શું તમે જાણો છો કે ગરબો અને ગરબી એટલે શું?
શું તમે જાણો છો કે ગરબો અને ગરબી એટલે શું?
ગુજજુમિત્રો આ લેખ માં હું તમને કઈક રસપ્રદ જણાવવા માગું છું. આજે ગરબો એ એક પ્રચલિત શબ્દ છે પણ શું તમે તેનો ઇતિહાસ જાણો છો? શું તમે જાણો છો કે ગરબો અને ગરબી (આ બેઉ શબ્દ અલગ અલગ અર્થ થાય હોં !) એટલે શું ? શું તમે જાણો છો કે રાસરાસડા કેવી રીતે શરૂ થયાં ? જાણવા માટે આગળ વાંચો.
ગરબો એટલે શું?
જેના ગર્ભમાં દીવો છે એવો ઘડો એટલે સંસ્કૃતમાં ‘દીપગર્ભો ઘટ’. આ શબ્દોને બોલતા બોલતા લોકો તેને કહેવા લાગ્યા, ‘દીપગર્ભો’, પછી તેમાંથી પ્રચલિત થયો ‘ગરભો’ અને અંતે તેનું અપભ્રંશ થઈને બન્યો શબ્દ ‘ગરબો’ ! તેને માથે રાખી કે વચ્ચે રાખીને થતું વર્તુળાકાર નર્તન પણ કાળક્રમે ‘ગરબો’ જ કહેવાયું.
ગરબો, ગરબી અને રાસ
મિત્રો શું તમે જાણો છો કે સદીઓ પૂર્વે રચાયેલા ગ્રંથ ‘હરિવંશ’માં કૃષ્ણને રાસેશ્વર કહેવાયા છે. સ્ત્રી-પુરુષ સાથે હાથમાં દાંડિયા પકડી રમે તે ‘રાસ’ કહે છે, તાળી સાથે સ્ત્રીઓ રમે તે ‘ગરબો’ અને પુરુષો રમે તે ‘ગરબી’ તરીકે ઓળખાય છે! પુરુષો અને સ્ત્રીઓ હાથે તાળીઓ પાડી ગરબો લે તેને ‘હીંચ લેવી’ કહેવાય, પણ માત્ર સ્ત્રીઓ જમણા પગનો પંજો ધરતી સાથે અથડાવી ગરબો લે તેને ‘હમચી ખૂંદવી’ કહેવાય.
વલ્લભ મેવાડા એ માતાજીના ગરબા લખવાનો નિર્ણય કર્યો
હવેલી સંગીતનાં ગીતો-રાસડાઓના કવિ વલ્લભ મેવાડા જયારે શ્રીનાથજીનાં દર્શન ગયા ત્યારે પૂજારીએ તેમને ‘દર્શન બંધ થઇ ગયા છે’ તેમ કહીને પાછા વળાવ્યા. ભગ્નહૃદયથી વલ્લભ મેવાડાએ વિચાર્યું કે, ‘જે બાપ (કૃષ્ણ) પોતાનાં સંતાનો (ભક્તો)ને દર્શન ન આપે તેની સ્તુતિ કરવા કરતાં હું સદાય સુલભ એવી મમતામયી મા (મા અંબિકા)ના સ્તવનો શા માટે ન લખું ?’
ગરબા ની સાથે જોડાયા પ્રાચીન સંગીત વાદ્યો
દયારામના પુરોગામી તરીકે તેમણે આજે પણ પ્રચલિત એવા લોકપ્રિય ગરબાઓ રચ્યા, આજે ‘સ્ટેજ શો’માં ફેરવાઇ ગયેલા ગરબાઓ ગુજરાતની ગલી ગલીમાં ઘોળાઇ ગયા, ખોળિયું બદલતા ગયા ! મહાડ, કાફી, પીલુ, ધનાશ્રી, કાલિંગડો, સારંગ વગેરે રાગ અને ખેમટો, કેરવો કે દીપચંદી તાલમાં ગવાતો ગરબો આજે લેસર સિન્થેસાઇઝરના ડ્રમ-બીટ્સના ડિજીટલ ફયુઝન મ્યુઝિકમાં ફેરવાઈ ગયો છે.
રાસ ના ત્રણ પ્રકાર
‘ભાવપ્રકાશ’ નામના અતિ પ્રાચીન ગ્રંથમાં રાસના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે. ‘તાલરાસક’ એટલે તાળી-રાસ,
‘દંડ-રાસક’ એટલે દાંડિયા-રાસ અને ત્રીજા પ્રકારના છે ‘લતા રાસક’, એટલે સ્ત્રી-પુરુષનું યુગલ પરસ્પર ગૂંથાઇને જેમ લતા વૃક્ષ ફરતી વીંટળાઇ વળે, તે રીતે એકબીજામાં સમરસ થઇને રમે તેવો રાસ !
ભાણદાસ નો ગરબો
રોજ ગરબે ઘૂમીને આવવાનો થાક ઉતારતા ખેલૈયાઓને એક અપીલ છેઃ ભાણદાસ રચિત ‘ગગનમંડળ ગુણ ગરબી રે‘ ગરબો ક્યારેક ચાંદાનાં અજવાળે વાંચજો-સાંભળજો. તેમાં વર્ણન કર્યું છે કે સ્વયં જગત જનની ગરબા રમે છે ત્યારે તેનો ગરબો કેટલો વિરાટ અને જાજરમાન હોય છે. આ ગરબામાં ભાણદાસ કહે છે કે જ્યારે માતાજી ગરબા રમે છે ત્યારે પૃથ્વી કોડિયું છે, સમુદ્રરૂપી તેલ છે, પર્વતરૂપી વાટ અને સૂર્યરૂપી દીવો છે, શેષનાગની ઇંઢોણી છે! ગુજજુમિત્રો, આ ગરબાની બે પંક્તિ અહીં લખું છું :
ગગન મંડળની ગાગરડી, ગુણ ગરબી રે,
તેણિ રમિ ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે.
ભાણદાસ
મિત્રો, આમ ગુજરાતની ગરિમા સમાન ગરબા ના ગીતો અને તેનું નૃત્ય અસ્તિત્વમાં આવ્યું.