ભાવનગરના લચ્છુના પાઉં-ગાંઠિયા-ચટણીની લહેજતદાર દાસ્તાન

ભાવનગરના લચ્છુ ના પાઉં-ગાંઠિયા

ભાવનગરના લચ્છુના પાઉં-ગાંઠિયા-ચટણીની લહેજતદાર દાસ્તાન

ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની સરખામણીમાં ભાવનગર ઘણી દ્રષ્ટીએ પાછળ રહી ગયું છે એવું વારંવાર કહેવાય છે અને અખબારોમાં પન તેની ચર્ચા આવે છે. પણ હંમેશા એવું લાગ્યું છે કે ભાવનગર પાછળ નથી રહી ગયું તેને રાખવામાં આવ્યું છે. અન્યાયની સામે તમારી અસરકારક રજુઆત કે બુલંદ અવાજ ન હોય તો તમે ત્યાંના ત્યાં જ રહો. ઔધોગિક ક્ષેત્રે ભાવનગરની પીછેહઠ થઈ છે અને સર્વસંપન્ન વિકાસ અટવાઈ ગયો છે ત્યારે ભાવનગર માટે કેટલીક ગર્વ અનુભવવા જેવી સિધ્ધિઓ છે. અલબત આ સિધ્ધિઓની આવનારા ઈતિહાસમાં ક્યાંય નોંધ નથી લેવાની તેમ છતાં લોકો હોંશેહોંશે આના ગૂણગાન ગાઈ શહેર પ્રત્યેનું પોતાનું વહાલ અને અભિમાન પ્રદર્શિત કરે છે તેમાની એક બાબત તે ઘોઘા સર્કલના ભાવનગરના લચ્છુના પાઉં-ગાંઠિયા.

હવે મૂળ વાત પર. ભાવનગરમાં 1918 માં ધ ન્યુ જહાંગીર વકીલ મીલ્સ લીમીટેડ અમદાવાદના પારસી વકીલ કુટુમ્બ તરફથી શરૂ કરવામાં આવી. ધીમેધીમે મીલની ખ્યાતિ પ્રસરી ગઈ હતી અને ઉત્કૃષ્ટ કક્ષાના સુતરાઉ કાપડની બનાવટો જેવી કે ચાદરો, ધોતી, સાડી, માદરપાટ વગેરે તૈયાર થવા લાગી હતી. મીલમાં કામકાજ વધતું જતું હતું તેમ કારીગરોની સંખ્યામાં પણ વધારો થતો હતો. કાપડના ઉત્પાદનમાં વીવીંગ માસ્ટર, ડાઈંગ માસ્ટર, ફોલ્ડર વગેરેની માગણી વધતી જતી હતી અને જહાંગીર મીલ પાસે શ્રેષ્ઠ માનવબળ હતું.

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી

એક દિવસ અચાનક જ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી નીલમબાગ પેલેસમાંથી નીકળી બાજુમાં જ આવેલ મીલમાં પંહોચી ગયા. મહારાજા અને મીલના માલિક વકીલ મીલના પ્રાંગણમાં ફરતા હતા તો મહારાજાએ જોયું કે કેટલાક કારીગરો રિસેસનો સમય હોવા છતાં એમને એમ બેઠા હતા. મહારાજાએ પૂછ્યું કે, ‘કેમ આ લોકો જમતા નથી ?’ માલીકે જવાબ આપ્યો કે, ‘એ લોકો ટીફીન નથી લાવ્યા ‘. મહારાજાએ કહ્યું. ‘તો પછી મીલમાં કેંટીન જેવું હોવું જોઈએ જેથી કારીગરો જમી શકે’. મીલ માલિકને વાત ગળે ઉતરી ગઈ અને મીલમાં કેંટીન ચલાવી શકે તેવી વ્યક્તિની શોધખોળ આદરી.

Bhavnagar

એક સાહસિક લુહાણા વ્યક્તિએ કેંટીન ચલાવવા માટેની રૂપરેખા આપી અને ભાવનગરના ઔધોગિક જગતમાં પ્રથમવાર કેંટીન શરૂ થઈ. આ વ્યક્તિનું નામ ગોરધનદાસ પંજવાણી. શરૂમાં ચાર કે પાંચ નાસ્તાની આઈટમો રાખવામાં આવતી તેમાં ખાસ કરીને તીખી સેવ અને તીખા ગાંઠિયા અને તીખી ચટણી હતા. કારીગરોને તીખો ખોરાક બહુ પસંદ પડે તે વાત ગોરધનદાસ અનુભવે સારી રીતે જાણતા હતા. તીખા ગાંઠિયાં અને ચટણીની શરૂઆત આ રીતે થઈ. જે મીલ કામદારોમાં પ્રખ્યાત થઈ ગઈ.

ભાવનગરનો સમૃધ્ધ વિસ્તાર એટલે ઘોઘા સર્કલ


હવે વાતના વિષય પર. ભાવનગરનો સમૃધ્ધ વિસ્તાર એટલે ઘોઘા સર્કલ. સર્કલની બાજુમાં અને સામે સરસ ફૂટપાથ. એક ખૂણામાં બી. એમ. કોમર્સ હાઈસ્કૂલ અને તેની જમણી બાજુમાં વિશાળ ખુલ્લી જગ્યા અને તેની પાછળ હારબંધ દુકાનો. બાકીનો આખો રહેણાંકી વિસ્તાર નાના મોટા બંગલાઓથી છવાયેલો. 1948 માં દેશનું વિભાજન થયું અને સિંધ પ્રાંતમાંથી લાખો સિંધીઓ હિજરત કરી ભારતમાં આવ્યા અને અનુકૂળતા મુજબ ગુજરાતના વિવિધ ભાગોમાં વંહેચાંઈ ગયા તેમાં ભાવનગરમાં પણ માતબર સંખ્યામાં સિંધી કુટુમ્બો આવ્યા અને ઘોઘા સર્કલની આસપાસ વસવાટ શરૂ કર્યો. અને પોતાની પાસે જે કસબ હતો તેના થકી સામાજીક અને આર્થિક જીવન શરૂ કર્યું.


ઘણાં સિંધીઓએ શરૂઆતમાં મીલમાં નોકરી લીધેલી. તેમણે આ ગાંઠિયા ચટણીનું જોડાણ જોયું અને મીલના કારીગરો બહુ સતોષથી ગાંઠિયાં ચટણી ખાતા. તેમાં એક વશરામ નરસિંઘાણી નામના સિંધીએ આમાં ધંધાની તક જોઈ અને એ તકને અમલમાં મૂકી. વશરામ ઘોઘા સર્કલમાં જ રહેતો, બી.એમ. કોમર્સ હાઈસ્કૂલ નવી નવી શરૂ થયેલી.સ્કૂલની બાજુમાં ઘોઘારોડ જવાના રસ્તા ઉપર ભૂરા રંગની નાની કેબીનમાં પાંઉ ગાંઠિયા વેચવાની શરૂઆત કરી. કેબીનથી ઘર માંડ પાંચ મીનીટના રસ્તા ઉપર એટલે ઘરેથી વસ્તુઓ તૈયાર થઈને આવે અને વેચાણ કરે.

ભાવનગર

વશરામ અને તેના ભાઈ લચ્છુએ ગાંઠિયાની બનાવટમાં ફેરફાર કર્યો અને સેવ જેવા પાતળા હતા તેની જગ્યાએ જાડા વણેલા, કડક અને સહેજ તીખા ગાંઠિયા બનાવ્યા. શરૂમાં આ તીખા ગાંઠિયા સાથે ચટણી નાખી લોકોને ખવરાવતો પણ તુરતજ તેને ખ્યાલ આવ્યો કે ખાલી ગાંઠિયા ચટણીમાં લોકોને સ્વાદ નથી આવતો એટલે તેમાં પાઉંની કતરણ અને પાઉં નાખવાની શરૂઆત કરી. ચટણીમાં પણ ફેરફાર કર્યો. ચૂલા પર ધીમા તાપે શેકેલી આમલીને આખી રાત પલાળી રાખી અને આ પલાળેલી આમલીની ચટણી બનાવી. એમાં ડુંગળીની લાંબી સમારેલી ઝીણી કતરણ, મીઠું અને ખજૂરનું પાણી ભેગા કર્યા તેમાં વધારે સ્વાદ લાવવા પ્રમાણસરનું મરચું નાખ્યું. પાઉં વાયડા ન પડે એટલે હિંગ નાંખી. -અને ભાવનગરમાં એક નવા ફાસ્ટ ફૂડનો જન્મ આપી ભાવનગરવાસીઓને લહેજત, સ્વાદ અને જલ્સાની દુનિયામાં ડૂબાડી દીધા.

ભાવનગરના લચ્છુના પાઉં-ગાંઠિયા ખાવાની રીત


આ પાઉં ગાંઠિયા હાથ વડે જ ખવાય તેમાં કોઈ સાદી કે કલાત્મક ચમચી ન ચાલે. ચાર આંગળીમાં ગાંઠિયા ભેગા કરો, વચ્ચે અંગુઠા વડે પાંવ દબાવો, થોડી ચટણી નિતારો અને થોડું મોંઢુ ખોલી એ જલસાને જીભ પર મૂકો. સહેજ ચાવો કારણ કે ગાંઠિયા કડક હોય છે પણ ચટણીમાં પલળીને સહેજ નરમ થઈ ગયા હોય છે તેથી ચાવવામાં શ્રમ ઓછો પડે. સમયના વહેણ સાથે હવે ગાંઠિયાની સાથે પાઉંની જગ્યાએ બ્રેડના ટુકડા કે પાપડીનું મિશ્રણ પણ પ્રચલિત બન્યું છે. આ પાઉં ગાંઠિયાની ડીશમાં જે કોઈ લલચામણું તત્વ હોય તો તે ચટણી છે. કલ્પના કરી જુઓ આંબલી, ખજુર, ડુંગળી, મીઠું અને હિંગ અને હવે વિવિધ જાતના જે મસાલા નીકળ્યા છે તેનો સુભગ સંગમ આ ચટણીમાં કરવામાં આવે પછી લોકો ચટણીની ડીશને મોઢે જ માંડેને !

પાંવ ગાંઠિયાની સાથે ગળી અને તીખી સેંન્ડવીચ

1960ના સમયમાં લચ્છુએ પાંવ ગાંઠિયાની સાથે ગળી અને તીખી સેંન્ડવીચ આપવાની શરૂઆત કરી. આ સેંડવેચ પાતળા પાંઉથી તૈયાર કરવામાં આવતી, તેની કોર કાપીને એકદમ લીસી બનાવી તેના ઉપર કોથમરીની ચટણી લગાવી તેને તીખી સેંડવીચ નામ આપ્યુ અને જામ લગાવે તેને મીઠી સેંડવીચ નામ આપ્યું. ભાવનગરમાં એક એવો તબક્કો શરૂ થયો કે લોકો આ સેંડવીચ ઘરે લઈ જતા થઈ ગયા. અમે એકલા કેમ ખાઈયે, અમારા ઘરવાળા (પતિ, પત્નિ, મા બાપ બાળકો) બધા જ ખાય.! શાળા કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોનો ધસારો વધી જતા લચ્છુએ પાંવ ગાંઠિયા ચટણી સેંડવીચની સાથે થમ્સ અપ કે કોકાકોલા આપવાની શરૂઆત કરી. બસ. આ ફેરફારો થતા ગયા અને લચ્છુનું નામ ગાજતું ગયું. એક કેબીનમાંથી થયેલી શરૂઆત આજે રૂપાણી સર્કલ જેવા માતબર વિસ્તારમાં આધુનિક ઢબે પંહોચી ગઈ છે.

વશરામ અને લચ્છુએ તેની આ ફાસ્ટ ફૂડની રેસિપીથી ઘોઘા સર્કલને પ્રસિધ્ધ કરી દીધું. રવીવાર અને રજાના દિવસે અને બપોર પછી લચ્છુની કેબીન પર ભીડ અને ભીડ જ હોય તો દરરોજ સાંજે પાંવ ગાંઠિયા અને ચટણીના ટેસ્ટના શોખીન લોકો હોય. બપોરના સમયે કોમર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું જૂથ લારીની આસપાસ હોય અને સાંજે ભાવનગરના વિવિધ વિસ્તારમાંથી આવેલા લોકોનું ટોળું હોય. વશરામે ભલે પાઉં, ગાંઠિયા, ચટણીની ડીશને જન્મ આપ્યો પણ લોકોની જીભ ઉપર લચ્છુનું નામ થઈ ગયું. આમ લચ્છુના પાંવ ગાંઠિયાને તેની ચટણીના સ્વાદના કારણે ગુજરાતભરમાં ભાવનગરના લચ્છુના પાંઉ ગાંઠિયા શબ્દ ફેલાઈ ગયો.

આજે વશરામ કે લચ્છુ કોઈ હયાત નથી પણ નામનો વારસો જીવંત છે તેથી કોઈ ભાવનગર જઈને આવે તો લોકો તરત પૂછે કે ‘ભાવનગરના લચ્છુના પાઉં-ગાંઠિયા ખાધા કે નહી?

આ લેખ ના લેખનકર્તા શ્રી રાજેશ ઘોઘારીને આટલા સુંદર લેખ માટે હૃદયથી ધન્યવાદ.

Also read : ગુજરાતી મીઠાઈ ની રાણી : ગોળપાપડી એટલે કે સુખડી

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *