હા, હું જ ગુજરાત છું!

જ્યાં ગુજરાતી ત્યાં ગુજરાત

કૃષ્ણની દ્વારિકાને
સાચવીને બેઠેલું જળ છું.
હું નરસિંહના પ્રભાતિયાથી
પરિતૃપ્ત પ્રભાત છું.
વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું.
હા, હું જ ગુજરાત છું!

poem about gujarat in gujarati

મેં સાચવ્યા છે ડાયનાસોર ના અવશેષ,
મારી પાસે છે અશોકનો શિલાલેખ,
ધોળાવીરાનો માનવલેખ,
સોમનાથનો અસ્મિતાલેખ,
હું ઉત્તરમાં સાક્ષાત અંબામાત છું.
હા, હું ગુજરાત છું!

હું નર્મદનું ગાન છું,
સયાજીરાવનું ઉદ્યાન છું,
સિધ્ધહેમનું જ્ઞાન છું,
તાપી નામે સરિતા છું,
અણહિલવાડનો ઇતિહાસ છું.
હા, હું ગુજરાત છું!

હું ખળખળ વહું છું નર્મદાઘાટે
ને ખળભળું છું, ચોરવાડના
ફીણમોજાંની સંગાથે.
કચ્છનું રણ એ મારું આવરણ છે,
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું,
કાળિયા ઠાકરના મુગટનું ઝવેરાત છું.
હા, હું ગુજરાત છું!

હું સાબરમતીથી ખ્યાત છું,
મોહનદાસનો મોહપાશ છું,
સરદારનું મનોબળ છું,
નક્કર છું…નાજુક છું..ને નેક છું,
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું,
હા, હું ગુજરાત છું!

Gujarat, Saradar Patel, Statue of Unity, poem

સેવા, સખાવત અને સદભાવ છું,
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું,
મુનશીના ગદ્યની મોહિની છું,
મેઘાણી, પન્નાલાલ ની લેખિની છું,
હું ભાતીગળ મ્હોલાત છું.
હા, હું ગુજરાત છું!
હા, હું ગુજરાત છું!
હા, હું જ ગુજરાત છું!

Read more poem : કાવ્ય સરિતા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *