લોહીની સગાઈ કે માણસાઈ? : અમદાવાદ હોસ્પિટલમાં બનેલી સત્યઘટના
લોહીની સગાઈ કે માણસાઈ? : અમદાવાદ હોસ્પિટલમાં બનેલી સત્યઘટના
સમી સાંજનો સમય. ત્રીસેક વર્ષનો એક યુવાન. અમદાવાદની એક હોસ્પિટલમાં પ્રવેશ્યો. પૂછપરછ વિભાગમાં જઇને પૂછવા લાગ્યો, ‘પુરુષો માટેનો જનરલ વોર્ડ ક્યાં છે?’
અર્ધગોળાકાર બાકોરામાંથી બગાસાં સાથે જ જવાબ બહાર પડ્યો, ‘સેકન્ડ ફ્લોર. જમણી બાજુના પેસેજમાં પહેલો વોર્ડ.’ પછી કડકાઇ સાથેની તાકીદ સંભળાઇ, ‘તમારા રિલેટિવ પાસે વધારે ન બેસતા. મુલાકાતીઓ માટેનો સમય પૂરો થવામાં છે.’
યુવાને સાંભળ્યું બધું જ, પણ ગ્રહણ માત્ર ખપ પૂરતું જ કર્યું. સામે લિફ્ટ દેખાતી હતી, પણ એ દાદર ચડી ગયો. મેલ જનરલ વોર્ડમાં પહોંચીને ડોક્ટરની જેમ એક પછી એક પથારીનો રાઉન્ડ લેવા માંડ્યો. ફરજ પરની નર્સે પૂછ્યું પણ ખરું, ‘ભાઇ, તમે કોને મળવા આવ્યા છો? પેશન્ટનું નામ?’
યુવાને શાંતિથી જવાબ આપ્યો, ‘સિસ્ટર, હું મારા રિલેટિવને શોધી કાઢીશ. તમે ડિસ્ટર્બ ન થશો.’
નર્સ ફરી પાછી દર્દીઓના રજિસ્ટરમાં ખોવાઇ ગઇ. યુવાન એક પછી એક ખાટલા તપાસતો રહ્યો. દર્દીના ચહેરાઓ જોતો ગયો. ફરતાં ફરતાં આઠ નંબરની પથારી પાસે અટકી ગયો. પથારીમાં વિનુભાઇ નામના એક વયોવૃદ્ધ દાદાજી ગંભીર હાલતમાં સૂતેલા હતા.
યુવાન ખાટલાની બાજુમાં પડેલા એક સ્ટૂલ પર બેસી ગયો અને દાદાજીનો હાથ પોતાના હાથમાં લઇ અને પંપાળવા માંડ્યો. વિનુદાદાએ આંખો ઉઘાડી. આગંતુકને ઓળખવાની કોશિશ કરી. સફળતા ન મળી. એક તો ગંભીર બીમારી અને ઉપરથી મોતિયાવાળી આંખો.
આજુબાજુના ખાટલાઓમાં સૂતેલા દર્દીઓ રસભરી નજરે આ દૃશ્ય જોઇ રહ્યા હતા. સાત નંબરના ખાટલામાં સૂતેલા પશાકાકાએ દાઢમાં પૂછી લીધું, ‘આટલા દિવસ પછી વિનુદાદાની ખબર કાઢવા માટે નવરાશ મળી? શું થાવ છો તમે એમના?’
યુવાને માઠું લગાડ્યા વગર ટોણાનો માર ઝીલી લીધો. શાંતિથી જવાબ આપ્યો, ‘મારું નામ પંકજ છે. હું વિનુદાદાનો…’
પંકજ સગપણ જાહેર કરે તે પહેલાં જ પાંચ નંબરવાળા સુરેશભાઇ મોટા અવાજે બોલી પડ્યા, ‘રહેવા દો ને ભાઇ, તમારું સગપણ જાણીને અમારે શું કામ છે? ત્રણ દિવસથી અમે બધું જોઇ રહ્યા છીએ. લોહીની સગાઈ આવી હોય? આ ડોસા બાપડા ‘દીકરો-દીકરો’ જપતા હતા, પણ દીકરાના નામે કોઇ કાગડોય ફરક્યો નહીં.
હવે દાદા મરવાના થયા ત્યારે તું ફૂટી નીકળ્યો.’ વોર્ડમાં આંટા મારતો વોર્ડબોય પણ આવીને સંભળાવી ગયો, વાત તો સાચી છે હોં ભાઇ. વિનુદાદા બોલી શકતા હતા ત્યારે કહેતા હતા કે એમની બધી જ મિલકત એમના ત્રણ દીકરાઓનાં નામે કરી દીધી. એ પછી કોઇ એમની ભાળ કાઢતું નથી. ઘરડાઘરવાળા એમને અહીં મૂકી ગયા. મોટા સાહેબનું માનવું છે કે દાદા ઝાઝું નહીં ખેંચે. તમેય આ વાત જાણતા જ હશો. એટલે જ લોકલાજે છેલ્લે છેલ્લે દાદાજીની ખબર પૂછવા આવ્યા છો.’
આખા વોર્ડમાંથી મેણાંટોણાંનાં વાગ્બાણો પંકજની છાતીમાં ભોંકાતાં રહ્યાં. પંકજ માથું ઝુકાવીને સાંભળી રહ્યો. જાણે પ્રાયશ્ચિત્ત કરતો હોય તેવા ભાવ સાથે વિનુદાદાના કપાળ પર પ્રેમભર્યો હાથ પસવારતો રહ્યો. પંકજની આ પ્રેમપૂર્ણ ચેષ્ટા જોઇને વોર્ડમાં ખદબદતો આક્રોશનો ઉકળાટ શાંત પડ્યો.
બધાને લાગ્યું કે પંકજ મોડો તો મોડો આવ્યો તો ખરો. દેર સે આયે લેકિન દુરસ્ત આયે. વિનુદાદાની નિસ્તેજ આંખોમાં પણ આખરી સુખનો ચમકાર ઝબકી ગયો હતો. ત્યાં જ નર્સનો કરડો અવાજ વોર્ડમાં ફરી વળ્યો, ‘મુલાકાત માટેનો સમય પૂરો થયો. બધાં સગાંવહાલાઓ વોર્ડમાંથી બહાર ચાલ્યા જાવ. જલદી… જલદી…’
ટપોટપ બધા નીકળી ગયા. આખો વોર્ડ ખાલી થઇ ગયો. બાકી રહ્યા ખાટલાઓમાં પડેલા બીમાર દર્દીઓ, ફરજ બજાવતી નર્સો અને કામચોરી માટે પંકાયેલા વોર્ડબોય્ઝ. અચાનક નર્સનું ધ્યાન ગયું કે પંકજ હજી પણ વોર્ડમાંથી ગયો ન હતો.
એણે મોટા અવાજે પૂછ્યું, ‘ભાઇ, તમે હજુ સુધી કેમ બેસી રહ્યા છો? મેં કહ્યું તે તમે સાંભળ્યું નહીં?’
‘સિસ્ટર, મેં સાંભળ્યુંને. પંકજના અવાજમાં આજીજી હતી, ‘પ્લીઝ, મને થોડી વાર બેસી રહેવા દોને? મને જોઇને દાદાજીની આંખમાં…’
નર્સ ઊભી થઇને વિનુદાદાના ખાટલા પાસે ધસી આવી, ‘નિયમ એટલે નિયમ! બધા માટે સરખો! દાદાજી માટે જો આટલી બધી લાગણી હતી તો આટલા દિવસ ક્યાં ખોવાઇ ગયા હતા? તમે ચાલો, ઊભા થાવ.’
‘એવું ન કરો સિસ્ટર. એટલા ક્રૂર ન થશો પ્લીઝ. તમે દાદાજીની હાલત જોઇ શકો છો. એમના નાકમાં ઓક્સિજનની નળી છે. મોઢામાં પણ નળી મૂકેલી છે. બંને હાથની નસોમાં ગ્લુકોઝના બાટલા ચડાવ્યા છે. પેશાબ માટે કેથેટર મૂકેલું છે. આવી હાલતમાં દાદાજી બોલી શકતા નથી, પણ એ કંઇક કહેવા માગે છે.’
‘તમને શેના પરથી ખબર પડી કે પેશન્ટ કંઇક કહેવા માગે છે? તમે ડોક્ટર છો? દર્દીના મનમાં ચાલતા વિચારોને પારખી શકો છો?’ નર્સને પંકજની વાતમાં રસ પડી રહ્યો હતો.
‘ના, સિસ્ટર! હું ડોક્ટર નથી. હું તો એક સામાન્ય માણસ છું. સંવેદનશીલ માણસ અને મારા વિનુદાદાનો પૌત્ર. મારા હાથમાં દાદાજીનો હાથ છે. મારે તેમની સાથે લોહીની સગાઈ છે. એમની આંગળી કલમ બનવાની કોશિશ કરી રહી છે. મારી હથેળીના કાગળ ઉપર દાદાજી અક્ષરો પાડવાની મથામણ કરી રહ્યા છે. મને એમની લિપિ સમજવાની કોશિશ કરવા દો, પ્લીઝ. મારા દાદાજી વધુ નહીં ખેંચે. એમની હાલત જોઇને લાગે છે કે આજે રાત્રે જ તે…’
દરેક નર્સની અંદર એક ફ્લોરેન્સ નાઇન્ટિન્ગેલ વસતી હોય છે. વધુ પડતા કામનો બોજ અને ફરજનું ભારણ ક્યારેક એમનો સ્વભાવ બગાડી મૂકે છે, પણ આખરે તો એ દયાની દેવી જ હોય છે. પંકજની વિનંતી સિસ્ટરે સ્વીકારી લીધી. પરમિશન આપી દીધી, ‘ઠીક છે. આજની રાત પૂરતા તમારે જ્યાં સુધી બેસવું હોય ત્યાં સુધી બેસી શકો છો.’
એ પછીનો પૂરો એક કલાક દાદાજી અને પૌત્ર વચ્ચેના મૌન સંવાદમાં પસાર થઇ ગયો. શું કહેવાયું અને શું સમજાયું એ માત્ર ઇશ્વર જ જાણે. મધરાત પછી દાદાજીને હૃદયરોગનો તીવ્ર એટેક આવ્યો. એમનું અશક્ત શરીર પથારીમાંથી સહેજ ઊછળ્યું, અમળાયું, પછડાયું અને પછી કાયમને માટે શાંત થઇ ગયું. નર્સની ડ્યૂટી બદલાઇ ગઇ હતી. નાઇટ ડ્યૂટી પરની સિસ્ટર દોડી આવી. ફોન કરીને ડોક્ટરને જાણ કરી.
ડોક્ટર આવી પહોંચ્યા. વિનુદાદાના હૃદય પર સ્ટેથોસ્કોપ મૂક્યું. બંધ આંખોનાં પોપચાં ખોલીને ટોર્ચનું કિરણ ફેંક્યું. પછી ડિક્લેર કર્યું, ‘સોરી, પેશન્ટ ઇઝ ડેડ.’ પછી પાસે ઊભેલા પંકજ તરફ ફરીને પૂછ્યું, તમે જ છોને પેશન્ટના રિલેટિવ? તો ડેડબોડીનો કબજો તમને…’
મધરાત પછીનો સમય હતો. મૃત્યુના શોકમાંથી ઉદ્ભવેલો સન્નાટો હતો. તે સન્નાટાને ચીરતો પંકજનો દુઃખભર્યો અવાજ ગુંજી ઊઠ્યો, ‘ના ડોક્ટર, હું પેશન્ટનો રિલેટિવ નથી. હું એમનો દૂર દૂરનો પણ સગો નથી. મારી તેમની સાથે લોહીની સગાઈ નથી. હું તો સાત અબજની વસ્તી ધરાવતા આ વિશ્વમાં સાવ એકલો અટૂલો ફરતો એક અનાથ યુવાન છું. નવરાશના સમયમાં હું આવી રીતે નીકળી પડું છું. શહેરની કોઇ પણ જનરલ હોસ્પિટલના કોઇ પણ વોર્ડમાં જઇ ચડું છું. જ્યાં કોઇ લાચાર, નિરાધાર, મરણોન્મુખ દર્દીને જોઉં છું ત્યાં અટકી જાઉં છું. દર્દીની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરી આપું છું. કોઇને દવા લાવી આપું છું. કોઇને ભાવતી વાનગી. વિનુદાદાએ મને આવી કશી જ તકલીફ આપી નહીં.’
સાત નંબરવાળા કાકા પૂછ્યા વગર રહી ન શક્યા, ‘ભઇલા, તું તો કહેતો હતો ને કે વિનુદાદા તારી હથેળીમાં કંઇક અક્ષરો પાડતા હતા. એ શું હતું?’
‘એમાં ઘણું બધું હતું. એમાં એક પ્રેમાળ બાપ અને ત્રણ સ્વાર્થી દીકરાઓ વચ્ચે ભજવાઇ ગયેલા એક કરુણાંત નાટકનો દસ્તાવેજ એમાં હતો.’ શરૂઆતમાં તો મને એમની ધ્રૂજતી આંગળીથી લખાતા અક્ષરો સમજવામાં તકલીફ પડી, પણ પછી ફાવી ગયું.
ત્રણ કલાક સુધી વિનુદાદા મારી હથેળીમાં રડતા રહ્યા. એમણે એવું પણ કહ્યું કે મારા આવવાથી એમને ખૂબ સંતોષ થયો હતો. માનવતા ઉપર એમનો ભરોસો પુનર્જીવિત થઇ ગયો. એમણે મોટા દીકરાનો ફોનનંબર પણ આપી દીધો. ડોક્ટર સાહેબ, તમે આ નંબર ઉપર જાણ કરશો તો એમના દીકરાઓ દેખાડો કરવા માટે પણ અહીં દોડી આવશે અને વિનુદાદાની લાશને અહીંથી લઇ જશે. એ લોકો આવે ત્યાં સુધી મારે અહીં રહેવું નથી. હું જાઉં છું.’
નર્સે પૂછ્યું, ‘પંકજભાઇ, મરતાં પહેલાં દાદાજીએ છેલ્લે તમને શું કહ્યું હતું?’
‘દાદાજીએ મારી હથેળીમાં લખ્યું કે, ‘બેટા, મેં તને ક્યારેય જોયો નથી. તું મારા જીવનમાં પહેલી અને છેલ્લી વાર આવ્યો, પણ તેં મારું મોત સુધારી દીધું.’ મેં જવાબમાં લખ્યું, ‘દાદાજી, થેંક્યૂ. આવું કહીને તમે મારી જિંદગી સુધારી દીધી. હવે હું મારું કામ વધારે ઉત્સાહથી કરતો રહીશ.’
આટલું કહીને પંકજ નામનો એ અજાણ્યો દેવદૂત વોર્ડમાંથી વિદાય થઇ ગયો. મુલાકાતનો સમય પૂરો થઇ ગયો હતો.હવે તમે જ કહો લોહીની સગાઈ મોટી કે માણસાઈ?
Also read : દૂરનો સગો : એક વાર્તા