દાન લીધા વિના વિરપુર માં જલારામ બાપા નું મંદિર કઈ રીતે ચાલે છે?
ગુજજુમિત્રો, સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુર વચ્ચે વિરપુર નામનું ગામ આવેલું છે, જ્યાં સંત શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે. જલારામ બાપા અને તેમના પરચા વિષે તો બાળપણથી હું સાંભળતી આવી છું અને જો હું તેના વિષે લખવા ઈચ્છું તો સમયના અંત સુધી લખી શકું છું. પણ આજે હું તમને કહેવા માગું છું કે વિરપુર જલારામ મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. પરંતુ દાન લીધા વિના વિરપુર માં જલારામ બાપા નું મંદિર કઈ રીતે ચાલે છે?? ચાલો જાણીએ સાચું કારણ.
સ્વર્ણિમ ઇતિહાસ
૧૪ નવેમ્બર ૧૭૯૯ ના રોજ જન્મેલા જલારામ ઠક્કરના માતા રાજબાઈ તેમજ પિતા પ્રધાન ઠક્કર ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હતાં. ધાર્મિક માતા રાજબાઈના કુખે પૂ. જલારામ બાપાનું અવતરણ થયું.
સેવા અને ધર્મનો વારસો તો પૂ. શ્રી જલારામ બાપાને શરૂઆતથી જ પ્રાપ્ત થયેલ. સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત કાર્યરત કર્યું હતું કે જે આજે પણ અવિરતપણે ચાલું છે.
ગરીબોને ભોજન પ્રસાદ
‘દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ’ તેવી વાત કરનારા જલારામ બાપાએ વિરપુરમાં સદાવ્રત શરુ કર્યું હતું, જ્યાં આજેપણ રોજના સરેરાશ ૫ થી ૬ હજાર શ્રદ્ધાળુઓ – ગરીબો ભોજન પ્રસાદ આપવામાં આવે છે, તહેવાર અને રજાના દિવસોમાં આ આંકડો ઘણો વધી જતો હોય છે જો કે મહત્વની વાત એ છે કે વિરપુર – જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી.
દાન સ્વીકારવામાં નથી આવતું
દાન લીધા વગર પણ રોજના હજારો ભાવિક ભક્તજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. તેમજ વિરપુર જલારામ મંદિરમાં પણ ભક્તજનોને ભોજનપ્રસાદ લઈને જ જવા મંદિરના સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે. છેલ્લા ૧૯૮ વર્ષથી વિરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત કાર્યરત છે.
ભારતનું અનોખું મંદિર
દેશભરમાં મંદિરોમાં મોટાપાયે દાન લેવામાં આવે છે, ઘણા મંદિરોમાં દાનનો આંકડો તો હજારો કરોડ સુધી પણ પહોંચી જાય છે, તો ઘણા મંદિરોના ટ્રસ્ટમાં રાજકારણ અને નેતાઓ જ ટોચના સ્થાને પહોંચી ગયા છે તો ઘણા મંદિરોના ટ્રસ્ટના મોટાપાયે દાનને કારણે તેના વિવાદો અને ગેરવહીવટો સામે આવતા રહે છે. ત્યારે આ બધાથી અલગ વિરપુરમાં આવેલા જલારામ મંદિરમાં ક્યાય દાનપેટી જોવા નહી મળે, કોઈ જાણતા – અજાણતા પણ જો જલારામ મંદિરમાં ક્યાય રૂપિયા ધરાવતા દેખાઈ જાય તો તેમને વિનમ્રતાપૂર્વક રોકવા મંદિરના સેવકો ખડેપગે જ રહે છે.
દાન લીધા વિના કેવી રીતે ચાલે છે મંદિરનું રસોડું?
વિરપુર ગુજરાત જ નહી પણ દેશ અને દુનિયાના અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આપ આ મંદિરમાં દાન ના લેવાતું હોવાની વાતથી તો અજાણ નહી જ હોવ. પરંતુ તેવો પ્રશ્ન આપને જરૂરથી થતો હશે કે કોઇપણ પ્રકારનું દાન કે ભેટ સોગાદ લીધા વગર રોજના હજારો લોકોને ભોજન પ્રસાદ પીરસતું વિરપુર જલારામ મંદિર કઈ રીતે ચાલે છે ?
૧૦૦ વર્ષો પૂરતું દાન જમા થઈ ગયું છે
તો ૯ ફેબ્રુઅરી, ૨૦૦૦ ના રોજ વિરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું,અગાઉ મંદિરમાં રોકડ, અનાજ સહિતનું દાન આપવામાં આવતું હતું પરંતુ જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાએ પરિવારજનોમાં ચર્ચા કરી મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરાવ્યું હતું.
દાન ના સ્વીકારવાના કારણમાં મંદિર જોડે પુરતું દાન આવી ગયું હોવાની અને તે દાનથી આવનારા ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે તેમ કહેવાય છે. જલારામ બાપાના આ મંદિરમાં દરવર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી રહે છે
સાચી સેવા અને શ્રદ્ધા નું પ્રતીક
હાલના પ્રચારયુગમાં પણ આસ્થાનું કેન્દ્ર જલારામ મંદિર દ્વારા પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવા, ચર્ચામાં રહેવા, પ્રસિદ્ધિ મેળવવા કે નામના મેળવવાના કોઈ પ્રયાસ થતા નથી, તે પણ ઘણી મહત્વની વાત છે. એક સાચી સેવાની ભાવના અને શ્રદ્ધાથી મંદિર ચાલતું હોય ત્યાં કોઈ પ્રસિદ્ધિની જરૂર રહેતી નથી. જ્યાં રૂપિયા અને પ્રસિદ્ધિ હોય તે વિવાદ અને મૂળ હેતુથી ભટકી જાય તેથી જ આજે પણ તેનાથી દુર રહેલા વિરપુર મંદિરની શ્રદ્ધા અડગ છે.
જનસેવા જ પ્રભુસેવા
લોકોને ખવડાવવામાં માનતા જલારામબાપાના તે વિચારોને આજેપણ તેમના મંદિરો દ્વારા આગળ વધારવામાં આવી રહ્યા છે. દરેક જ્ઞાતિ – ધર્મના લોકો જલારામબાપાને માને છે. જલારામબાપા દરેક જ્ઞાતિ અને ધર્મના લોકોની વચ્ચે જઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં હતા અને આજેપણ તેમના સાચી સેવાના વિચારો જીવનમાં ઉતારવા જેવા છે. વિરપુર ઉપરાંત ચોટીલામાં પણ જલારામબાપાનું ભવ્ય મંદિર આવેલું છે.
બોલો જલારામ બાપાની જય!
Click here to read spiritual posts in Gujarati.
ધન્યવાદ ????????????