મા, મને કેમ ખબર પડી મોડી?
મા, મને કેમ ખબર પડી મોડી?
ઘણીવાર થાય છે કે એકાદ પોસ્ટ માતાના નામની કરું , પણ વ્હાલ ના એ દરીયાનો અભિષેક શબ્દો ના ઘડાથી કેવી રીતે કરું….? ચાલો વાંચીએ મા વિષે સુંદર કવિતા.
મા, તું છે દરિયો
ને હું છું હોડી…!
મા, મને કેમ
ખબર પડી મોડી…?
આખું આકાશ
એમાં ઓછું પડે,
એવી વિરાટ
તારી ઝોળી…!
મા, મને કેમ
ખબર પડી મોડી…?
તડકાઓ પોતે
તેં ઝીલી લીધા,
ને છાંયડાઓ
આપ્યા અપાર,
એકડો ઘૂંટાવીને
પાટી પર દઈ દીધો
ઈશ્વર હોવાનો આધાર…
અજવાળાં અમને
ઓવારી દીધાં ને,
કાળી ડિબાંગ
રાત ઓઢી…!
મા, મને કેમ
ખબર પડી મોડી…?
વાર્તાઓ કહીને
વાવેતર કીધાં,
અને લાગણીઓ
સીંચી ઉછેર,
ખોળામાં પાથરી
હિમાલયની હૂંફ,
ને હાલરડે
સપનાંની સેર,
રાતભર જાગી
જાગીને કરી તેં
ઈશ્વર સાથે જીભાજોડી…
મા, મને કેમ ખબર પડી મોડી…?
Read more poems here.