બાપ માટે દીકરી બધી હદ પાર કરી શકે છે : એક સત્યઘટના
ગુજજુમિત્રો, આજે હું તમને એક સત્યઘટના વિષે જણાવવા માગું છું. હાલમાં જ મને આ ઘટના વિષે વાંચવા મળ્યું અને વાંચતાં જ કંપારી છૂટી ગઈ. મને થયું કે હું તમારી બધાં સાથે પણ આ શેર કરું. આ સત્યઘટના સચોટ રીતે વર્ણન કરે છે કે બાપ માટે દીકરી બધી હદ પાર કરી શકે છે.
આ ઘટનાને બહુ વર્ષો થયા નથી.સાંજનો સમય હતો.પાવાગઢની તરફ જતી એક કારનું ભયાનક એક્સિડેન્ટ થયું.કારનો રીતસર ભૂક્કો બોલી ગયો. કારચાલક આદમી રસ્તા પર પડ્યો હતો. તેમની આસપાસ લોહીના ખાબોચિયાં ભરાયા હતાં.આદમી તરત જ મૃત્યુ પામ્યો હતો. એ માણસના મૃતદેહ પર એક યુવતી રીતસર લવલવતી હતી.
“મારા બાપને કોઇ અમારા ઘર સુધી પહોંચાડી દો..મહેરબાની કરો….” એ યુવતી આસપાસના લોકોને અને આવતા જતા વાહનો તરફ જોઇને આજીજી કરતી હતી.પણ કોઇ એ યુવતીના પિતાના મૃતદેહને એમના ઘર સુધી પહોંચાડવા તૈયાર નહોતું….!આ કળજુગમાં પુણ્યનું કામ કરવા જતાં “તીસરી થાય” એ ડર આજની જેમ બધાંના મનમાં હતો.યુવતી પોતાના બાપની લાશ પર આસુંડાં પાડતી બેઠી હતી : લાચાર !
એવામાં રાજુભાઇ નામના એક માણસ પોતાની કારમાં એ દિકરીના પિતાના મૃતદેહને લઇ એમના ઘર સુધી મુકવા તૈયાર થયાં.
“ક્યાં રહો છો?” રાજુભાઇ નામના એ આદમીએ સવાલ કર્યો.
“કેશોદ.હું અને મારા પપ્પા પાવાગઢ દર્શન કરવા આવતા હતાં.એક્સિડેન્ટમાં મને બહુ વાગ્યું નથી પણ મારા…..” કહીએ યુવતી ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.રાજુભાઇએ એને સાંત્વન આપ્યું.કારની પાછલી સીટ પર યુવતી પોતાના પિતાના મૃતદેહને લઇને બેઠી.પિતાનું માથું તેણે પોતાના ખોળામાં રાખ્યું.કાર ચાલવા લાગી.
રાતના અંધારામાં પુરપાટ વેગે કાર જતી હતી.અચાનક યુવતીએ પોતાના બાપના મુખ સામે જોતાં જોતાં એકદમ કરુણ સુરમાં ગીતના સુર ઉપાડ્યાં –
મારે નથી રે માં કે નથી મારે ભાઇ….
હવે મારા જળતર કોણ હોમશે રે…..!
જાણે આખું વાતાવરણ થંભી ગયું….! સુર એવા તો કરુણતાના અને દર્દના ગળણામાંથી ગળાઇને આવતા હતાં કે ઘડીભર તો કાર ચલાવતા રાજુભાઇને પણ કંપારી છૂટી ગઇ.
રાતના બે વાગ્યે કાર કેશોદ પહોંચી.યુવતીના કહેવા પ્રમાણે રાજુભાઇએ કારને કેશોદની ગલીઓમાં લીધી.ભાગતી રાતે કેશોદ આખું ગાઢ અંધકાર ભરી નિદ્રામાં પોઢેલું હતું.કસમયે આવેલા અને પ્રકાશનો ધોધ વહાવતા વાહનને જોઇને સુતેલા કુતરાંઓ ઘડીભર ભસ્યા અને પછી એ પણ શાંત થઇ ગયાં.ક્યાંય કોઇ જાતનો અવાજ નહોતો.આખરે સામે દેખાતા એક નાનકડા ઘર આગળ યુવતીએ કારને થોભાવી.બહાર નીકળીને તેણે કહ્યું –
“આ સામે દેખાય તે અમારું ઘર.તમે અહિં રહો ત્યાં હું બાજુમાંથી ઘરની ચાવી લેતી આવું.”આમ કહીને તે યુવતી પાડોશના કોઇ ઘરમાં આપેલી પોતાના ઘરની ચાવી લેવા ગઇ.રાજુભાઇ કારમાં જ તેની રાહ જોતા બેઠા.
રાહ જોતાં પંદરેક મિનીટ વિતી ગઇ પણ યુવતી ન આવી.ખેર ! કદાચ ચાવી જડતી નહી હોય એમ વિચારીને રાજુભાઇએ મન વાળ્યું.પણ એમ થતાં થતાં તો અડધી કલાક વિતી ગઇ.એક ચાવી લેવામાં આટલી બધી વાર….! પણ રાજુભાઇ પાસે રાહ જોવા સિવાય બીજો ઉપાય પણ શો હતો ? પણ હવે તો પોણી કલાક અને છેવટે સવા કલાક,દોઢ કલાક વિતી ગઇ પણ યુવતી ન આવી….!હવે તો રાત પણ પુરી થવા આવી હતી અને બાજુમાં રહેતા સ્ફુર્તિલા માણસો પણ ઉઠવા માંડ્યા હતાં.
રાજુભાઇએ થોડીવાર વિચાર્યુ અને પછી કારમાંથી બહાળ નીકળીને આજુબાજુના લોકોને ખબર આપી અને કહ્યું કે,અમે આ ભાઇનો મૃતદેહ લઇને આવ્યા છે જેનું અકસ્માતમાં મોત થયું છે.સુતા હતાં તે ઉઠ્યા અને ઉઠેલા તરત દોડ્યા.બધા આવ્યા પછી કારમાંથી મૃતદેહને બહાર કાઢ્યો.તાળું તોડી અને મૃતદેહને ઘરના એક ઓરડામાં સુવડાવ્યો.
એ પછી અચાનક રાજુભાઇની નજર ઓરડાની ભીંત પર રહેલા ફોટા પર પડી.ફોટો એક યુવતીનો હતો અને તેના ફુલનો હાર ચડાવેલો હતો.એ ફોટામાં રહેલા ચહેરા પર નજર પડતાવેંત રાજુભાઇની આંખો ફાટી ગઇ….!
“આ ફોટામાં રહેલી યુવતી કોણ છે?” તેમણે બાજુમાં ઉભેલા લોકોને પ્રશ્ન કર્યો.“એ આ મરનાર ભાઇની એકની એક દિકરી હતી.જે ત્રણ વર્ષ પહેલાં અવસાન પામી છે….!” બાજુમાં ઉભેલામાંથી એકે જવાબ આપ્યો.
“શું વાત કરો છો ?? એ શક્ય જ નથી.” રાજુભાઇના પગ તળેથી જમીન સરકવા લાગી.”અરે ! આ જ દિકરી એના બાપના મૃતદેહને અહીં કેશોદ સુધી લઇ આવી છે….!”
પોતાના બાપનો મૃતદેહ અજાણ્યા વિસ્તારમાં રઝળાઇ ન જાય એ માટે પ્રેતાત્મા બનીને એ મૃતદેહને ઘર સુધી પહોંચાડનાર આ દિકરી હતી….! આ તાકાત છે બાપ-દીકરીના પ્રેમમાં. ખરેખર, આ સત્યઘટના એ સાબિત કરી દીધું કે બાપ માટે દીકરી બધી હદ પાર કરી શકે છે.
Also visit our section : સંબંધની સુવાસ