જૈન ધર્મ માં તિથિ પર લીલોતરી ન ખાવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

ચકલી નો માળો

જૈન ધર્મ માં તિથિ પર લીલોતરી ન ખાવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

જૈન ધર્મ માં પર્વ તિથિ નું અનેરૂ મહત્વ બતાવ્યું છે. તેમાં ખાસ કરીને ધર્મક્રિયા કરવાનું કહેવામાં આવ્યું છે. આ તિથી કઈ કઈ છે? એક મહિનામાં બાર પર્વ તિથિ આવે છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ.( સુદ અને વદ પક્ષમાં ) એમ કરીને દસ તિથિ તથા અમાસ અને પૂનમ એમ કરીને ૧૨ પર્વ તિથિ ગણવામાં આવે છે.

તિથી વિષે પ્રભુનું કેવળજ્ઞાન

પ્રભુએ પોતાના કેવળજ્ઞાન માં જોયું છે કે વ્યક્તિના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે તેના આયુષ્યનો બંધ પડે છે, એટલે કે નવા ભવ માટેનું આયુષ્ય બંધાય છે. તે લગભગ તિથિના દિવસે જ બંધાય છે. પ્રભુ એ કીધું કે આ પર્વ તિથિમાં શક્ય હોય તેટલી વધારે ધર્મ આરાધના કરવી જેથી નવા ભવ માટે શુભ કુળમાં અને સારા ભવની પ્રાપ્તિ માટે આયુષ્યનો બંધ થાય.

મૌન એકાદશી

તિથી પર ધર્મ કેમ કરવો જોઈએ?

ધર્મ ક્રિયા આપણે કરીએ ત્યારે આપણું મન શુભ ભાવમાં હોય છે. તિથિના દિવસે જો આપણે ધર્મ કરતા હોઈએ તો આપણને શુભ ગતિ મળે છે. તેનાથી વિરુધ્ધ તિથિના દિવસે આપણે સંસારી કાર્ય કરતા હોઈએ, આપણને તીવ્ર રાગ કે દ્વેષ થતો હોય તેવા કામ કરીએ તો જે – તે વસ્તુને લગતી અશુભ ગતિમાં (ભવમાં)આપણો જન્મ થાય છે. એક સામાન્ય પરીક્ષા હોય છે તો પણ આપણે કેટલી બધી તૈયારીઓ કરીએ છીએ અને કરાવીએ છીએ. તો આ તો આપણે કોઈ સારા “ભવ” માટે કન્ફર્મ રિઝર્વેશન કરાવવાનું છે ત્યારે આપણી તૈયારીઓ કેવી હોવી જોઈએ? શાંતિથી વિચારવા જેવું છે

તિથી ના મહત્ત્વને સમજો

હવે કાળના પ્રવાહમાં આપણે આ બધી વસ્તુઓ ભૂલતા જઈએ છે અને પરિણામે ખૂબ મહત્વનો અને અમૂલ્ય એવો માનવ ભાવ આપણે નિરર્થક વેડફી રહ્યા છીએ. એકવાર આપણો આયુષ્યનો બંધ થઈ જાય તે પછી આપણે ગમે તેટલી ધર્મ – આરાધના કરીએ તો પણ આપણે તે ગતિમાં જવું જ પડે છે. જો તિથિ ના દિવસે આયુષ્ય બંધ આવે તેવા તિથિ ના સમયે આપણે ધર્મ આરાધના તો ચોક્કસ કરવી જ જોઈએ.

શ્રેણિક મહારાજા સાથે થયેલી ઘટના

આપણા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ ઉદાહરણ શ્રેણિક મહારાજા નું છે. એક ગર્ભવતી હરણીને તેના ગર્ભમાં રહેલા બચ્ચા સાથે, એક જ તીર થી મારી નાંખીને ખૂબ આનંદ ઉઠાવ્યો હતો. તે ક્ષણે તેમના આયુષ્યનો બંધ થયો હતો, અને તેમણે નરકનું આયુષ્ય બાંધ્યું હતું. પછી પ્રભુ વીરના સંપર્કથી તેઓ ખૂબ ધર્મ પામ્યા. તેમણે પછી થી તીર્થંકર નામકર્મ બાંધ્યું. પરંતુ તેમને આયુષ્યનો બંધ નારકીના જીવ માટે પડ્યો હોવાથી નરકમાં જવું જ પડ્યું. તેમનો જીવ આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર થશે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે તિથિના દિવસે શક્ય હોય તેટલી ધર્મ આરાધના કરવાથી સારા ભવના આયુષ્યનો બંધ થાય છે.

તિથી પર લીલોતરીનો ત્યાગ કરવાનું કારણ

આજથી થોડાંક જ વર્ષો પહેલા કોઈના પણ ઘરમાં લીલોતરી- શાક બનાવવામાં આવે તો ઉત્સવનો દિવસ કહેવાતો હતો કેમકે મહિનામાં લગભગ મોટાભાગના દિવસોમાં કઠોળ જ જમવામાં રહેતું હતું અને ત્યારે તેઓ માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ હતા. તે વખત ના લોકા ના જીવનમાં દુઃખ કે મુશ્કેલી આવે તો પણ ખૂબ સારી રીતે તેઓનું જીવન પસાર કરી શકતા હતા.

લીલોતરી નો મન પર પ્રભાવ

આજે આપણે અને આપણા સંતાનો સાવ નાની નાની વાતોમાં કેવા ગભરાઈ જઈએ છીએ, હારી જઈએ છીએ? આજે પણ મહિનામાં બાર તિથિ શાક – લીલોતરી નહિ વાપરનારા સાધુ અને સાધ્વી ભગવંતો આપણી આસપાસ જ વિચરી રહ્યા છે. કેટલાક એવા શ્રાવક અને શ્રાવિકાઓ પણ છે કે જેઓ બાર તિથિ લીલોતરી અથવા તો શાકભાજી વાપરતા નથી. ભરત મહારાજા, જેઓ ૬ ખંડના અધિપતિ હતા, ચક્રવર્તી હતા તો પણ તેમણે એવી વ્યવસ્થા ગોઠવી હતી કે તિથિના દિવસે “આજે પર્વ તિથિ છે” એવી એમને જાણ થાય. ચક્રવર્તી હોવા છતાં ધર્મ પ્રત્યે કેવી અદ્ભૂત સજાગતા !! ( એમ જ કાંઈ અરીસા ભુવનમાં કેવળજ્ઞાન નથી થતું)

છેલ્લા થોડા ઘણાં વર્ષોમાં આપણે આપણી તિથિ નું મહત્વ ભૂલતા ગયા અને લીલોતરી તરફ વળતા ગયા. આજે બાર પર્વ તિથિ ને બદલે આપણે ફક્ત પાંચ જ તિથિ સાચવીએ છીએ. ઘણાં ઘરોમાં તો આધુનિકતાના તોફાનમાં તે પણ ભુલાઈ રહ્યું છે.

વિજ્ઞાન સમર્થન કરે છે જૈન ધર્મ ના આ નિયમનું

વિજ્ઞાને સાબિત કર્યું છે કે આઠમ, ચૌદસ, પૂનમ અને અમાસ ના દિવસોમાં સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે, તેના કારણે આપણા મન ઉપર તેની વિશેષ અસર પડે છે. વાતની સત્યતા તપાસવા આ દિવસોમાં મેન્ટલ હોસ્પિટલ ની મુલાકાતે જવું અથવા આપણી આસપાસ રહેતા લોકોના વર્તન અને વાણી નું નિરીક્ષણ કરવું. વધુ સાચી માહિતી માટે આપણા જ વાણી અને વર્તન અંગે ખાસ નિરીક્ષણ કરવાથી સચોટ સાબિતી મળશે.

આપણાં શરીર નું જળ તત્ત્વ

આપણા શરીરમાં ૭૦ ટકા જેટલુ પાણીનું પ્રમાણ રહેલું છે. તિથિઓના દિવસોમાં જ્યારે પણ આ રીતે ભરતી અને ઓટ નું ચક્ર આવે છે ત્યારે આપણા મન અને શરીર ઉપર તેની વિશેષ અસર જોવા મળે છે. હવે જો આપણે તિથિના દિવસોમાં પણ લીલોતરી વાપરીયે એટલે કે લીલાં ફળ અને શાકભાજી વાપરીએ તો આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ વધે છે, અને પરિણામે આપણા મન ઉપર તેની અસર વધારે થાય છે અને આપણું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે.

ગુજરાતી શાયરી

માનસિક રોગમાં વધારો કેમ થયો છે?

છેલ્લા થોડા વર્ષોમાં સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં માનસિક રોગીઓ વધવા પાછળનું કારણ આ એક વાત છે. ખૂબ ધ્યાનથી વિચારજો, તિથિના દિવસે જો લીલાં ફળ અને શાકભાજી આપણે ખાઈએ તો આપણા શરીરમાં જે પાણી છે તેમાં વધારો થાય છે. તેની સામે તિથિના દિવસે જો આપણે કઠોળ વાપરીએ. પ્રભુ કહીને ગયા છે તીર્થંકર પરમાત્મા તો આજીવન કઠોળ વાપરવાનું કહી ગયા છે. એવું એક મહાત્મા મને કહેતા હતા.

કઠોળ પાણીને શોષી લે છે

તે પ્રમાણે કરીએ તો કઠોળના ગુણધર્મ પ્રમાણે તે આપણા શરીરમાંથી પાણી શોષી લે છે. પરિણામે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને ભરતી અને ઓટ ના કારણે જે વધારે તકલીફ આપણને થવી જોઈએ તે થતી નથી. આપણે માનસિક રીતે સ્વસ્થ રહીએ છીએ. આજના વૈજ્ઞાનિકો એવું પણ કહે છે કે મોટાભાગના શારિરીક રોગોની પાછળ માનસિક પરિસ્થિતિ જવાબદાર હોય છે.

હજુ હમણાં ૫૦ વર્ષ પહેલા સુધી તિથિ એટલે પૌષધ કરવો અથવા વધારેમાં વધારે ધર્મ કરવો, સામાયિક કરવી, જે વસ્તુ કે પરિસ્થિતિ માં રાગ કે દ્વેષ થાય તેવી ક્રિયાઓ ના કરવી, એવું કહેવામાં આવતું અથવા તો તેવું આચરણ કરવામાં આવતું હતું. શાસ્ત્રમાં તિથિના દિવસે ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું છે.

પ્રાચીન સમયમાં તિથી ના દિવસે નિર્જળ ઉપવાસ થતાં

તીર્થંકર ભગવાન તો દીક્ષા લીધા પછી પોતાના સાધના કાળમાં ભાગ્યે જ આહાર પાણી વાપરે છે. પરિણામે તેમણે ખૂબ જ ઉત્કૃષ્ટ ભાવે પોતાની સાધના કરીને કેવળજ્ઞાન મેળવ્યું છે. પહેલા તો તિથિના દિવસે ઉપવાસ કરવાનું કહેવામાં આવતું હતું અને ઉપવાસ એટલે નિર્જળ ઉપવાસ એટલે કે ચોવિહાર પૂર્વક ઉપવાસ જ ગણવામાં આવતો હતો. શાસ્ત્રોમાં તેના અનેક ઉદાહરણો મળે છે.

જૈન ધર્મ

જાપાનના વૈજ્ઞાનિકો નું સંશોધન

પરંતુ જેમ જેમ આપણું શારિરીક અને માનસિક બળ ઘટતું ગયું તેમ-તેમ ઉપવાસમાં પાણી વાપરવાનું આવતું ગયું, વધતું ગયું. જો તિથિના દિવસે ઉપવાસ કરવામાં આવે તો આપણું શારીરિક સ્વાસ્થ્ય અને તેની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે છે. જાપાનના વૈજ્ઞાનિકોને કેન્સરના સંશોધન માટે નોબેલ પારિતોષિક મળ્યું છે.

તેમણે એવું સંશોધન કર્યું છે કે મહિનામાં એક થી બે દિવસ નિર્જળા ઉપવાસ કરવાથી કેન્સર જેવા ઘાતક રોગ ઉપર કાબૂ મેળવી શકાય છે અથવા તો તેને હરાવી શકાય છે. આ જ વસ્તુ આપણા પ્રભુએ પોતાના કેવળજ્ઞાનમાં જોઈને હજારો લાખો વર્ષો પહેલાં કહી છે. તેને હવે વૈજ્ઞાનિક સમર્થન મળી રહ્યું છે.

કોરોના કેવા લોકોને વધારે થાય છે?

અત્યારે કોરોના રોગ ખૂબ વધી રહ્યો છે. કોરોના રોગ ઉપર આજે વિશ્વમાં રોજ ૧૫૦ થી વધારે રીસર્ચ પેપરો સબમિટ થઈ રહ્યા છે. તેમાં એક કારણ એવું આવ્યું છે કે જે વ્યક્તિઓમાં ખૂબ જ ડર રહેતો હોય, ડિપ્રેશન રહેતું હોય,ભયમાં રહેતા હોય તેમને કોરોના રોગ થવાની શક્યતા ખૂબ વધે છે. જેમને ધર્મમાં અથવા તો તેની ક્રિયાઓમાં અથવા તો પ્રભુના વચનોમાં શ્રદ્ધા નથી તેમણે આ વાત ખાસ નોંધવા જેવી છે.

જૈન ધર્મ અને વિજ્ઞાન

જૈન ધર્મ એ ૧૦૦% સાયન્સ જ છે. જે આજનું વિજ્ઞાન હવે સ્વીકારી રહ્યું છે. જેમને ખૂબ વિચારો આવે છે, ડિપ્રેશન આવે છે, પોતાના મન પર કંટ્રોલ રાખી શકતા નથી, ખૂબ ગુસ્સો આવે છે, જીવનમાં ખૂબ હતાશા, નિરાશા અનુભવી રહ્યા છે તેમને મારી ખાસ વિનંતી છે કે તિથિના દિવસે કઠોળ જ વાપરવું અને લીલોતરી નો ત્યાગ કરવો.શક્ય હોય તેટલું ઓછું જમવું, ઓછું પાણી પીવું.

તિથી નું પાલન કરો

તિથિએ શક્ય હોય તેટલી વધારે ધર્મ આરાધના કરવાથી, રાગ અને દ્વેષ ને પોષક તત્વો, એવી ક્રિયાઓથી દૂર રહેવાથી આપણી મન:સ્થિતિ શુભ ભાવોમાં પરિવર્તિત થશે અને આપણી અંદર અને આપણી આસપાસ Positive Aura નું નિર્માણ થશે. પ્રભુની આજ્ઞા નું પાલન, લીલોતરી ના જીવો ને અભયદાન આપવાનો લાભ પણ મળશે.

Also read : ઉધરસ મટાડવાના ૪ સસ્તા અને સરળ ઉપાયો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *