મારા બાની કિચન ટિપ્સ

બાની અવનવી ટિપ્સને અજમાવી જુઓ

ગુજ્જુમિત્રો, આજે હું આ લેખમાં તમને મારા બાની કિચન ટિપ્સ જણાવી રહી છું. મારા બા પોતાના અનુભવથી ઘણું બધું શીખ્યા છે. તેઓ જીવનમાં અવનવા પ્રયોગો કરીને, તેમના વડીલોથી શીખીને અને પોતાની સૂઝબૂઝથી દુનિયાદારીને જોઈને આજે એટલા અનુભવી છે કે કોઈ ડિગ્રી ધારક સુશિક્ષિતને પણ શીખવાડી શકે છે. મને આશા છે કે મારા બાની કિચન ટિપ્સ તમને બહુ ગમશે. જો આ પોસ્ટ ગમે તો, મારા બાની કિચન ટિપ્સ ને અજમાવી જુઓ.

[1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.

[2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.

[3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.

[4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.

[5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે.

Flower - બાની કિચન ટિપ્સ

[6] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.

[7] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.

[8] મીઠા શક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.

[9] ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.

[10] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે.

[11] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી.

[12] દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ.

[13] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.

પાણીપુરી - બાની કિચન ટિપ્સ

[14] ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બને છે.

[15] સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ ફૂલેલાં બનશે.

ગુજ્જુમિત્રો, જો તમને બાની કિચન ટિપ્સ ગમી હોય, તો આ લીંક પર ક્લીક કરીને મારા બાનો અમૃત ઉકાળો પણ વાંચી શકો છો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *