રત્નસુંદર સુરીશ્વરજી ની દિવ્ય વાણી : જીવન પર અમૂલ્ય પ્રશ્નોત્તરી
રત્નસુંદર સુરીશ્વરજી ની દિવ્ય વાણી : જીવન વિષે અમૂલ્ય પ્રશ્નોત્તરી
અહીં કેટલાક એવા પ્રશ્નો આપેલા છે કે જેનાં અપાયેલા સમાધાનો જીવનમાં સમ્યક્ ક્રાંતિ સર્જી શકે છે… કયા છે એ પ્રશ્નો ? અને કેવા છે એના સમાધાનો..? તે જાણવા માટે ચાલો જાણીએ પ.પૂ. આ. દેવ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે લખાયેલા સુંદર સમાધાનો વિશે…
(૦૧) જીવનની વ્યાખ્યા ?
➡️ અપાર શક્યતા અને અગણિત અનિશ્ચિતતા એનું નામ જીવન.
(૦૨) જગતને પ્રસન્ન રાખવાનો કોઈ ઉપાય?
➡️ જગત્પતિને પ્રસન્ન કરી શકાય છે, જગતને નહીં.
(૦૩) સાધકની સમજાઈ જાય એવી કોઈ સરળ વ્યાખ્યા?
➡️ કોઈના ય માટે ઘાતક કે બાધક ન બને એવું વ્યક્તિત્વ.
(૦૪) ખૂબ સાવધ ક્યારે રહેવું?
➡️ વાત અને વાતાવરણ બગડે ત્યારે.
(૦૫) સમસ્યાની પજવણીથી બચવા માટેનો કોઈ ઉપાય?
➡️ સમસ્યા પજવવા નહીં, પણ પકવવા આવી છે એ સ્વીકારી લેવું.
(૦૬) આપણી બહુ મોટી તાકાત કઈ?
➡️ અંત:કરણને પ્રમાણિક રહેવું.
(૦૭) જીવનની બહુ મોટી કરુણતા કઈ?
➡️ સત્ય સમજાય છે, પણ સાચા સમયે નથી સમજાતું..
(૦૮) જીવન પર પ્રેમ છે એની ખાતરી?
➡️ સમય પર પ્રેમ છે એ.
(૦૯) યોગી બની શકાય તેમ ન હોય તો શું કરવું?
➡️ બીજાને ઉપયોગી બનવું.
(૧૦) જીવનમાં સો ટકા નિષ્ફળ કોણ?
➡️ કોઇનું ય ન સાંભળે અને બધાયનું સાંભળે એ.
(૧૧) કળિયુગમાં ધ્યાનમાં રાખવા જેવી કોઈ ચીજ?
➡️ ખોટો પૂજાય નહીં, સાચો મૂંઝાય નહીં, એનું ધ્યાન રાખવું.
(૧૨) કોઈને ઠપકો આપતી વખતે રાખવા જેવી સાવધગીરી?
➡️ ટાંકણા લગાવતા પથ્થર તૂટી ન જાય.
(૧૩) આંખ સામે સતત રાખવા જેવી વાસ્તવિકતા?
➡️ જીવનની નદી સતત મોતના મહાસાગર તરફ ભાગી રહી છે.
(૧૪) દુઃખ જ ન જોઈતું હોય તો શું કરવું?
➡️ બીજાને દુઃખ આપવાનું બંધ જ કરી દેવું.
(૧૫) જીવનનો બહુ મોટો પડકાર કયો?
➡️ બીજા સમક્ષ આપણે જેવા દેખાઈએ છીએ, એવા બની જવું એ.
(૧૬) માણસની સૌથી મોટી તકલીફ?
➡️ એકલા ફાવતું નથી અને બધાની સાથે જામતું નથી.
(૧૭) યુવાવસ્થાની ધન્યતા શેમાં?
➡️ પ્રથમ ધન્યતા સાહસ અને બીજી ધન્યતા સંયમ.
(૧૮) એવી કઈ પ્રવૃતિથી બચતા રહેવું?
➡️ જે કરતાં ડરવું પડે અને કર્યા પછી રડવું પડે એનાથી.
(૧૯) જીવનમાં ગલતથી જાતને દૂર રાખવી હોય તો?
➡️ લક્ષ્મણરેખાની વફાદારી જાળવવી.
(૨૦) લક્ષ્મણરેખાની વ્યાખ્યા?
➡️ જે રક્ષણરેખા એ જ લક્ષ્મણરેખા.
(૨૧) સ્વચ્છંદતા એટલે શું?
➡️ વાડ વિનાનું પાકવાળું ખેતર એનું નામ સ્વચ્છંદતા.
(૨૨) સ્વતંત્રતાની સાચી વ્યાખ્યા?
➡️ જે મસ્તીને મર્યાદા હોય એ જ સાચી સ્વતંત્રતા.
(૨૩) પ્રસન્નતાનાં બલિદાન પર અમીર ન જ બનવું?
➡️ આંખના બલિદાન પર ચશ્માનો સોદો કરવા જેવો ખરો?
(૨૪) યુવાનીની સાર્થકતા?
➡️ સંયમ દ્વારા સચવાય અને સેવામાં વપરાય એ જ.
(૨૫) મહાન બનતા જવાનો ઉપાય?
➡️ લેતા રહીને મોટા થયા છીએ, દેતા રહીને મહાન બનતા જઈએ.
(૨૬) માણસના જીવનનો ભારે વિરોધાભાસ ?
➡️ પૂજા રામની, પણ મૈત્રી રાવણ સાથે.
(૨૭) તત્ત્વચિંતક બનવા શું કરવું પડે?
➡️ પહેલાં શુભચિંતક બનવું પડે.
(૨૮) ચિંતા અને ચિંતન વચ્ચે તફાવત કયો?
➡️ ‘શું થશે?’ એ ચિંતા અને ‘શું કરી શકાય છે?’ એ ચિંતન.
(૨૯) દુર્જન સામેની શ્રેષ્ઠ હિંમત કઈ?
➡️ એને ‘ના’ સંભળાવી દેતી ૫૬ની છાતી.
(૩૦) કળિયુગની સૌથી વધુ ખતરનાકતા?
➡️ સજ્જન કોઈ પણ પળે દુર્જન બની જાય છે.
– પ.પૂ.આ.દે. શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.
Also read : વિચારવા જેવી વાત : વૃદ્ધ થતા આવડે છે કે માત્ર ઘરડા થયા છો?
જય જીનેન્દ્ર.. બહુ સરસ. ઉત્તર આપ્યા છે. આચાર્યશ્રી ને વંદન.