ગાંઠિયા પર એક રસપ્રદ નિબંધ – ગુજરાતી વ્યંગ કથા!

ganthiya

ગાંઠિયા પર એક રસપ્રદ નિબંધ – ગુજરાતી વ્યંગ કથા!

ગુજજુમિત્રો, આજે હું તમને એક નિબંધ, એક ગુજરાતી વ્યંગ કથા જણાવવા માં માગું છું જેનો વિષય છે, લોકપ્રિય ખાણું, ગાંઠિયા! આ લેખ વાંચતી વખતે તમને મોં માં પાણી આવે કે હસી હસીને આંખોમાં પાણી આવે તો મારો વાંક નહીં ગણાય!

તો મિત્રો, ગાંઠિયા એટલે શું? મિત્રો, ગાંઠિયા … એ ચણાના લોટમાં …. વણેલી કવિતા છે!!!! ગાંઠિયા સૌરાષ્ટ્રની મહાન પારિવારીક વાનગી છે … ફોક ફૂડ એટલે કે લોકખાણું છે.।।

વિદ્યાર્થીના લંચ બોક્સથી માંડીને વૃદ્ધાશ્રમમાં થતા દાન ધર્માદામાં ગાંઠિયા હાજર હોય છે. લગ્ન હોય અને જાન આવે એટલે વેવાઈને ગાંઠિયા-જલેબીનો નાસ્તો 1957માં અપાતો અને આજે પણ અપાય છે. કોઈના મૃત્યુ પછીના જમણમાં પણ ગાંઠિયા અને અન્નકૂટના પ્રસાદમાં પણ ગાંઠિયા હોય છે. 

આ ધરા ઉપર કેટલુંક ઈશ્વરદત્ત છે, જેમ કે નદી, પર્વતો, વૃક્ષ, પક્ષીઓ, પતંગિયા, પવન વગેરે. જ્યારે …. કેટલુંક મનુષ્યે જાણે ઈશ્વરની સીધી સુચના નીચે વિકસાવ્યું હોય એવું જણાય છે. જેમ કે સ્પેસ શટલ, કોમ્પ્યુટર, સ્માર્ટ ફોન, ગાંઠીયા વગેરે. 

લોકપ્રિય ગુજરાતી ખાણું – ગાંઠિયા

લીસ્ટમાં ગાંઠિયા જોઈ ચમકી ગયાને? પણ સાચે જ સ્પેસ શટલ કે સ્માર્ટ ફોન વગર ચાલી શકે છે પણ ગાંઠિયા વગર ઘણાનો દિવસ ઉગતો નથી. ઇતિહાસમાં ગાંઠિયાને લઈને એક પણ યુદ્ધ તો ઠીક પણ નાનું સરખું ધીંગાણું થયું હોય એવું પણ સૌરાષ્ટ્રની રસધારમાં કયાંય વાંચવામાં આવ્યું નથી.

આ બતાવે છે કે, ગાંઠિયા મોડર્ન આઈટમ છે. ગાંઠિયા ચોક્કસ કલિયુગની જ દેન હશે. કારણ કે જો પુરાણકાળમાં ગાંઠીયાનું ચલણ હોત તો, દેવાધિદેવ ઇન્દ્ર ઋષિમુનીઓનું તપોભંગ કરવા માટે અપ્સરાઓને બદલે સેવકો સાથે સંભારા-મરચા સાથે ભાવનગરી ગાંઠિયાની ડીશો મોકલતા હોત…!

સૌરાષ્ટ્ર બાજુ સવારના પહોરમાં ગાંઠિયા ખાવાનો રીવાજ છે. ત્યાં ગાંઠિયાના બંધાણીઓ પણ મળી આવતા હોય છે. અહીં દરેક શહેરમાં, પ્રાંતમાં, પેટા પ્રાંતમાં ગાંઠિયાનો અલગ તૌર છે ! 

રાજકોટમાં વણલખ્યો રિવાજ છે કે ફાફડા સવારે ખવાય અને રાત્રે વણેલા ગાંઠિયા જ મળે. રાત્રે સાડા બાર કે દોઢ વાગ્યે લારી પર ઊભા રહી કહો કે, 200 ફાફડા…. એટલે કપાળેથી પરસેવો લૂછતાં અને બીજા હાથે તળેલાં મરચાં પર મીઠું છાંટતાં છાંટતાં ભાઈ કહે : ‘પંદર મિનિટ થાહે બોસ, વણેલા જોઈએ તો તૈયાર છે !’

ગાંઠિયા નિબંધ ગુજરાતી વ્યંગ
ગાંઠિયા

રાત્રે સાડા બારે ? હા, સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં રાત્રે 12.30, 2.30 કે સવારે 4.00 વાગે પણ ગાંઠિયા મળી શકે ! જૂનાગઢના કાળવા ચોકમાં રાત્રે સાડા ત્રણે ગાંઠિયા ખાધા છે ને ધોરાજીમાંય એવી જ રીતે રાત્રે દોઢ વાગ્યે ગાંઠિયા પ્રાપ્ત છે. 

ગાંઠિયા માત્ર મોર્નિંગ બ્રેકફાસ્ટ નથી, આઠે પ્રહરની ઊજાણી છે. પિત્ઝા અને બર્ગર ભલે અમદાવાદના બોપલ કે સૌરાષ્ટ્રના ઉપલેટા સુધી પહોંચી ગયા પરંતુ, ગાંઠિયા પ્રત્યે પ્રીતિ યથાવત્ છે. 

વેકેશન ગાળવા ગયેલા ગુજરાતી પરિવાર દિલ્હીમાં સાંજે ચાટ અને પાઉંભાજી ભલે ખાય પણ ગુજરાતી સમાજની કેન્ટિનમાં તો “બે પ્લેટ ગાંઠિયા અને બે ચ્હા” એવા જ ઑર્ડર અપાય છે. 

ગાંઠિયાનું વૈવિધ્ય અપાર છે. ફાફડા એ તેનું મૂળ સ્વરૂપ છે. એ પછી વણેલા, તીખા, લસણિયા ગાંઠિયા બનાવાય છે. ફાફડાની બેન પાપડી તરિકે ઓળખાય છે અને ખુબ ખવાય છે. ભાવનગર પાસેના રંઘોળામાં ઝીણા ગાંઠિયા વખણાય છે. ચોકડી આકારના ગાંઠિયાનું નામ ‘ચંપાકલી’ સ્ત્રીલિંગમાં છે.

ફાફડા અને વણેલા ગાંઠિયા ગરમ ખાવાનું ચલણ છે, ને બાકીના ગાંઠિયા ઘરે ડબ્બામાં ભરી રખાય છે. ગાંઠિયાની સંગતમાં ક્યાંક કઢી ક્યાંક કચુમ્બર તો ક્યાંક કાંદા મળશે, પણ મરચાં તો બધે જ મળે છે. 

જેમ સ્ત્રી વગર પુરુષ અધુરો હોવાનું મનાય છે, એમ મરચાં વગર ગાંઠિયા અધુરા છે. તબલામાં જેમ દાયું અને બાયું સાથે હોય તો જ સંગત જામે,  એમ જ ગાંઠીયા સાથે મરચા હોય તો જ રંગત જામે છે.

જાણે … નવવધૂએ પહેલીવાર પિયર લખેલા આછાં પીળાશ પડતાં પોસ્ટકાર્ડ કલરના, ગાંઠિયા, જ્યાં તળાઈને થાળમાં ઠલવાય અને એની પાછળ જ કોઈની યાદ જેવા તીખા તમતમતાં લીલેરા તેલવર્ણ મરચાં કડકડતા તેલમાં તળાઈને અવતરે …. એ ઘટના ઉપવાસીને પણ ઉપવાસ તોડવા મજબુર કરી મુકે તેવી હોય છે !!!!ખરે, મરચાં વગરના ગાંઠિયા કે ગાંઠિયા વગરના મરચાં એ નેતા વગરની ખુરશી કે ખુરશી વગરના નેતા જેવા જ નિસ્તેજ જણાતાં હોય છે. 

કડકડતા તેલમાં ઉછળતા, ફૂલતા, તળાતા ગાંઠિયાનું દ્રશ્ય કેવું આહ્લાદક હોય છે! ઝારામાં તારવેલા ગાંઠિયામાંથી નીકળતી હિંગ, મીઠું, મરી અને ચણાના લોટની ઉની ઉની ખુશ્બુસભર વરાળ દિલને ગાર્ડન ગાર્ડન કરી મુકે છે. 

મોરારિબાપુ તો આખા ગાંઠિયાના પરિવારની વાત વિનોદમાં કહે છે. તેઓ કહે છે :

“ગાંઠિયો પતિ, જલેબી મીઠી એટલે પત્ની (પણ જલેબી ગુંચળાવાળી હોય છે !) અને સંભારો – મરચા તેના સંતાન – એમ જાણે કે ગાંઠિયા, મરચા અને સંભારાનું ટ્રસ્ટ રચાય છે !”

~મોરારી બાપુ

।।ઈતિ શ્રી ગાંઠિયા પુરાણ સંપુર્ણ…।।

Also read : જંગલમાં ખળભળાટ : એક ગુજરાતી વ્યંગકથા
 

You may also like...

1 Response

  1. NITIN says:

    Superb Article🙏🙏🙏👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *