ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી … : કૃષ્ણ ભગવાન નું ભજન
કૃષ્ણ ભગવાન નું ભજન
સ્પર્શ તને કરું, ને હું ચંદન થઈ જઉં
લાડ તને લડાવું, ને હું યશોદા થઈ જઉં
ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી …
માખણ તને ધરાવી, ને હું ગોપી થઈ જાઉં
મુઠ્ઠી ભર તાંદુલ ધરાવી, ને હું સુદામા થઈ જાઉં
ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી …
તારાં ચરણો ને સ્પર્શ કરી, ને હું યમુના થઈ જાઉં
તારાં કોમળ અધરો ને સ્પર્શ કરી, ને હું વાંસળી થઈ જાઉં
ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી …
તું ધારણ કરે કંઠ માળા, ને હું મોતી થઈ જાઉં
તું ધારણ કરે માથે મુગટ, ને હું મોરપંખ થઈ જાઉં
ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી …
તું પેહરી લે પીતાંબર, ને હું કંદોરો થઈ જાઉં
તું પેહરે પગ માં નૂપુર, ને હું ઘુઘરી થઈ જાઉં
ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી …
તું ગોવાળીયો બની ને વન માં જાય, ને હું ગાય થઈ જાઉં
તું પગલાં પાડે જ્યાં, ત્યાં હું રમણ રેતી થઈ જાઉં
ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી …
તું આરોગે સામગ્રી, ને હું તુલસી દલ થઈ જાઉં
તારાં પ્રેમ ની ડોર થી બંધાઈ, ને હું રાધા થઈ જાઉં
ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી…
તું નથણી એ તોલાય, ને હું બોડાણા ભક્ત થઈ જાઉં
તું હૂંડી સ્વીકારે મારી, ને હું નરસૈયો થઈ જાઉં
ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી …
આ જીવન નો રથ તું હાંકે, ને હું અર્જુન થઈ જાઉં
તારી સેવા કરવાનો લ્હાવો લઈ, ને હું વૈષ્ણવ થઈ જાઉં
ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી …
Also read : સુદામા ના દરિદ્ર હોવાનું સાચું કારણ : સુદામા કૃષ્ણ ની મિત્રતા