પતિ પત્ની ના ઝગડા વિષે ટેક્સી ડ્રાઈવર ની અણમોલ સલાહ

પતિ પત્ની ના ઝઘડા

પતિ પત્ની ના ઝગડા વિષે ટેક્સી ડ્રાઈવર ની અણમોલ સલાહ

નામ ગમે તે હોય, શું ફરક પડે છે ? માનીલો એ તમારા જેવો જ એક પુરુષ હતો. તમારા જેવો એટલે દિવસ રાત ભાગતો રહેતો, કમાવા માટે, પોતાના પરિવારની સુખ શાંતિ માટે ! આમતો એ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને નોકરી સિવાયના સમયમાં, સવારે સાતથી નવ અને સાંજે છથી દસના સમયે એ ટેક્સી ચલાવતો… બે પૈસા વધારે કમાઈ શકે તો એના બાળકોને સારી સ્કૂલમાં ભણાવી શકે એટલે જ તો..!

એકવાર રાતના દસ વાગે કોઈ પેસેંજર ના મળતાં એ ઘરે જવા નીકળી ગયો હતો. શિયાળાની ઠંડી રાત હોવાથી રોડ પર ચકલુએ ફરકતું ન હતું. બે દિવસથી એને જરાક તાવ જેવું લાગતું હતું. શરીરમાં અશક્તિ એટલી વધી ગઈ હતી કે એને થયું હવે ઘરે જઈને બસ સૂઈ જ જાઉં, જમવું પણ નથી… ઘર તરફ એણે ગાડી મારી મૂકી હતી કે ત્યાંજ આગળના વણાંક પર એક સ્ત્રી કે યુવતી ઊભી હતી એણે હાથ લાંબો કરી ગાડી રોકવા ઈશારો કર્યો.

અંધારામાં એની ઉંમરનો ખયાલ આવે એમ ન હતું પણ, એ સુંદર હતી એમ પહેલી નજરે જ લાગ્યું. એણે પહેરેલી સાડી અને ઘરેણાં પરથી એ કોઈ સારા ઘરની હોય એમ લાગતું હતું. હાથમાં એક મોટી બેગ અને ખભે પર્સ લટકાવી એ ઊભી હતી. એકપળ તો સંજય (એ પુરુષનું નામ સંજય રાખી લઉં છું, વાત કરવામાં સરળતા રહે !)ને થયું જવા દે નથી ઊભા રહેવું… પછી એ બેન ઉપર એક નજર નાખતા વિચાર્યું કોઈ સારા ઘરની લાગે છે, કોઈ ગમે તેવો માણસ ભટકાઈ જાય એના કરતાં ચાલ હું જ એને એને ઠેકાણે મૂકી આવું…

એ બેનની પાસે જઈ સંજયે ટેક્સી ઊભી રાખી. એ બેન તરત જ આવીને ટેકસીમાં બેસી ગઈ, એની મોટી ભારે બેગ રોડ ઉપર મૂકીને! સંજયને મનોમન થોડું હસવું આવી ગયું, થયું બહેન પહેલી વાર એકલા બહાર નીકળ્યા લાગે છે. સંજયે એની બેગ ઉપાડી ટેક્સીની ઉપરના સ્ટેન્ડ પર ગોઠવી દીધી અને પોતે એની જગ્યાએ ગોઠવાયો.

“પોલીસ સ્ટેશનમાં લઈ લો. જે પણ નજીકનું હોય ત્યાં.” ગાડી સ્ટાર્ટ કરતાજ પેલા બેન બોલ્યા, કહો કે હુકમ છોડ્યો!

હવે સંજયના કાન ચમક્યા. એ આમેય થાકેલો હતો. બિમાર હતો અને બની શકે ત્યાં સુંધી પોલીસથી એ દૂર જ ભાગતો, ખોટું કોઈના લફરામાં શું કામ પડવું? એણે વિચાર્યું કે પેલા બેનને ના કહી નીચે ઉતારી દે. એણે ફ્રન્ટ મીરરમાંથી પાછળ નજર કરી. ભલો ભોળો માસૂમ ચહેરો હતો, રડીને લાલ થયેલી આંખો, એને એકપળ માટે એની પત્ની યાદ આવી ગઈ જ્યારે એમના નવા નવા લગ્ન થયા હતા! એણે મોઢું ખોલ્યું હતું એ કહેવા કે નીચે ઉતરી જાઓ પણ એ બોલ્યો,

“શું થયું ? કોઈ સામાન ચોરી ગયું?” કોઈને ‘ના’ કહી દેવું દરેક વખતે એટલું આશાન થોડું હોય છે!

“ મારી સામે ટીકી ટીકીને જોઈ રહેવાની જરૂર નથી. રાત્રે એકલી નીકળી છું એટલે એમ ના સમજતો કે તને કોઈ ચાન્સ મળી ગયો. હું ગભરાઈ જાઉં એમાંની હરગીજ નથી. ચૂપચાપ પોલીસ સ્ટેશનમાં લઈલે.” પેલીએ ગુસ્સાથી જવાબ આપ્યો.

સંજયને થયું કે હાલ જ એને ધક્કો મારીને ટેક્સીની બહાર નિકળી જવા કહીદે પણ, એની નજરે એ સ્ત્રીની આંખોમાંથી ખરી જતાં આંસુ જોયા અને એનું દિલ પીગળી ગયું! એક સામાન્ય પુરુષ હતો એ, એની સાથે આમ થવું સામાન્ય વાત છે! કોઈ સ્ત્રીને રડતી જોઈ એને મદદ કર્યા વગર કયો સજ્જન પુરુષ રહી શકે! એણે ફરીથી કંઈ બોલ્યા વગર ગાડી ચાલું કરી અને નજીકના પોલીસ સ્ટેશને લઈ જઈ એનાથી થોડેક જ દૂર ગાડી ઊભી રાખી દીધી.

ટેક્સી ડ્રાઈવર
પતિ પત્ની ના ઝગડા

“આ સામે દેખાય છે એ પોલીસ સ્ટેશન છે તમને મારાથી ડર ન રહે એટલે આટલે લાવીને ઊભી રાખી. હું તમારી મદદ કરવા ઇચ્છું છું એટલે બીજુ કોઈ કારણ નથી. તમે સારા ઘરના લાગો છો, પોલીસમાં જતા પહેલા શું થયું એ જણાવશો અને મને યોગ્ય લાગશે તો હું તમારી સાથે આવીશ અંદર. આટલી રાત્રે, એકલા પોલીસમાં જવાનું પણ મને સેફ નથી લાગતું.” સંજયે શાંતિથી કહ્યું.

“મારે મારા પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી છે. બધાને અંદર કરાવી દઈશ! સ્ત્રીને એ લોકો સમજી શું બેઠા છે? ઘરની નોકરડી! હું કંઈ રડીને ખૂણામાં બેઠી રહું એમાંની નથી..બધાને ખબર પાડી દઈશ!” એ બેન હજી આવેશમાં હતી. આટલું બોલતાય રડી પડી.

“પણ, થયું શું ? એમણે તમારી સાથે મારઝૂડ કરી?”

“મારઝૂડ શેનો કરે? એ એક મારે તો હું સામે બે લગાવી દઉં!”

સંજયને હસવું આવી ગયું.

“મારી હાલત પર તમને બહું હસવું આવે છે…હમમ ?”

“ના, ના એવું નથી. એણે તમારી સાથે ગાળાગાળી કરી હશે કે દારૂપીને કોઈ અભદ્ર વ્યવહાર?”

“ના રે… મારો વિવેક દારૂ તો શું મસાલોય નથી ખાતો. ગાળો બોલવી તો અમારાં પરિવારને શોભે જ નહિ! સમાજમાં એક નામ છે, ઈજ્જત છે અમારી! પણ તમે આ બધુ શું કામ પૂછી રહ્યાં છો?”

“સાચું કહું તો તમને જોઇને મને મારી પત્ની યાદ આવી ગઈ. જ્યારે અમારાં નવા નવા લગ્ન થયેલા ત્યારે એ પણ એક વાર આમ જ ગુસ્સે થઈને ઘરેથી નીકળી ગયેલી. કારણ ખાસ કંઈ ન હતું. વાંક પણ એનો એકલીનો ન હતો. એ એના ઘરમાં લાડકોડથી ઉછરેલી, ક્યારેય કોઈ કામ કરેલું નહિ અને મારે ત્યાં મારી મમ્મી આખી જિંદગી કામ કરી કરીને કંટાળી ગયેલી. એ રાહ જ જોતી હતી કે ક્યારે વહુ ઘરમાં આવે અને બધો કારભાર એના ખભે નાખી પોતે સ્વતંત્ર થઇ જાય! બંને પોતપોતાની રીતે સાચા હતાં પણ ઉતાવળિયા હતાં, સમજણથી કામ લેવામાં એમનો અહમ ઘવાતો હશે કદાચ…પતિ પત્ની ના ઝગડા માં કોઈ ખોટું નથી હોતું, કોઈ સાચું નથી હોતું.”

Couple
પતિ પત્ની ના ઝગડા

સંજય જાણે એ દિવસને ફરીથી જોઈ રહ્યો હોય એમ કહી રહ્યો હતો… એ દિવસે અમે લોકો અંબાજી ગયેલાં. પાછા ફરતાં ભીડ ખૂબ હતી અને અમને બસ મોડી મળેલી. ઘરે આવતાં જ રાતના નવ વાગી ગયા. બધા બરોબરના થાકી ગયા હતા.

મમ્મીએ કહ્યું કે, “વહુને કે વઘારેલી ખીચડી અને કઢી બનાવી લે. આમેય મોડું થઈ ગયું છે એનાથી ચલાવી લઈશું.” એ આવતાની સાથેજ સોફામાં ફસડાઈ પડેલી, એને કમરમાં તકલીફ હતી હું એ વાત સારી રીતે જાણતો હતો.

મારી પત્નીનું કહેવું એમ કે બધાને થાક લાગ્યો છે તો હુંય માણસ છું, મનેય થાક લાગ્યો હોય! બધા આવીને આરામથી બેસી ગયા તો હું એકલી શું કરવા રસોડામાં માથાફોડ કરું! આજનો દિવસ જમવાનું બહારથી મંગાવી લો!

બસ, આટલી વાત હતી એમાંથી સાસુ વહુ વચ્ચે બોલાચાલી વધી ગઈ. મમ્મીને એમ કે વહુ આળસુ છે અને વહુને એમ કે સાસુ કંજૂસ છે અને આ બંને વચ્ચે પિસાઈ રહ્યો હતો હું! ના મમ્મીને કંઈ કહી શકું કે ના પત્નીને!

પપ્પાએ મમ્મીનો પક્ષ લીધો અને મારી પત્નીને ચૂપ થઈ જવા કહ્યું. એ જોઈ એ મારી સામે તાકી રહી… એને એમ કે હું પણ મારા પપ્પાની જેમ મારી પત્નીનો પક્ષ લઉં અને સામેવાળી પાર્ટીને ચૂપ રહેવા કહી દઉં! પણ હું એમ કેવી રીતે કરું? સામે મારા માબાપ હતાં. જિંદગીમાં ક્યારેય એમની સામે હું ઊંચા સાદે બોલ્યો ન હતો. વરસોથી એ લોકો સપનું જોતાં કે ઘરમાં વહુ આવી જાય એટલે શાંતિ, આરામથી બહાર ફરીને આવીશું અને ઘરે ગરમા ગરમ રસોઈ તૈયાર હશે…! સામા પક્ષે મારી નવી પરણેતર હતી, જેને મારી સાથે આખી જિંદગી વિતાવવાની હતી એ મારા તરફથી કંઇક મદદની આશા રાખતી હતી. હું કોઈના પક્ષે કંઈ ના બોલી શક્યો અને મારી પત્નીએ ખીચડી તો ના મુકી પણ અંદર જઈને એની પેટી તૈયાર કરી દીધી.

સંબંધ ના સમીકરણ
પતિ પત્ની ના ઝગડા

મને કહે, “હું કંઈ મારા માબાપને ભારે નથી પડતી!” એ નીકળી ગઈ ઘરની બહાર. હું જોતો રહ્યો. મમ્મી પપ્પા સામે નજર કરી.

મમ્મી પપ્પાએ કહ્યું, “જવાદે એના જેવી સત્તર મળશે..!” મને થયું બીજીએ એના જેવી જ લાવવાની હોય તો આજ શું ખોટી?

હું ભાગ્યો એની પાછળ. એ બસસ્ટોપ પર જઈને ઉભી હતી. હું એની પાસે જઈને ઊભો રહ્યો. મેં એને સમજાવી કહ્યુંકે, હું તારી વાત સમજુ છું! બધાજ થાકીને આવ્યાં છે તું અને હું પણ! ખીચડી મૂકી દીધી હોત તો દસ જ મિનિટ વધારે લાગત, એમ નથી કે હું તને દબાવવા માંગુ છું કે મારા માબાપનો પક્ષ લઈને બોલી રહ્યો છું, હાલ મારો પગાર ટુંકો છે, આપણે આજે બહાર હોટેલમાંથી ખાવાનું મંગાવશું તો મહિનાને અંતે ઘરમાં એક રૂપિયો પણ નહિ બચ્યો હોય. એ મારી મજબૂરી છે, જો તું સમજી શકે તો! થોડોક, બસ થોડોક વખત મને આપ, હું બીજું સાઈડમાં કંઈ કામ શોધી જ રહ્યો છું, રાત દિવસ મહેનત કરીશ પણ તને કે આપણાં ઘરના કોઈને કોઈ તકલીફ નહિ પડવા દઉં. આ બધુ હું મમ્મી પપ્પાને નહિ સમજાવી શકું એ લોકો માટે હું હજીએ એમનું નાનું બાળક જ છું એ મને બીજું કામ નહિ જ કરવા દે પણ એ જરૂરી છે એ હું સમજુ છું, થોડું તું પણ સમજ! સમજણની અપેક્ષા હું તારી પાસે જ રાખી શકું, આપણે આખી જિંદગી સાથે વિતાવવાની છે!

એ માની ગઈ હતી. ઘરે આવીને એણે ખીચડી કઢી બનાવી દીધા હતાં, મમ્મી પપ્પા પણ ખુશ થઈ ગયેલા અને મમ્મીએ એને મદદ કરાવવાની કોશિશ કરી જોયેલી, એણે સામેથી “ના” કહી હતી.

એ દિવસ બાદ મેં આ ટેક્સી ચલાવવાનું ચાલું કર્યું. હજી મારા મમ્મીને આની જાણ નથી. સવારે સાતથી દસ ટેક્સી ફેરવું છું, પછી ઘરે જઈને જમીને ઓફિસ જવા નીકળું છું, આજ ગાડીમાં સાથે રસ્તામાં મળતા બીજા પેસેન્જર ભરતો જાઉં છું અને સાંજે ઑફિસેથી છૂટું ત્યારે પણ બીજા પેસેન્જર બેસાડી એમને મૂકી હું ઘરે જાઉં છું. કપડાં બદલી ચા પીને ફરીથી ટેક્સી, રાત્રે દસ વાગે ઘરે જઈ જમીને સુઈ જવાનું…! ઘણું થાકી જવાય છે. જરાય આરામ નથી મળતો. છતાં હું ખુશ છું!

પત્નીને વખતસર નવી સાડી, મમ્મી પપ્પાને જાતરા અને બાળકોને એમના ફેવરિટ પિત્ઝા મોકલી શકું છું. મહિને એકવાર પત્ની અને બાળકો સાથે ફિલ્મની મજા માણી શકું છું. ઘરમાં કોઈનો પણ જનમદીન હોય હું મારા પરીવારને હોટલમાં ખાવા લઈ જઈ શકું છું, મારી દીકરીને આઇસ્ક્રીમ બહું ભાવે જમ્યા બાદ એને ક્યારેક આઇસ્ક્રીમ તો પત્નીને પાણીપુરી ખવડાવી શકું છું. રોજનો આ સંઘર્ષ કરીને શરીર ભલે થાકીને લોથ થઈ જતું પણ મારા પરિવારના મોંઢા પર ખુશી જોઈ હું પણ દિલથી ખુશ થઈ જાઉં છું. એ લોકો ખુશ તો હું પણ ખુશ!


સંધ્યા ટાણે ગમતી પળમાં અમથું અમથું સરકી લીધું

સંજયની વાત સાંભળી પેલા બહેનનો રોષ ઓછો થયો હોય એમ લાગ્યું, એમણે સામેથી વાત ચાલુ કરી,

“તમે તમારી પત્નીને સમજ્યા હતાને, એટલે આજે સુખી છો! મારેય આજે ઘરમાં આવીજ એક નાનકડી વાત ઉપર મારા સાસુ સસરા જોડે બોલાચાલી થઈ ગઈ. એ બંને સાથે મળીને મને બોલે રાખે, પણ જો વિવેક એક શબ્દ પણ મારા પક્ષે બોલે તો.”

“હું ઘરની બહાર નીકળી ગઈ તોય એ એમને એમ ઊભો જ રહ્યો… ઠોયા જેવો! એને મારી જરાય પરવા નથી. કેટકેટલાં સપના જોયેલા એની સાથે જીવવાના, બધું ખોટું પડ્યું.” પેલા બેન પાછા રડી પડ્યા. હવે એમનો આવેશ સાવ ઠંડો પડી ગયો હતો.

“એક કામ કરીએ, આપણે પાછા તમારાં ઘર તરફ જઈએ, શી ખબર તમા
રા પતિ ત્યાં તમને શોધતાં હોય તો?”

“એ તો એના પપ્પાને પૂછયા વગર પાણીય પીવે એવો નથી! એ કંઈ મને શોધતો નહિ હોય!” બેનનો અવાજ પાછો ઢીલો પડ્યો.

“ના શોધતો હોય તો કંઈ નહિ. આપણે ફરી પાછા પોલીસ ચોકીએ આવી જઈશું.” પેલા બેન કંઈ જવાબ આપે એ પહેલાં સંજયે ગાડીને યુટર્ન મારી દિધો…

જે જગ્યાએથી આ બેનને ગાડીમાં બેસાડેલા એનાથી થોડેક આગળ જતાજ એક કાળા રંગની સ્વિફ્ટ ડીઝાયાર ગાડી ધીમી ગતિએ રસ્તા પર ફરતી દૂરથી દેખાઈ. પેલા બેનનું મોં હસુ હસુ થઈ ગયું અને કહ્યું,

“એ મારા વિવેકની ગાડી છે, એ મને જ શોધતો હશે!”

સંજયે એની ગાડી પેલી ગાડી પાસે લઈ જઈને ઊભી રાખી દીધી, પેલી યુવતી નીચે ઉતરી એ સાથે જ સંજય પણ નીચે ઊતર્યો અને થોડાં ગુસ્સાથી બોલ્યો,

“આમ આટલી વાતમાં ઘરેથી નીકળી જવાય? ક્યાં ગાયબ થઈ ગયેલી? હું ક્યારનો તને શોધું છું! અડધી રાતે કોઈ આમ ઘર બહાર નીકળી જતું હશે?” વિવેકે ગાડીનો દરવાજો ખોલ્યો અને પેલા બેન અંદર ગોઠવાઈ ગયા.

સંજયે બેનની બેગ ઉતારી નીચે મૂકી. વિવેક એ બેગ ઉઠાવીને એની ગાડીમાં મૂકી આવ્યો અને સંજયને એનું ભાડું ચૂકવી ગાડીમાં બેસી ચાલી ગયો…

સંજય વિચારી રહ્યો દરેક માણસને લાગે કે એનું દુઃખ જ વધારે છે, આખી દુનિયાનો ભાર એજ વેંઢારી રહ્યો છે પણ હકીકતે એવું નથી. ભગવાને દરેકના જીવનમાં થોડો થોડો સંઘર્ષ મૂક્યો છે, શરૂઆતમાં કપરું જરૂર લાગે પણ જ્યારે તમે એ લેવલ પાર કરી જાઓ ત્યારે જ જિંદગીનું, પરિવારનું મુલ્ય સમજાય છે અને ત્યારેજ સાચી ખુશી મળે છે !!

~ નિયતી કાપડિયા

Also read : “મારા પાકીટમાં રૂપિયા કોણે મૂક્યા?” – પિતા પુત્ર નો પ્રેમ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *