દૂરનો સગો : એક વાર્તા

મિત્ર ની વ્યાખ્યા

ગુજજુમિત્રો, હાલમાં મેં ડો વિષ્ણુ પ્રજાપતિ દ્વારા લિખિત એક વાર્તા વાંચી જે મને બહુ હ્ર્દયસ્પર્શી લાગી. વિચાર્યું કે તમારી સાથે પણ શેર કરું. ચાલો વાંચીએ એક વાર્તા : દૂરનો સગો

‘મધુકરભાઇમાં એક જ લખો… એમા વિચારો છો શું ?’ કવિતાના લગ્નની કંકોત્રીમાં આમંત્રિત કરવાની સભ્ય સંખ્યામાં ગુંચવાઇ ગયેલા વિનોદભાઇને જોઇને તેમના પત્નિ ઉર્મિબેને કહ્યું.

‘હા… પણ….. એને ખોટું લાગશે તો ?’

‘અરે… એ ચિંતા છોડો… કોઇને ખોટું નહી લાગે. આમેય એમને આપણી ચિંતા ક્યાં કરી છે ? દૂરના સગા પર આટલું બધું વિચારવાનું ન હોય…!!’

‘મધુકર મારો દૂરનો સગો જ નહી મારો ભાઇબંધ પણ છે…!!’ વિનોદભાઇ થોડા અકળાયાં.

‘ધૂળ તમારો ભાઇબંધ…!! લૉકડાઉન થયા પછી મધુકરભાઇએ એકેયવાર આપણી ચિંતા કરી છે ? આપણાં દુ:ખના સમયમાં એમની ભાઇબંધી તો મરી પરવારી હતી…!! ઉધાર તો ઠીક પણ વ્યાજેય પૈસા ક્યાં આપ્યા’તા ?’

‘અરે એની’યે કોઇ મજબૂરી હશે…!! એમનો એકનો એક દિકરો કેનેડા ગયો હતો એટલે એમનેય ખેંચ પડી હતી… અને હવે એ અને સુલક્ષણાભાભી બે જ તો રહ્યા છે ઘરમાં….!! બે લખું છું.’ વિનોદભાઇએ કંકોત્રીના સભ્ય સંખ્યાના ખાના તરફ લાલ બૉલપેનની અણી અડાડતા કહ્યું.

‘અરે.. આપણા નજીકના સગામાં કેટલાયને કટ કર્યા છે અને તમને હજુયે તમારા ભાઇબંધ માટે લાગી આવે છે… તે તો દૂરનો સગો છે. એક જ લખો એમનેય ખબર પડે કે આપણે સબંધો ઓછા કરી નાખ્યા છે.’ ઉર્મિબેનના શબ્દોથી વિનોદભાઇની પેન અટકી અને સભ્ય સંખ્યા બે નહી પણ એક લખીને કંકોત્રી વાળી દીધી.

મહામારીના સમયમાં વિનોદભાઇની જિંદગી બધી રીતે લૉકડાઉન થઇ ચૂકી હતી. તેઓ ખૂબ જ સારા તબલાવાદક હતા પણ કાર્યક્રમો બંધ થઇ જતા આવક સાવ શૂન્ય થઇ ગઇ હતી. બે વર્ષ પહેલા લીધેલ નવા ઘરના હપ્તા ચૂકવવાના પણ સાંસા પડી ગયા હતા. ઘરખર્ચ માંડમાંડ પૂરો કરી શકાય તેવી હાલત થઇ હતી. જિંદગી ધીરે ધીરે થાળે પડતા એકની એક દિકરી કવિતાના લગ્ન લઇ લેવા એ પણ જરૂરી હતું. સંખ્યા મર્યાદિત અને સાદાઇથી લગ્ન કરી નાંખવા પચાસથી વધારે લોકોને નહી જ બોલાવવા એ નક્કી કરીને વિનોદભાઇ અને ઉર્મિબેન મહેમાનોની સંખ્યામાં કાપકૂપ કરી રહ્યા હતા.

બધાની સંખ્યા લખાઇ ગઇ પછી ફરી બધી કંકોત્રી અને લીસ્ટ પર નજર ફેરવી. મધુકરની કંકોત્રીમાં વિનોદભાઇની નજર રોકાઇ ગઇ, ‘સુલક્ષણાભાભી તો કવિતાને દિકરીની જેમ રાખતા હતા… એમને ખોટું લાગશે તો ?’

ઉર્મિબેને કંકોત્રી પોતાના હાથમાં લઇ અને કવરમાં મુકતા કહ્યું, ‘મને તો એમ છે કે હવે મધુકરભાઇ પણ નહી આવે…!! એમને તો એવું થતું હશે કે જો લગ્નમાં જઇશ તો ઉધાર આપવું પડશે તો ? એ તો કહો કે લગ્ન માટે કેટલા રુપિયાની વ્યવસ્થા થઇ છે ?’

‘ઝાઝી તો નહી હાલ ચાલીસ હજાર છે… થોડા ખૂટે છે એ તો પછી જોઇશું…!’ અને વિનોદભાઇએ બૉલપેનનું ઢાંકણ બંધ કરી દીધું.

વિનોદભાઇ અને ઉર્મિબેન એમની એકની એક દિકરીને યથાશક્તિ પરણાવવાની બધી તૈયારી કરી ચૂક્યા હતા. આગળના દિવસે ત્રીસેક માણસો હશે અને લગ્નના દિવસે આપણાં પચાસ અને જાનના પચાસ એમ કરીને સો માણસો થશે. લગ્ન તો સમાજની વાડીમાં રાખેલા અને સબંધોમાં કાપકૂપ કરી લગ્નની બાકીની તૈયારીઓ શરૂ કરી દીધી.

માંડવાના આગળના દા’ડે તો મધુકરભાઇ આવી પહોંચ્યા….! ઉર્મિબેનની નજરે તો એક અણધારી સંખ્યાનો વધારો હતો.

આવીને તે રાત્રે જ દૂરનો સગો એટલે ક મધુકરે વિનોદ પાસે બેસીને લગ્નની તૈયારીઓ જોઇ લીધી અને કહ્યું, ‘વિનોદ… આમ ન ચાલે… ઘર ઉપર રોશની કરવી જ પડે અને સવારે શરણાઇવાળો તો જોઇએ જ…. અને આ લગ્નને દા’ડે બે મીઠાઇઓ રાખવી પડે…., ભલા માણસ ઠંડી છે એટલે સાંજે ગરમા ગરમ નાસ્તો…!! અને કવિતાની ડોલી નથી રાખી ? જાન આવે એટલે ડીજે પણ નહી…??? અરેરે…. સુલક્ષણાએ મને કીધું જ હતું કે તમે એક દિવસ વહેલા જાવ…. વિનોદભાઇ અને ઉર્મિબેનના ઘરે પહેલો અવસર છે એમને ઝાઝી ખબર નહી પડે…!!’ મધુકરે આવીને લગ્નની બધી તૈયારીઓમાં ધરમૂળ ફેરફારો કરવા શરૂ કરી દીધા.

વિનોદ અને ઉર્મિ કંઇક કહેવા જાય એટલે મધુકર કંઇ સાંભળે જ નહી… એટલું જ કહે… ‘મારી પર છોડી દો હું બધુ કરી લઇશ.’ અને મધુકરે તો લગ્નની રોનક બદલી નાખી.

ઉર્મિબેન તો અંદરથી ત્રાસી ગયા.. વિનોદભાઇને લાગ્યું કે આ મધુકરને ન બોલાવ્યો હોત તો સારુ થાત…!!

રાત્રે રોશનીનો ઝગમગાટ અને સવારે માંડવાની શરણાઇઓ ગુંજતા લગ્ન પ્રસંગની રોનક ચારગણી વધી ગઇ. બે દિવસ તો મધુકરે લગ્નની રોનક વધારી પણ સામે ખર્ચેય વધારી દીધો હતો એટલે વિનોદભાઇ અને ઉર્મિબેનનો ઉચાટ અંદરોઅંદર વધી રહ્યો હતો.

રાત્રે વિનોદને રૂમમાં એકલો લઇ જતા મધુકરે કહ્યું, ‘વિનોદ, પૈસા કેટલા પડ્યા છે ? મને થોડા આપી રાખ… ડીજે વખતે થોડા ઉડાડવા પણ પડશે…!!!’

‘મારી પાસે એમ ઉડાડી દેવા માટે પૈસા નથી.’ વિનોદ અકળાઇ ગયો હતો.

‘ઘરનો પહેલો પ્રસંગ છે એટલે લાગવું જોઇએ કે દિકરીવાળાએ લગ્ન ધામધૂમથી કર્યા… તારી સુલક્ષણા ભાભી કહેતી હતી કે…!!’ મધુકર આગળ કંઇક કહે ત્યાં વિનોદ વચ્ચે બોલ્યો, ‘અમારી એવી હેશિયત નથી કે પૈસા ઉડાડીયે અને મહેરબાની કરીને અમને ડિસ્ટર્બ ન કરીશ.’ વિનોદે બે હાથ જોડીને કહ્યું.

મધુકર થોડીવાર તો થીજી ગયો…. પણ થોડીવાર પછી બોલ્યો, ‘સારુ, મને ત્રણ હજાર આપ. આ શરણાઇવાળાનો હિસાબ કરી દઉં.’

વિનોદે કબાટ ખોલીને તેના લૉકમાં મુકેલા ચાલીસ હજારમાંથી ત્રણ હજાર કાઢ્યાં અને કમને મધુકર સામે ધર્યા. મધુકરે તે રુપિયા લીધા અને કબાટ સામે જોતા કહ્યું, ‘વિનોદ મને ચાવી આપ… મારે જરૂર પડે તો વારેવારે તને ક્યાં હેરાન કરવો ?’

મધુકરની આ વાતથી તો વિનોદ ડઘાઇ ગયો… એ દૂરનો સગો નથી કે તેને ના પાડી શકાય. તેને શું બોલવું તે નક્કી ન કરી શક્યો ત્યાં મધુકર બોલ્યો, ‘શું મારી પર તને વિશ્વાસ નથી, એમ જ ને ?’

‘અરે ના ના…!!’ વિનોદ ખરેખર અમૂંઝણભરી સ્થિતિમાં મુકાઇ ગયો હતો. મધુકરે તો ચાવી સામેથી લઇ લીધી અને વિનોદના બન્ને હાથ પકડીને કહ્યું, ‘વિનોદ તું ટેન્શન ના લઇશ અને લગ્નની મોજ કર…!!’ મધુકરે ચાવી તેના ખીસ્સામાં સેરવી દીધી.

Passport service

‘અરે.. એમાં એક સેટ છે…. કન્યાદાન વખતે કવિતાને આપવાનો છે..!!’ વિનોદ ખચકાતા ખચકાતા બોલ્યો.

‘સોનાનો એક સેટ તો દિકરીને આપવો જ જોઇએ…. સુલક્ષણા કહેતી હતી કે….!!’ મધુકર કંઇક કહેવા જતો ત્યાં વિનોદ વચ્ચે જ બોલ્યો, ‘એક ગ્રામનો છે…. મારી હેસિયત નથી કે સોનાનો આપું….!!’ અને પછી બન્ને વચ્ચે થોડીવાર ચૂપકીદી છવાઇ ગઇ.

‘અરે, એમાં શું ચિંતા કરે છે… બાપ તરીકે જેટલું આપીએ એટલું ઓછું… સુલક્ષણા કહેતી હતી કે….!!’ વિનોદ હવે મધુકરના આ વારંવાર સુલક્ષણા કહેતી હતી કે…!! શબ્દોથી ત્રાસી ગયો હતો એટલે રૂમમાંથી બહાર નીકળી ગયો.

મધુકર તેના ખીસ્સામાં સેરવેલી ચાવીને થોડીવાર આંગળીઓથી રમાડવા લાગ્યો અને એ પણ બધાની વચ્ચે જોડાઇ ગયો. ‘વાહ ઉર્મિભાભી મહેંદીનો રંગ સરસ આવ્યો છે… વિનોદભાઇ હજુ’યે તમને બહુ પ્રેમ કરે છે હોં…!!’ મધુકર બધા વચ્ચે મજાક કરતો અને ઉર્મિભાભી સમસમી ઉઠતા.

બીજા દિવસે જાન આવી અને જાનમાં ડીજેના તાલે મધુકર ખૂબ નાચ્યો…. મધુકરે કેટલાય પૈસા પણ ઉડાડ્યા…!! વિનોદ તો ચિંતામાં ડૂબી ગયો કે મધુકરે એનું ધાર્યુ જ કર્યુ. ચાવી ન આપી હોત તો સારુ થાત….!!

લગ્ન વિધિ શરૂ થઇ. ફૂલથી સજાવેલી ડોલીમાં કવિતાને ખૂદ મધુકર જ ઉંચકીને લાવ્યો…. અને ખૂબ નાચ્યો…!! કન્યાદાનનો સમય આવ્યો એટલે મધુકરે એના ખીસ્સામાંથી પેલો સેટ વિનોદને આપ્યો.

વિનોદ અને ઉર્મિએ તે બોક્ષ ખોલ્યું તો તેમની આંખો પહોળી થઇ ગઇ… પાછળ નજર કરી તો મધુકર ગાયબ….!! તે દૂર દૂર સુધી દેખાયો નહી…!! તે સેટની બેગમાં કબાટની ચાવી પણ મુકેલી હતી.

‘કન્યાદાનનું મૂહૂર્ત છે…જલ્દી કરો…!’ ગોર મહારાજે ઉતાવળ કરતા કહ્યું.

વિનોદે તે બોક્ષ ઉર્મિને બતાવ્યું. બન્નેને લાગ્યું કે કંઇક અજુગતું થયું છે… ‘આપણો પેલો હાર ક્યાં ? અને મધુકર છે ક્યાં ? સેટ પણ બદલાઇ ગયો છે…!!’ બન્ને ઉંચાનીચા થવા લાગ્યા. જો કે લગ્નવિધિમાં કન્યાદાન વખતે ઉભું થવાય એમ પણ નહોતું.

કન્યાદાન અને કન્યાવિદાય થઇ તોય મધુકર ન દેખાયો એટલે દાળમાં કંઇક કાળું લાગ્યું…!!! વિનોદે તો ચાંલ્લા લખનાર પાસે જઇને લીસ્ટ પણ જોઇ જોયું તો મધુકરે એક સો એકનો જ ચાંલ્લો કરેલો હતો. ‘આ એકસો એક આપીને મારું બધુ લઇ ગયો…!’ વિનોદ અંદરો અંદર બબડી ઉઠ્યો.

ઉર્મિ અને વિનોદ બન્ને પ્રસંગ પતાવી ઝટપટ ઘરે ગયા. રસ્તામાં ઉર્મિના શબ્દોનું રટણ ચાલુ હતુ ‘આ તમારો ભાઇબંધ મધુકર આપણો એક ગ્રામનો સેટ બદલીને નકલી સેટ આપી ગયો લાગે છે…!! હે ભગવાન નખ્ખોદ જાય… એ ક્યાં આવ્યો અને તમેય મુર્ખા કે એને ચાવી આપી બેઠા… હવે ભોગવો…..!! આપણાં રુપિયા પણ લઇ ગયો હશે….!!’

વિનોદ પણ અંદરોઅંદર ગુસ્સે થઇ ગયો હતો. તેને ઘરે આવીને સૌથી પહેલા કબાટ ખોલ્યો અને સામેનું લૉક ખોલ્યું. રુપિયાનું બંડલ ભરેલી કોથળી અકબંધ જોતા સહેજ હાશકારો થયો. જો કે ઉર્મિએ તો કહ્યું, ‘તપાસી જુઓ કદાચ… કાગળના ડૂચા ન હોય…??’

ધીમે ચાલ જિંદગી

વિનોદે કોથળી કાઢી… અંદર વજન વધારે હતું એટલે વહેમ વધ્યો… થેલી ખોલી તો વિનોદ અને ઉર્મિ બન્નેની આંખો ફાટી ગઇ…!! અંદર પેલો એક ગ્રામનો સેટ અકબંધ હતો અને રુપિયાની થોકડીઓ વધી ગઇ હતી. વિનોદે તેને બહાર કાઢી તો અંદર એક ચીઠ્ઠી હતી.

‘દોસ્ત વિનોદ અને ઉર્મિભાભી….!!

કવિતાના લગ્નની કંકોત્રીમાં એક જ સંખ્યા લખીને મને દૂરનો સગોબનાવી દીધો એટલે મને ખૂબ જ દુ:ખ લાગ્યું છે. કપરાકાળમાં તારી મદદ નહોતો કરી શક્યો તેનું મને પણ દુ:ખ છે. હું કંકોત્રીમાં એક સંખ્યા જોઇને તારા પર ગુસ્સે થયો હતો. હું લગ્નમાં નહોતો જ આવવાનો… પણ સુલક્ષણા કહેતી હતી એમને ભલે તમને દુરના સગા ગણ્યાં હોય પણ તમારે તમારી ભાઇબંધીનો સબંધ નથી છોડવાનો…!! કવિતાનું કન્યાદાન કરવાની અમારી ખૂબ જ ઇચ્છા હતી એટલે તારી ભાભીએ સોનાનો સેટ મોકલેલ છે જે કન્યાદાન વખતે આપીને હું જતો રહીશ.., દુરના સગાને તો વળી બીજું શું હોય ? અને આ કોથળીમાં પચાસ હજાર મુક્યાં છે… એ ઉધાર નથી પણ ભાઇબંધીની ફરજના છે. મારો તારા પર ગુસ્સો ઓછો થયો નથી એટલે હું પણ મારા દિકરાના લગ્નમાં તને એક જ સંખ્યા લખીને બોલાવીશ….!!

એજ તારો,
દૂરનો સગો – તારો ભાઇબંધ,
મધુકર’

ચીઠ્ઠી વાંચતા જ બન્નેની આંખો ભરાઇ ચૂકી હતી…!!

Read more Gujarati stories here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *