જો ઘડપણ માં પૂત કપૂત થાય તો માવતર કયાં જાય? – સંબંધ ના સમીકરણ

સંબંધ ના સમીકરણ

જો ઘડપણ માં પૂત કપૂત થાય તો માવતર કયાં જાય? – સંબંધ ના સમીકરણ

“ઓહ ડેડ, તમે પણ શું ? મોઢામાં એક જરા સરખુ ચાંદુ પડ્યું છે, એમાં આટલા બધા કેમ અકળાઓ છો?, થોડા દિવસ ઘરગથ્થું દવા કરી રાહ જુવો,”

અમેરિકાથી બે અઠવાડિયા માટે આવેલ N.R.I અતુલે પિતાની ફરિયાદનો જવાબ આપતા આગળ ચલાવ્યું, “પપ્પા,તમને ખબર છે કે હું માત્ર બે અઠવાડિયા માટે જ ભારતમાં આવ્યો છું, ત્રણ દિવસ તો થઈ ગયા,હજુ, મીનાના પિતાને મળવા સુરત જવું છે,ત્યાં પણ ચાર દિવસનું રોકાણ થશે ઉપરાંત અમો મિત્રોએ ઘણે સમયે ભેગા થયા હોઈએ એક શોર્ટ ટ્રીપ પણ અઠવાડિયાની ગોઠવી છે, આમ સમય જ ક્યાં છે ? કે હું તમને દવાખાને લઈ જાઉં ? ડોક્ટરો,એન્ટી-બાયોટિક્સ,અને સ્ટીરોઈડનો હારડો લખી આપશે ,એક્સરે,એન્ડોરસ્કોપી,સ્ક્રીનિંગ જેવી લાંબી ખર્ચાળ વિધિમાં ઉતારી દેશે વારેવારે દવાખાનાના ધક્કા રહેશે,અને દવા ગરમ પડશે તે નફામાં”

“અગાઉ પણ ઘણીવાર મને ચાંદા પડતા,ત્યારે હું ચણોઠીના પાન ચાવતો,મીઠા,અને ફટકડીથી કોગળા કરતો,અને બે દિવસમાં બધું મટી જતું હતું,.ગમે તે હોય,પણ આ વખતે તે મને અતિ વસમું લાગે છે,ખોરાક પણ ગળે ઉતરતો નથી,છતાં તારી વાત સાચી છે,થોડો સમય ઘરગથ્થુ ઉપાય જારી રાખી રાહ જોઈએ.” સંબંધ ના સમીકરણ બદલાઈ ગયા હતા!

કચવાતે મને,પુત્રને રાજી રાખવા અસહ્ય,દર્દ,અને વેદનાને દબાવી, વૃદ્ધ કંચનરાય બોલ્યા.,” આમને આમ બે અઠવાડિયા વિતી જતાઅતુલ ફરી અમેરિકા જવા ઉપડી ગયો જતા જતા પિતાને ભલામણ કરતા બોલ્યો “તબિયતનું ધ્યાન રાખજો, હું ફરી પાંચ વર્ષસુધી તમારું મોઢું જોવા નહીં પામું,અને જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેજો. “

અતુલના ઉપડી ગયા બાદ બીજે જ દિવસે કંચનરાય,અને તેના પત્નિ મધુરીબહેન પોતાના ફેમિલી ડોક્ટર મહેતાપાસે તબિયત બતાવવા ગયા.ડોક્ટરે ગળું તપાસી અને સલાહ આપતા કહ્યું કે “સાહેબ, તમે અહીંના નિષ્ણાત ડો, દેસાઈને બતાવો,હું તમને તેના ઉપર ચિઠ્ઠી લખી આપું છું “

ડોક્ટર આશિષ દેસાઈ,નામી કેન્સર શ્પેસ્યાલિસ્ટ હતા,વર્ષો સુધી લન્ડનની રોયલ ઇન્સ્ટિટ્યૂટમાં કેન્સર ઉપર રિસર્ચ કરી વતનમાં સ્થિર થયા હતા. ડૉ. મેહતાના સૂચનથી તેમની ચિઠ્ઠી સાથે કંચનરાય ડો.દેસાઈને દવાખાને તેની એપોઇન્ટમેન્ટ મેળવી પહોંચ્યા.ચેમ્બરમાં દાખલ થતાંજ ડોક્ટર દેસાઈ કંચનરાયને ઓળખી ગયા. તેને જોતાજ, કપાળે હાથ ફેરવતા ભૂતકાળમાં સરી પડ્યા.

આજથી 40 વર્ષ પહેલાનો આછી મૂંછ,ભરાવદાર, ગંભીર છતાં હસમુખા સ્વાભાવનો ચહેરો, રુવાબભરી, સ્વમાની, અને ખુમારીવાળી છટાદાર ચાલ,જ્ઞાન, અને વિદ્વાતાના તેજપૂંજથી ચમકતું ઊંચું મોટું કપાળ,ગણિત-વિજ્ઞાનનો પારંગત મુંબઈ યુનિવર્સીટીનો B.Sc. ગોલ્ડમેડાલિસ્ટ, આદર્શ,અને સિદ્ધાંતવાદી, ઉત્તમ શિક્ષક, કંચનરાય દીનાનાથ પાઠકનો ચહેરો તેની નજર સામે તરવર્યો.

Intestine

ડો, દેસાઈએ એક્સરે,લોહીના,તથા એન્ડોરસ્કોપીના રિપોર્ટ જોયા બધી જ તપાસ કર્યા બાદ કહ્યું
“તમે થોડા મોડા છો,દશ-પંદર દિવસ પહેલા આવવાની જરૂર હતી તમારા મોઢામાં પડેલ ચાંદાથી તમારા રોગની શરૂવાત થઇ હતી,અને હવે તે ચાંદા વધીને આંતરડા સુધી પહોંચતા,તમને આંતરડાનું કેન્સર હોવાનું નિદાન આવે છે પણ તમે ચિંતા ન કરતા હું તમને ઓપરેશનથી તદ્દન સારું કરી દેવાની ખાત્રી આપું છું”

“પણ……સાહેબ…. ” ઓપરેશનના નહીં પણ તેમાં થનારા ખર્ચની ચિંતા સાથે કંચનરાય બોલવા જતા હતા ત્યાં જ ડો. દેસાઈએ વચ્ચે અટકાવતા કહ્યું,” તમે ખર્ચની ચિંતા ન કરતા આ તો સાવ નાનું અને મામુલી ઓપરેશન છે અને બિલકુલ નજીવા ખર્ચમાં તે પતી જશે,તમે આજે જ અહીં દાખલ થઇ જાઓ,આવતી કાલે વહેલી સવારે તમારું ઓપરેશન હું હાથ ધરીશ “

ડોક્ટરનું વાક્ય સાંભળતા ચિંતાતુર ચહેરે તેણે પત્નિ મધુરી સામે જોયું. હકાર સૂચક નજરથી પત્નિએ સંમતિ આપતાં કંચનરાય દવાખાનાના બિછાને પડ્યા.

ઓપરેશન સફળ રહ્યું ધાર્યા કરતા વધુ સહેલાઈથી દર્દનું નિદાન અને ઉપચાર થઇ જતા કંચનરાય અને મધુરીબેન ખુશ હતા છતાં ડોક્ટરને ચૂકવવાના બિલની ચિંતામાં થોડી માનસિક બેચેની અનુભવતા હતા.પુત્ર અતુલને પત્ર દ્વારા ઓપરેશનની જાણ કરતાં,ચોથે દિવસે પત્રના જવાબમાં અતુલે પણ ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે “ઈશ્વરે અણધારી આફત આપી છે છતાં મોઢામાં ચાંદા પડવાની શરૂવાતથી જ પપ્પાએ ચેતી જવાની જરૂર હતી.

પપ્પા મને બચપણમાં કહેતા કે “દરદ અને કરજ ને વધવા ન દેવાય” હશે, જે ઉપાધિ ભાગ્ય નિર્મિત હોય તેને ભગવાન પણ ભગાડી શકતો નથી,તબિયતનું ખાસ ધ્યાન રાખજો અને હા, જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેજો ” પત્ર વાંચતા કંચનરાયની આંખમાંથી બે બુંદ સરક્યા. બાળપણ માં સપૂત જેવો લાગતો દીકરો મોટો થઈને કપૂત થઈ ગયો તો. સંબંધ ના આ વિચિત્ર સમીકરણ થી કંચનરાય રડી પડ્યા.

Bill

“સાહેબ,આપનું બીલ? દવાખાના માંથી છૂટી મળી જતા કંચનરાયે ડોક્ટરનો આભાર માનતા પૂછ્યું.

ડોકટરે સ્હેજ હસતા તેને ખભે હાથમુકતા કહ્યું, “સાહેબ,આપ બિલની ચિંતા ન કરો, હજુ તમારી સારવાર ચાલે છે, અહીં પુરી નથી થતી આવતા દશ દિવસ પછી ફરી તમારી તબિયત જોવા અને છેલ્લું ઇન્જેક્શન દેવા હું ખુદ જાતે ઘેર આવીશ ત્યારે બધુ જ બિલ એક સાથે તમને આપીશ દરમ્યાનમાં સાથે આપેલી દશ દિવસની દવા નિયમિત લેશો અને હા… દવાખાનાની એમ્બ્યુલન્સ આપને ઘર સુધી મૂકી જવા નીચે તૈયાર ઊભીજ છે “


“આજે ગણેશ ચતુર્થી છે વિઘ્નહર્તાને ધરેલ મોદકની પ્રસાદી લ્યો”કહેતા મધુરીબેને પતિને પ્રસાદઆપતા કહ્યું “હું જોયા કરું છું કે છેલ્લા થોડા સમયથી તમે સતત ચિંતા,અને ડિપ્રેશનમાં રહો છો આ રોગનું કારણ પણ એ જ છે આંતરડાનું ચાંદુતો નિમ્મિત માત્ર છે પણ ચાંદુ તમારા હૃદયમાં પડ્યું છે. ઘણા સમયથી આપણે આર્થિક સંકટ ભોગવીએ છીએ એમાં વળી ઓપરેશનનો ખર્ચો વધ્યો ત્યારે તમે શા માટે અતુલને વાત કરીને પૈસા મંગાવતા નથી ?

યાદ કરો,અતુલને જયારે I.T નું ભણવા બેંગ્લોર મોકલ્યો ત્યારે ફી,અને ડોનેશનના પૈસા ભરવા તમને મળેલ પાંચ તોલાનો મુંબઈ યુનિવર્સીટીનો પ્રતિષ્ઠિત ગોલ્ડમેડલ તમે વહેંચી દીધો હતો. વધુ અભ્યાસ માટે વિદેશ મોકલવા જે વડીલોપાર્જિત મકાનમાં તમારી સ્મૃતિઓ અને સંવેદના ધરબાયેલી હતી તે હવેલી જેવડું મકાન ફૂંકી મારીને ખોબલા જેવા બે રૂમના ફ્લેટમાં રૂ,5000/ ના માસિક ભાડે રહેવા આવી ગયા તેને માટે તમે શું નથી કર્યું ? જયારે તે પોતે પોતાની ફરજ ન સમજે ત્યારે આપણે તેને સમજાવવી પડે જીવનમાં સારા માણસની જ કસોટી થાય છે,અને આ આપણી કસોટીનો સમય છે”.

“તમે સાચા છો મેં જે કર્યું છે તે મેં સંતાન પ્રત્યેની મારી ફરજ બજાવી છે તેથી વિશેષ કશું નથી કર્યું અને તેણે તેની ફરજ સમજવી જોઈએ. જે આપથી ફરજ ન સમજે તેને પરથી ન સમજાવાય,અને સમજાવ્યાપછી બજાવે તેને “ફરજ બજાવી” નહીં પણ “ફરજ પાડી” કહેવાય. હવે સંબંધ ના સમીકરણ બદલી ગયા છે અને એ વાત સ્વીકારવી જઆ યોગ્ય રહેશે.”. કઁચનરાયની ખુદ્દારી,અને સ્વમાની સ્વભાવ ફરી એક વાર ઉછળ્યો.

ગાંડિવના ટંકારવ જેવા સ્વરમાં તેણે આગળ ચલાવ્યું ” અતુલ પાસે હું પૈસા માંગુ ? અરે,મારી નિત્ય પૂજામાંપણ મેં દેવાધિદેવ પાસે હાથ જોડીને પ્રાર્થના કરી છે પણ માથું ટેકવીને,ખોળો પાથરીને,કે હાથ ફેલાવીને કદી કશુ માગ્યું નથી,? “હું માંગુ ને ઈ આપે,તે હરગીઝ મને મંઝુર નથી.”

એ પણ સાચું છે કે કસોટી સારા માણસોની થાય છે,અને એટલે જ આજે “કંચન” ની કસોટી થાય છે.
બરકત (વિરાણી)ને પણ આવી જ હરકત નડી હશે, એટલે જ તેણે લખ્યું છે કે,

“ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી; કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.”

બેડરૂમમાં ક્ષણિક સ્તબ્ધતા છવાઈ ગઈ. એવામાં ડોરબેલ રણક્યો,મધુરીબેને ઉભા થઈને દરવાજો ખોલતા સામે ડો.દેસાઈ સાહેબને ઉભેલા જોયા.મીઠો આવકાર આપ્યો,ડોક્ટરને જોતા જ કંચનરાયનો આક્રોશથી લાલ થઇ ગયેલો ચહેરો ફિક્કો પડી ગયો ફરી તેના દિમાગમાં બિલની ચિંતા પ્રવેશી. “કેમ છો સાહેબ,” એક આત્મીય સ્વજનની લાગણીથી ડોકટરે કંચનરાયને પૂછતાં, તેને તપાસવું શરૂ કર્યું.

તપાસ્યા પછી ડોકટરે કહ્યું,” હવે આંતરડાની સંપૂર્ણ રૂઝ આવી ગઈ છે આજથી તેલ મરચાં સિવાયનો બધો ખોરાક લેવાની છૂટ છે તેમ છતાં ચિંતાનો એક વિષય એવો છે કે સતત તમારું લોહીનું દબાણ ઘટતું જ ચાલ્યું છે.આટલી દવા ગોળી આપવા છતાં તેનું કોઈ પરિણામ દેખાતું નથી. ખોટી ચિંતા,વિચારો,અને ડિપ્રેશનથી દૂર રહો મનને પ્રસન્ન અને પ્રફુલ્લિત રાખો એ એકજ તેની શ્રેષ્ઠ દવા છે,”

એટલું કહી ડોક્ટર જવા માટે ઉભા થયા કે તુરતજ સ્વમાની કંચનરાય બોલ્યા, “સાહેબ, આપનું બિલ?” ડોકટરે હસતા જવાબ આપ્યો ” ચિંતા ન કરો, હું સાથે લાવ્યો જ છું ” એમ કહીને પોતાના કોટના ખિસ્સામાંથી એક બંધ કવર કાઢી કઁચનરાયના હાથમાં મૂક્યું.કવરની સાઈઝ,અને જાડાઈ જોતા ચિંતાતુર સ્વભાવે કંચનરાયે પત્નિ મધુરી સામું જોયું અને ડોક્ટરને કહ્યું,”સાહેબ, બે-ચાર દિવસમાં હું પૈસા મોકલાવી આપીશ”

“કોઈ ઉતાવળ કે ચિંતા નથી ” એટલું બોલતા ડોક્ટર નીકળી ગયા,


ડોકટરે આપેલ બિલનું જાડુ કવર જોતા કંચનરાય અને પત્નિ મધુરીબેનને ધ્રાસ્કો પડ્યો બિલ કેટલું મોટું અને વધુ હશે તેની ચિંતા સાથે કંચનરાયે કવર ખોલ્યું કવર ખોલતાં તેમાં બે પાનાંનો પત્ર હતો.

પિતાનો સંતાનોને પત્ર

પ્રાતઃ સ્મરણિય વડીલ શ્રી પાઠક સાહેબ,

આપ મને ઓળખી નથી શક્યા પણ મારા દવાખાનામાં પ્રવેશતા જ હું આપને ઓળખી ગયો હતો. મારી ઓળખાણ હું માત્ર એક જ શબ્દમાં આપું તો રેલવેગુડ્સ ક્લાર્ક તરીકે નોકરી કરતા સ્વ.રમણીકભાઇ દેસાઈનો હું પુત્ર છું,અને આપનો વિદ્યાર્થી રહીચુક્યો છું.આપ મને લાડમાં આસુ કહીને સંબોધતા હતા.

તે જ હું, ડો.આશિષ દેસાઈ.

“સાહેબ, હું મારા ભૂતકાળના એ દિવસો હજુ નથી ભુલ્યો,કે જ્યારે ભર યુવાનીમાં મારા પિતાશ્રીનું અવસાન થતા આર્થિક અવદશાને કારણે મારે ધોરણ નવથી અભ્યાસ છોડવાની સ્થિતિ આવી હતી ત્યારે છેક એસ.એસ.સી.સુધી મારી સ્કૂલ ફી,તથા પરીક્ષા ફી આપે ભરી હતી રમતિયાળ અને નાદાન સ્વભાવને કારણે ગણિત,વિજ્ઞાનમાં હું નબળો હતો તે સમયે આપે પોતાને ઘેર બોલાવીને મને બબ્બે કલાક ગણિત વિજ્ઞાન ભણાવી તે વિષયોમાં રસ લેતો કર્યો,કોઈ પણ જાતના સ્વાર્થ વિના, નિઃશુલ્ક ટ્યુશન આપી આપે મારી પાછળ કિંમતી સમયનો ભોગ આપ્યો છે જેને કારણે આજે હું આ સ્થિતિએ પહોંચ્યો છું. આપ હમેશા મારા આદર્શ રહ્યા છો તેથી મારા દવાખાનાનું નામ પણ”ગુરુ કૃપા હોસ્પિટલ” મેં રાખ્યું છે.

સમયાંતરે,નામદાર આગાખાન ટ્રસ્ટ પાસેથી બોન્ડ ઉપર લોન લઇ મેં M.B.B.S,પૂરું કર્યું, અને પુના ખાતેની તેની હોસ્પિટલમાં ત્રણવર્ષ નોકરી કરી હું લન્ડન કેન્સર રિસર્ચ માટે ગયેલો. લન્ડનથી પાછા ફરી,વતનમાં દવાખાનું શરૂ કરવા સમયે આપના આશિર્વાદ લેવા હું ગામના આપના જુના ઘેર પણ ગયો હતો પરંતુ એમ જાણવા મળેલું કે તે ઘર વહેંચી આપ અન્યત્ર સ્થાયી થયા છો ત્યાર બાદ છેક આજે આ રીતે મળવાનું થયું.

આપે જે મને પિતૃતુલ્ય પ્રેમ આપ્યો છે તે બદલ મેં પુત્રવત ફરજ બજાવી હોય આપની સારવારની મને તક મળતા અંશતઃ ગુરુ દક્ષિણાચૂકવી હું ધન્ય થયો છું. આપના દીર્ઘાયુષ્યની ઈશ્વરને પ્રાર્થના કરું છું,
લી. ડો.આશિષ દેસાઈ.

પત્ર વાંચવો પૂરો થતાંજ કંચનરાય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા” ભગવાન ને ઘેર દેર છે,પણ અંધેર નથી ” તે સાચું છે. ભાવુક બનેલા કંચનરાય માટે પાણીનો ગ્લાસ લાવેલ મધુરીબેનની આંખો છલકાઈ ગઈ. સંબંધ ના નિરાળા સમીકરણ થી તેઓ ચકિત થઈ ગયા હતા!
**
રોજના નિત્યક્રમ મુજબ સવારે સાત વાગ્યે મધુરીબેન ચાહનો પ્યાલો લઇ કંચનરાયના બેડરૂમમાં પ્રવેશ્યા.કંચનરાય ભર ઊંઘમાં સુતા હોય એવું લાગતા ઢંઢોળીને જગાડવાની કોશિશ કરતા જોયું કે કંચનરાય નિશ્ચેતન પડ્યા હતા. હા, કંચનરાય ફાની દુનિયા છોડી ચાલી નીકળ્યા હતા. તુરતજ ડો.દેસાઈને બોલાવ્યા.

તપાસીને સ્ટેથેસકોપ ગળેથી ઉતારતા ડો.દેસાઈએ,ઊંડો નિશ્વાસ નાખતા કહ્યું ,” ગઈકાલે સાંજે મને જે ડર હતો,તે થઈને જ રહ્યું સાહેબનું લોહીનું દબાણ સતત ઘટતું રહેવાને કારણે હૃદય સુધી લોહી ન પહોંચતા, નિંદ્રાવસ્થામાં જ તેમનું હાર્ટફેઈલથી અવસાન થયું છે.”

અશ્રુભીની આંખે પિતૃતુલ્ય ભૂતપૂર્વ શિક્ષકના નિશ્ચેતન દેહનો ચરણસ્પર્શ કરી ડોક્ટર નીકળી ગયા.

(મોગરાની મહેક માંથી)

Also read : જનરેશન ગેપ એટલે બે પેઢી વચ્ચે ના મતભેદ : શું છે ઉપાય?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *