એક અભણ માં અને બહાદુર દીકરી નો પ્રેમ : હૃદયસ્પર્શી વાર્તા

પગે લાગવું ખૂબ જ ઉપયોગી અને જરૂરી : જાણો કારણ

એક અભણ માં અને બહાદુર દીકરી નો પ્રેમ : હૃદયસ્પર્શી વાર્તા

“સાંભળો તમે છે ને ભગવાન પર ભરોસો કરી અને જાજો અને તમારા ધંધા ની આજે જે વાત કરવાની છે ને શાંતિથી કરજો. તમારી મહેનત અને ઉપર વાળા ના આશીર્વાદથી બધું સારું થઈ જશે”

“ચૂપ રહે તને શું ખબર પડે? અભણ ક્યાંય ની, ગામડા ગામમાં રહી અને ધૂળ અને ઢેફાં ની સાથે જીવન વિતાવ્યું છે અને અહીંયા પરણીને આવી ત્યાર થી રસોડામાંથી તો બહાર નથી નીકળી ધંધાની ભાંજગડમાં પડે છે? તું તારું કામ કર ને તારો ચૂલો સંભાળ આવી મોટી મને સલાહ દેવાવાળી ગામડિયણ, અભણ”

જમના નું બાળપણ

જમના પોતાના સાડલા ના છેડ થી આંસુ લૂછતી લૂછતી રસોડામાં ગઈ. જઈ અને રસોઈ બનાવવા લાગી. જમના તેના મા-બાપને ખૂબ જ લાડકી દીકરી હતી. બે દીકરા ઉપર આવેલી જમના મા-બાપને ખુબ જ વાલી હતી. જમના ના માબાપ ખેતીવાડી કરતા બે દીકરાઓ પણ હતા પરંતુ જમના એ લોકોને ખૂબ જ વાલી હતી કારણકે જમના જન્મ સમયે ખુબ નબળી હતી તેને કારણે વારંવાર માંદી પડી જતી હતી .

તેનું સગપણ પણ બાજુના ગામમાં ધીરુ નામના છોકરા સાથે નક્કી થયેલું હતું. જમના અને તેના બંને ભાઈઓ ગામડાના છોકરાઓની સાથે ત્યાં એક નાનકડી નિશાળ ચાલતી હતી તેમાં વાંચતા લખતા અને ગણતરી કરતા શીખ્યા હતા. સાવ નાનું ગામડું ગામ હોવાથી ત્યાં કોઈપણ શાળા કે શિક્ષણ કંઈ જ હતું નહીં.

જમના ના લગ્ન થઈ ગયા

ધીમે ધીમે જમના મોટી થઈ બંને ભાઈઓ પણ મોટા થયા બંને ભાઈઓના લગ્ન થઈ ગયા. ભાભી ઓના પણ સ્વભાવ ખૂબ સારા હતા. જમના ને પણ સમય થતાં પરણાવી દીધી જમના પરણી ને સાસરે આવી જમના નો પતિ ધીરુ, જમના ના સાસુ-સસરા અને જમના એ લોકો શાંતિથી રહેતા હતા .

જમનાના સંસાર જીવનમાં ત્રણ બાળકો આવ્યાં. બે દીકરા અને એક દીકરી એક દીકરાનું નામ રૂપેશ બીજા દીકરા નું નામ રતન રાખ્યું હતું અને દીકરીનું નામ ગંગા રાખ્યું હતું.ગંગા આખા ઘરની ખૂબ જ વહાલી હતી ગંગા ચપળ અને હોશિયાર પણ હતી . માં દીકરી નો પ્રેમ ખૂબ જ ઊંડો હતો.

ધીરુ ની દુકાન

જમના ના ધીરુ સાથે જ્યારે લગ્ન થયાં ત્યારે નાનકડી એવી હાટડી જેવી દુકાનમાં ધીરુ કપડા વેચવાનું કામ કરતો હતો .ધીરે ધીરે એ ધંધામાં આગળ વધતો ગયો. બે માળની દુકાન કરી લીધી અને ધંધો ખૂબ ફૂલ્યોફાલ્યો. આજે ધીરુ એક કાપડના મિલમાલિક સાથે ભાગીદારી નો ધંધો કરવાનો હતો. તેની વાતચીત કરવા જઈ રહ્યો હતો. એ જ વખતે જમના એ કહ્યું “શાંતિથી વાત કરજો, ભગવાન ઉપર ભરોસો રાખજો, બધું સરસ થઇ જશે” અને ધીરુ એ તેને અભણ ગામડિયણ કઈ અને ધૂતકારી દીધી.

Married woman

અભણ પત્ની નું અપમાન કરવાની આદત

આ તો એના માટે રોજનું હતું, કંઈ પણ થાય તો તરત જ તેને ગામડિયણ અથવા તો માંદલી, અભણ કઈ અને ધૂતકારી દેવામાં આવતી. જમનાને આ કાયમ નું હતું, એ કંઈ પણ કહેવા જતી તો તેના પતિ અને સાસુ-સસરા તેને આ જ રીતે અપમાનિત કરતા સાસુ-સસરા કહેતા ભણેલી છો? કે બધાને સલાહ દેવા જાય છે? અને બંને દીકરાઓ પણ કહેતા” મા તું ચૂપ રહેને.કાઈ ખબર પડે નહિ ને. તને શું ખબર પડે છે? જમના રસોડામાં આવી અને સાડલા ના છેડાથી પોતાના આંસુ લુછયા.

બહાદુર દીકરી ની સાંત્વના

પણ માં દીકરી નો પ્રેમ જોવા જેવો હતો. પાછળ ગંગા આવી અને બોલી” માં તારા સાથી એ તારો સાથ નિભાવ્યો ને ?” જમના એ પાછળ જોયું તો ગંગા, અને બોલી રોજનો તારો સાથી તો છે આ સાડલા નો છેડો. “માં જ્યારે તુ રોવે છે ત્યારે આ સાડલો તારા આંસુ લૂછે છે ને ? એ તારો કાયમનો સાથી થયો ને?” અને જમના હસી પડી અને ગંગાને કપાળ પર ચુંબન કર્યું અને પોતાના કામમાં લાગી ગઈ.

આ કાયમ ના અપમાન જમના મૂંગે મોઢે સહન કરી લેતી હતી. બાળક હંમેશા ઘરમાં એકબીજા પ્રત્યેનું વર્તન મગજમાં રાખતા હોય છે અને મોટા થઈ અને એ જ વર્તન ને પોતાના આચરણમાં લાવતા હોય છે. દાદા દાદી અને બાપ તરફથી એ લોકોએ જમનાને હંમેશા અપમાનિત થતા જોયેલી એટલે બંને ભાઈઓ પણ મા નુ અપમાન કરવામાં જરા પણ સંકોચ રાખતા નહીં, પરંતુ ગંગા હંમેશા મા ના પક્ષમાં રહેતી કાંઈ પણ હોય એ તરત જ મા વતી દલીલ કરતી.

પતિ નો ઘમંડ

ધીરુ નો ધંધો ખૂબ જ ફૂલ્યો ફાલ્યો. ધીરુ એ પોતાની હાટડી જેવી દુકાન બંધ કરી બે માળની દુકાન માં પણ વધારો કર્યો અને ધીમે ધીમે ધીરું ધીરુભાઈમા થી ધીરુ શેઠ બની ગયો. ભાગીદાર હતો એ જ કાપડની મિલ માં ધીરુ હવે પૂર્ણ માલિક બની ગયો. ધીરુની દિન-પ્રતિદિન પ્રગતિ વધતી ગઈ.

લક્ષ્મી જ્યારે ઘરમાં આવે છે ત્યારે જો તમે વિનય વિવેક થી માથું નમાવી અને લક્ષ્મીને આવકારો છો તો એ મા બની અને તમને આશીર્વાદ આપે છે, અને ઘરમાં ટકી જાય છે પરંતુ જો તમે લક્ષ્મીને અહંકારથી અપનાવો છો તો એ મદ બની અને તમારા મસ્ત પર ચડી જાય છે. ધીરુ અને તેના બંને દીકરાઓ ના મગજ માં મળતી સફળતાને લીધે ખુબ જ અભિમાન આવી ગયું હતું.

દીકરી શરૂ કરાવ્યો ગૃહ ઉદ્યોગ

જમના પોતાના અપમાનને હંમેશા રોઈ અને સહન કરી લેતી હતી. માં દીકરી નો પ્રેમ એવો હતો કે ગંગા ને આ મંજૂર ન હતું. એક દિવસ બધા બેઠા હતા ત્યારે ગંગા એ વાત ઉપાડી તેણે કહ્યું” પપ્પા ,મમ્મીને ઘણું બધું આવડે છે. પાપડ, નાસ્તાઓ, પતરી, અથાણાં, ઘણું બધું આવડે છે. આપણા ઘરની પાછળ ખુબ મોટું આપણું ફળિયું છે એમાં તમે સેડ નખાવી દો અને તેમાં થોડા પંખા મુકાવી દ્યો. મમ્મી અહીંયાની ગામની સ્ત્રીઓ ને બોલાવશે તેને બધું શીખવાડશે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરશે અને મા ના કારણે ઘણી બધી સ્ત્રીઓને રોજીરોટી મળશે.”

નારી એકતા મંડળ

ધીરુ અને તેના બંને દીકરાઓ અને તેના દાદા-દાદી ખડખડાટ હસવા લાગ્યા. ગંગાએ દાખલા અને દલીલો આપી અને અંતે પોતાની વાત પોતાના દાદા દાદી ભાઈ અને પપ્પા ની પાસે મનાવી લીધી. થોડા દિવસ પછી ઘરની પાછળ મોટો શેડ બંધાઈ ગયો. ગંગાને વેકેશન પડવાનું હતું. ગંગા અગિયારમાં ધોરણમાં ભણતી હતી. તેણે નિશાળ બંધ થયા પહેલા પોતાની બહેનપણીઓને સાથે લઈ અને આજુબાજુ જઈ અને બધાને કહ્યું કે ,”મારી માં ગૃહ ઉદ્યોગ શરૂ કરે છે બધા આવો . મારી મમ્મી શીખવાડવાની છે.” અને બે-ચાર સ્ત્રીઓથી એ લોકોએ “નારી એકતા મંડળ” નામથી ગૃહ ઉદ્યોગને સંસ્થા શરૂ કરી .

ધીમે ધીમે સંસ્થા પ્રગતિ કરવા માંડી જમના અને તેની સાથેની બહેનો પાપડ ,વળી, અથાણાં, મસાલા, પતરી ,નાસ્તા બનાવી બનાવી અને વેચવા માંડી અને લોકો નું કામકાજ ખુબ સરસ ચાલવા માંડ્યું. એક દિવસ ગંગાએ તેના પિતાને કહ્યું” પપ્પા તમારી હાટડી જેવી દુકાન જે છે, જે બંધ પડી છે ,એ તમે આપો મમ્મી એમાં તેની બધી વસ્તુઓ રાખે બજારમાં દુકાન છે બધા જ જોશે તો સંસ્થાને ખુબ જ ફાયદો થશે. વેચાણ પણ સરસ થશે”

ધીરુ એ કહ્યું “હવે બેસ, છાનીમાની તારી માને શું આવડે? અને એને ક્યાંય બહાર જવાનું નથી.” ગંગા એ જીદ પકડી “ના પપ્પા, મમ્મીને તમે એવી રીતે ન કહી શકો મમ્મી પોતાનું કામ સરસ કરે છે અને એને ઉપર આવવા મા કોઈ રોકી ન શકે. તમે તમારી દુકાન આપો”

જમના ની દુકાન થઈ ગઈ સુપ્રસિદ્ધ

અંતે ધીરુ એ હા પાડી અને જમના એ નાની દુકાનમાં બેનોએ અને પોતે બનાવેલી વસ્તુઓ ને વેચાણ શરૂ કરી દીધું .ધીરે ધીરે એ ધંધો ખુબ ફાલ્યો , અને નામના ખૂબ થવા માંડી. એક દિવસ તો ટીવી વાળાઓ પણ આવી અને જમના અને ત્યાં કામ કરતી સ્ત્રીઓ નો ઇન્ટરવ્યૂ પણ લઈ ગયા.

આજે જ્ઞાતિ તરફથી સમારોહ હતો .જમના ના ઘરના તમામ સભ્યો એ સમારોહમાં ગયા. પાસ થયેલા અને પ્રતિભાશાળી વિદ્યાર્થી ઓને સન્માનીત કરવામાં આવ્યા. ત્યાર પછી મંચ ઉપર તમામ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા જેમાં ધીરુ શેઠ પણ આમંત્રિત મહેમાન તરીકે ગોઠવાઈ ગયેલા.

સન્માન સમારોહ માં શું થશે?

જ્ઞાતિ પ્રમુખ ઊભા થઈ અને બોલ્યા “સ્ત્રી હંમેશા શક્તિ સ્વરૂપા હોઈ છે. સ્ત્રી જો ધારે તો શું નથી કરી શકતી ?એ આપણા જ્ઞાતિના જમનાબેને સાબિત કરી બતાવ્યું છે. સ્ત્રી જો પુરુષની પાછળ રહે છે તો તેનું પીઠબળ બને છે. અને સાથે થઈ જાય છે તો તેની શક્તિ બની જાય છે. હું જમનાબેન ને અત્રે મંચ ઉપર આમંત્રિત કરું છું. ધીરુશેઠ ના હાથે જ એમનું સન્માન થશે.”

જમના પોતાનું નામ સાંભળવાથી ખૂબ જ અચંબિત થઈ ગઈ. જમના નું નામ આવતા તેના સાસુ-સસરા બંને દીકરા અને ધીરુભાઈ પણ અચંબિત થઈ ગયા. ગંગા ખુશીની મારી તાળી પાડવા માંડી .ગંગા પોતાની માં નો હાથ પકડી અને મંચ ના પગથીયા બાજુ લઈ જતા લઈ જતા બોલતી હતી” મમ્મી જો તારી પ્રગતિ, તે તારામાં રહેલી શક્તિનો ઉપયોગ કર્યો અને આજે તું આ સન્માન પામી રહી છે .મમ્મી તારા માં કેટલી અખૂટ શક્તિઓ છે તે કોઈ દિવસ એને બહાર આવવા જ ન દીધી, કાંઈ વાંધો નહીં જા, આ પગથિયાં ચઢી અને જા અને તને જે સન્માન મળ્યું છે એ તારો હક છે. જા,તારા પતિ પરમેશ્વર ના હાથે જ સન્માન મેળવ.”

ધીરૂ દિગ્મૂઢ થઈ ગયો

જ્ઞાતિ પ્રમુખ બોલ્યા “આ સન્માન જમનાબેન ને તેમના પતિના હાથે જ આપવામાં આવશે. જમના તો મંચ તરફ આગળ વધી અને ધીમે ધીમે પગથિયાં ચઢી અને ઉભી રહી. ધીરુ પણ દિગ્મૂઢ જેવો ઉભો થયો અને જમના ને જોઈ રહ્યો તેના હાથમાં સન્માન પત્ર રોકડ રૂપિયા આપવામાં આવ્યા અને શાલ પણ આપવામાં આવી ,અને જમનાને ધીરુ શેઠે શાલ ઓઢાડી અને સન્માનિત કરવાની હતી.

શાલ ઓઢાડતા ઓઢાડતા સન્માન પત્ર આપતા અને રોકડ પુરસ્કાર આપતા ધીરુ ને પોતાના દ્વારા જમનાને કહેલા શબ્દો કાનમાં વાગવા માંડ્યા.

જમના એ માઈક હાથ માં લઈને કહ્યું…

બધું જ લઈ અને જમના માઈક પાસે ગઈ અને માઇક હાથમાં રાખી અને બોલી

” હું આ સન્માન માટે જ્ઞાતિજનો નો ખુબ ખુબ આભાર માનું છું. આ સન્માન ની ખરી હકદાર હું એકલી નથી ,મારી સાથે કામ કરતી તમામ બહેનો પણ છે. મને આ શાલ ઓઢાડી છે એની અંદર એક એક તાર ભેગા થયા ત્યારે આ શાલ બની છે એવી જ રીતે અમારી “નારી એકતા મંડળ” બધી જ બહેનો ના સહકાર અને સાથ થી બનેલું છે.

આમ જુઓ તો આ સન્માન અને મારા માટે જે કર્યું છે અથવા તો મારી શક્તિને જેણે પ્રોત્સાહન આપ્યું અને મને આ મંચ સુધી પહોંચાડી છે એવી મારી પ્રેરણાબળ અથવા તો મારી શક્તિ મારી ગંગા છે . ગંગા એ મારી સુષુપ્ત ચેતનાઓ ને જગાડી અને મને આ કામ કરવા પ્રોત્સાહિત કરી જેને કારણે હું આજે આ સન્માન પામી રહી છું. હું મારી દીકરીને મંચ ઉપર બોલવા માગું છું “

સસરા અને વહુ

માં દીકરી નો પ્રેમ

ગંગા મંચ ઉપર આવી અને મા ની બાજુમાં ઉભી રહી ગંગાએ માને બાથ ભરી. જમના એ પણ બધું જ, સન્માન પત્ર રોકડ પુરસ્કાર, અને શાલ ગંગાને ઓઢાડી અને આપી દીધું અને કહ્યું કે “મારી પ્રેરણા મારી દીકરી છે “અને મા દીકરી એકબીજાને ભેટી પડ્યા. ગંગા-જમનાના મિલન જોઈ જ્ઞાતિજનો ભાવવિભોર બની ગયા .

પોતાના જ કહેલા શબ્દોથી જમના ના પરિવારને પશ્ચાતાપ રૂપે આંસુઓ ગાલ ઉપર વહી અને જાણે તેમણે જમના સાથે કરેલા કર્મો ને ધોઈ રહ્યા હતા .અને મા-દીકરી એકબીજાને ભેટી અને સુખદ અશ્રુ વહાવી રહ્યા હતા.

ગંગા ની હૃદયસ્પર્શી વાતો

ગંગા માઈક માં બોલી”મારી માં અભણ છે. જન્મ સમયે નબળી હતી એટલે માંદી રહે છે.કોઈ પણ પરિસ્થિતિમાં મારી માં એ પરિવાર ની સેવા કરવી છોડી નથી. મારી મા પરિવારના દુઃખ માં ખડે પગે ઉભી રહે છે.પોતાના સુખ કે ઈચ્છાઓને કોઈ દિવસ મહત્વ જ નથી આપ્યું. આજે જ જુઓ પોતાને મળેલા માન સન્માન ને બીજા ના નામે કરી દીધું. મને ગવૅ છે કે જમના મારી મા છે. જો અભણ મા આવી જ હોય તો હું આજ અભણ માની દીકરી કહેવડાવવા માં ગવૅ અનુભવીશ.”

ગંગા ના વાક્યો સાંભળી જમના એ આંખ માં આવેલ આંસુ ને સાડલા ના છેડાથી લૂછ્યા.ગંગા જમના ના કાન માં ગણગણી”તારો સાથી અહિયાં પણ સાથે જ છે”અને જમના નો હાથ પકડી ગવૅ ભેર તાલી ઓ ના ગડગડાટ વચ્ચે ઉચ્ચી ગરદને અભણ માનો હાથ પકડી જ્ઞાતિ જનો વચ્ચે રોફ ભેર ડગલાં માંડી રહી.

નોંધ : આ સુંદર વાર્તા લખવા માટે હું હેમાલી સ્વાદિયાને અભિનંદન પાઠવું છું. ગુજરાત ની ભૂમિ પર આવા ઉત્કૃષ્ટ લેખિકા હોવા એ આપણા બધા માટે ગર્વ ની વાત છે.

Also read : બાપ માટે દીકરી બધી હદ પાર કરી શકે છે : એક સત્યઘટના

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *