગલે પગલે માર્ગમાં જે થાકવાવાળાં મળે.
શોધનારાંની નજર શોધી જ લે છે એમને,
ક્યાંક તો પોતાની દુનિયા વેચવાવાળાં મળે.
કાળજીની શુદ્ધતા પહેલા પ્રમાણી જોઈએ,
આમ તો ભડકાને પણ પંપાળવાવાળાં મળે.
હાથ વળતો તું મૂકે તો એમને ના પણ ગમે,
હાથને તારા ખભે તો રાખવાવાળાં મળે.
આપનારા એ જ નજરે એકબીજાને જુએ,
અંદરોઅંદર જે રીતે માંગવાવાળાં મળે.
એટલે શેરોથી મારા દૂર રહેતો હોઉં છું,
એમને તો કોઈ આદર આપવાવાળાં મળે.
- ભાવેશ ભટ્ટ