માથે ધોળા વાળ છે પણ અમારે લીલા લહેર છે!
માથે ધોળા વાળ છે પણ અમારે લીલા લહેર છે!
માથે ધોળા વાળ છે,
ઉંમર સીત્તેર માથે ચાર છે,
પેન્શન પણ જોરદાર છે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
ઘેર એક લાંબી ગાડી છે,
ઘર પાછળ નાનકડી વાડી છે,
એમાં તાજી દૂધી ઉગાડી છે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
અમે ખાંડ કે તેલ ખાઇએ નહીં,
લસણ- ડુંગળી ઘરમાં લાઇએ નહીં,
સેવા પૂજા કદી ભુલાઇએ નહીં,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
અમ્મારો બાબો સેટ છે,
વહુ પણ બહુ ગ્રેટ છે,
બાબાનો બાબો સહેજ ફેટ છે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
બાબો અમારો એન.આર.આઇ છે,
આઇ.ટી માં એનું નામ છે ભાઇ,
ડોલરમાં એની મોટી કમાઇ,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
બાબો અહીં ખાસ આવે નહીં,
બાબાને ઇન્ડીયામાં ફાવે નહીં,
અમને કામ વગર બોલાવે નહીં,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
બાબાનો બાબો અંગ્રેજી બોલે,
અમને રેંજી પેંજી જેમ તોલે,
વાત સાંભળયા વગર તે દોડે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
ઘર મોટું બનાવ્યું એના માટે,
બે રુમ આખા એના ખાતે ,
વણ વપરાશે ચાદરો ફાટે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
એટેક બેઉ ને આવી ગયા,
જમડા ડોરબેલ બજાવી ગયા,
આ ફેરા અમે ફાવી ગયા,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
દેહ દાન ના ફોરમ ભરી દીધા,
કાગળીયા બધા સહી કરી દીધા,
જીવત ક્રીયા ના દાન કરી દીધા,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
એકલા એકલા જીવી જવાના,
કદી એકલા જ સાવ મરી જવાના,
બાબા માટે ઘણું છોડી જવાના,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
ઘણું ઝાઝું ભેગું કરવું નહીં,
લાગણીએ તરફડવું નહીં,
કાલને માટે તૂટીને મરવું નહીં,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે….
Also read : હાઈ બ્લડ પ્રેશર ના ૨૦ સરળ અને અસરકારક ઉપાય