દાદાના ખોંખારામાં કોરોના દેખાય
આવે જો છીંક તો ઉચાટ થઈ જાય છે,
દાદાના ખોંખારામાં કોરોના દેખાય છે!
ખુલ્લી જે બારીમાંથી અપાતું હતું સ્મિત,
હવે, તે બારી સદાય બંધ જ દેખાય છે !
જે ફૂલ ગુલાબી હોઠો પર હતા કુરબાન,
તે હોઠ બધા હવે માસ્ક તળે ઢંકાય છે !
બાજુની રેંકડીની પેલી તરબતર ખુશ્બુ,
હવે ઘરમાં જ સાંજે ખીચડી રંધાય છે !
કાઢી નાખતા હતા કુચા ઉથલાવીને બધા,
એ છાપા હવે મોબાઈલમાં વંચાય છે !
હતો જેનો ના આવ્યા નો ઉચાટ ઘણોય,
તે કામવાળા યાદમાં પણ ક્યાં વરતાય છે ?
શીખી ગયા છે સૌ હાથ દેતા ઘરકામમાં,
ઝાડુ મારવામાં હવે સ્ટેટ્સ જણાય છે ?
દીકરી ભણે લેપટોપ પર, દીકરો મોબાઈલમાં,
ભણવાની નવી રીતમાં વિસ્મય જણાય છે !
કેટલી વધારી હતી વ્યર્થની જરૂરતો સૌ,
નકામું હતું સઘળું હવે એ સમજાય છે !
ધીરે ધીરે એવું કંઇક સમજાય છે,
કાળ ગુપચુપ ઘણું લૂંટતો જાય છે.
કહીએ દિલ ની વાતો,
એવા માણસો,
ગુમસુમ થતા જાય છે.
શ્વાસથી યે નિકટ હતા,
જે અબઘડી,
આંખથી સાવ ઓઝલ થતા જાય છે.
ડગ સ્વયંભૂ વળીને જતા જે તરફ,
એ ઘરો હવે ખૂટતા જાય છે.
કોણ જાણે કયો શાપ લાગી ગયો,
લીલાછમ માણસો રણ થતા જાય છે.
જે ઘરો માં જઈ સહેજ હળવા થતા,
બારણાં એ ઘરોના બંધ થતા જાય છે….
આવે જો છીંક તો ઉચાટ થઈ જાય છે,
દાદાના ખોંખારામાં કોરોના દેખાય છે!
Read more poems here.