કૃષ્ણ ભગવાન ને પ્રેમ પત્ર : શ્રીગુણવંત શાહ દ્વારા લિખિત
કૃષ્ણ ભગવાન ને પ્રેમ પત્ર : માનનીય શ્રીગુણવંત શાહ દ્વારા લિખિત
પ્રતિ,
સર્વલોકમહેશ્વર શ્રીકૃષ્ણ
જગન્નિવાસ
અનંત એસ્ટેટ
નિત્ય રાસલીલા ચોક
ગોલોક
પીનકોડ:000000
પ્રિય માધવ,
મારી પાસે અર્જુનની ઋજુતા નથી,
રાધાનું સમર્પણ નથી,
ગોપીઓનું ભોળપણ નથી
અને વિદુર પાસે હતું એવું ડહાપણ નથી.
તારી ભક્તિમાં મગ્ન બનેલી મીરાની માફક હું ગાઈ શકું એમ નથી કે:
પ્રેમભક્તિ કો મેં મદ પીયો
છકી ફિરું દિનરાતી
જાઉં ન પીહરિયે, જાઉં ન સાસરિયે
હરિ સૂં સૈન લગાતી.
પૂરતા પરિચય વગર કોઈને પત્ર લખી શકાય?
કોઈને ન લખાય પણ તને તો લખાય
કારણ કે એવું સાંભળ્યું છે:
જેનું કોઈ નથી એનો આધાર તું છે.
પરિચય તો મને ઈલેક્ટ્રીસિટીનો પણ ક્યાં છે!
મેં તો કદી એને જોઈ નથી,
તોયે એના આવિષ્કારો મને ઠેર ઠેર જોવા મળે છે.
હે માધવ ! તને નથી જોયો કે નથી જાણ્યો,
તોયે હે આનંદમૂર્તિ !
ક્ષણે ક્ષણે તારા અણસાર મળતા જ રહે છે.
આજે થોડી અંગત વાતો કરીને હૈયું હળવું કરવું છે.
હે ! યોગેશ્વર !
ભગવદ્દગીતા બહુ વાંચી, તોયે મારો વિશાદ ટળતો નથી.
તારું સર્જેલું આ વિશ્વ પ્રતિક્ષણ પલટાતું રહે છે.
પવનની લહેરખી સાથે પારિજાતના પુષ્પો ખરતાં રહે છે.
સંબંધો બંધાય છે અને તૂટે છે.
બધું ક્ષણભંગુર અને બધું જ અનિત્ય.
કાળના કોળીયો જેવાં અમે માનવ જંતુડા!
હૈ પુરુષોત્તમ !
ગીતાના સોળમાં અધ્યાયમાં તેં દંભને
આસુરી સંપત્તિ તરીકે પ્રથમ ક્રમે ગણાવ્યો.
જો તને દંભ પ્રત્યે આટલી નફરત હોય
તો પછી તેં ધર્મગુરુઓ શા માટે પેદા કર્યા?
તેં જીભનું નિર્માણ સ્વાદ માણી શકાય તે માટે કર્યું.
પરંતુ, તેઓ અમને અસ્વાદ વ્રત પાળવા કહે છે.
તેં ગીતામાં સ્પષ્ટ કહ્યું કે:
‘પ્રાણીઓમાં રહેલો ધર્માંનુકૂળ એવો કામ હું છું.’
પરંતુ, ધર્મગુરુઓ કામવૃત્તિને પાપ ગણાવે છે.
અમારી આસપાસ જ્યાં નજર કરીએ ત્યાં
દંભના રાફડા ફાટ્યા છે.
દંભ વગર જીવવું ભારે પડી જાય
એવો આ સમાજ છે,
હે અચ્યુત !
તારી આગળ કશુંક છુપાવીને પણ ક્યાં જવું!
તને તો અંદરની બધી વાત ખબર હોય છે.
મને તારી વાત તો સમજાય છે,
પરંતુ જેઓ તારા નામે ચરી ખાય છે,
તેમની વાત નથી સમજાતી.
પ્રિય યશોદાનંદન, ગોપાળનંદન અને ગોપીનંદન !
તું દીસંતો, કોડીલો, કોડામણો નટવર નાનડો છે.
તું રાસવિહારી છે, રાધારમણ છે અને નટખટ નાગર છે,
પરંતુ તેઓ શુષ્ક, ઘુવડ ગંભીર અને આનંદવિરોધી કેમ?
એક વૃક્ષ કેવળ વૃક્ષ હોય છે.
એક સિંહ કેવળ સિંહ હોય છે.
એક માણસ કેવળ માણસ કેમ નથી હોતો?
ક્યારેક અસ્તિત્વના ઊંડાણમાંથી
તારા અધકચરા અણસારા અમને મળતા રહે છે.
કહે છે કે જગતમાં જ્યાં પણ રામકથા થતી હોય
ત્યાં ગુપ્તપણે હનુમાનજી હાજર હોય છે.
એવું લાગ્યા કરે છે કે
મૌનના વૃક્ષની નીચે, પ્રેમનીતરતી આંખોમાં
લાગણીનું સરોવર હિલોળા લેતું હોય
ત્યાં અને ત્યારે તું અદીઠપણે પણ હાજરાહજૂર હોય છે.
હે કૃષ્ણ!
અમે માની લઈએ છીએ કે બધું અમે કરીએ છીએ,
પરંતુ ખરેખર તો અમારું નહીં, તારું જ ધારેલું થાય છે.
તારો ખેલ સતત ચાલતો રહે છે.
તું જાદુગર અને અમે તારા જંબુરિયા !
તને એક વિનંતી કરવી છે કે:
અમને કોઈ સારું કર્યા પછી પ્રાપ્ત થતો
સો ટચનો થાક આપજે અને
થાક ચડે પછી જ પ્રાપ્ત થાય એવી ગાઢ નિંદ્રા આપજે.
અમારે પંડિતાઈ નથી જોઈતી,
સમજણનું અજવાળું મળે તોયે બસ છે!
અમારે છપ્પનભોગનો ઓચ્છવ નથી જોઈતો,
અવ્યભિચારીણી ભક્તિની ભીનાશ જોઈએ છે.
અમને કુરુક્ષેત્રની સંહારલીલા ન ખપે, વૃંદાવનની રાસલીલા ખપે.
અમારે દ્વારિકાનાં રાજપાટ
કે કનકકોટના ચળકારા નથી જોઈતા,
અમને તો વ્રજકિશોરની માખણચોરી ખપે,
અમારે સ્યમંતકમણી નથી જોઈતો,
અમારે તો યમુનાના કિનારે ચાલી જતી
રાધાની મટકીમાંથી છલકાઈ ગયેલા ગોરસનું એક ટીપું જોઈએ.
અમારે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સંભળાયેલો પાંચજન્યનો શંખ ધ્વનિ નથી જોઈતો,
અમારે તો વૃંદાવનને પાંદડે પાંદડે ફરી વળતા વાંસળીના સૂર જોઈએ.
અમે ગમે તેટલાં સામાન્ય હોઈએ
તોયે આખરે અમે તારાં જ ફરજંદ!
તેં ગીતામાં સાફ કહી રાખ્યું છે કે:
(મમૈવાંશો જીવલોકે જીવભૂત: સનાતન:).
અમે ભલે પરપોટા રહ્યા,
પરંતુ અમારું કુળ તો મહાસાગરનું!
હે પાર્થસારથિ !
બધાં ઉધામા શાંત પડે,
બધી ઘેલછાઓ ઠરી જાય,
મનનો અવઢવ ખરી પડે,
અને જીવનનો અઢારમો અધ્યાય પૂરો થવામાં હોય ત્યારે,
તારાં ચરણોમાં શીશ નમાવી
અને
તારા શરણમાં ચિત્ત પરોવી, પાર્થની માફક અમને પણ એટલું કહેવા દેજે:
“કરિષ્યે વચનં તવ.”
લિખિતંગ,
ગુણવંત શાહ
Also read : ડાયાબિટીસ માટે અકસીર ઉકાળો : સસ્તો અને સરળ ઈલાજ