મૌન એકાદશી પર્વનું જૈન પરંપરા માં આટલું મહત્ત્વ કેમ છે?
મૌન એકાદશી પર્વનું જૈન પરંપરા માં આટલું મહત્ત્વ કેમ છે?
દરેક ધર્મ પરંપરા માં મૌન નું આગવું મહત્ત્વ હોય છે. મૌન તમારી સાધના માં આગળ વધવા, ધ્યાનમાં ઊંડા ઊતરવા અને મનને સ્થિર કરવા માં ખૂબ ઉપયોગી છે. આટલું જ નહીં, રોજિંદા જીવન માં પણ મૌન બહુ મોટો મિત્ર બની શકે છે જે તમને અનાવશ્યક બોલતા બચાવે છે, બીજાની વાત સારી રીતે સમજવા પ્રેરિત કરે છે. તેથી દરરોજ મૌન નો અભ્યાસ કરવો ખૂબ જ હિતકર છે. પણ આજે આ લેખમાં હું તમને મૌન એકાદશી ના પર્વ વિષે જણાવવા માગું છું.
મૌન એકાદશી પર્વ
મિત્રો, ચાતુર્માસ પૂર્ણ થયા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે. આ દિવસે ત્રણ ચોવીશીના તીર્થંકરોના 150 કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે, આ દિવસે ઉપવાસ કરનારને 150 ઉપવાસનું ફળ મળે છે. આવા ઉત્તમ ફળને આપનાર આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ.
રાજા એ નેમિનાથ પ્રભુને પ્રશ્ન પૂછ્યો
એક વાર બાવીશમાં તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં સમોસર્યા. તે વખતે કૃષ્ણ મહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠા. પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી. દેશનાને અંતે શ્રી કૃષ્ણ મહારાજે પૂછ્યું કે “ભગવાન! વર્ષના ૩૬૫ દિવસમાં એવો કયો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ વ્રતાદી તપ પણ ઘણું ફળ આપે?”
નેમિનાથ પ્રભુ નો સચોટ જવાબ
જવાબમાં પ્રભુએ જણાવ્યું કે, “હે કૃષ્ણ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે. કારણકે તે દિવસે ત્રણે ચોવીસીના તીર્થંકરોના 150 કલ્યાણકો આવે છે.
તે આ પ્રમાણે :- આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં આ દિવસે
1). 18માં શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઇ હતી.
2). 21માં શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
3-4-5). 19માં શ્રી મલ્લીનાથ પ્રભુના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન એમ ત્રણ કલ્યાણકો આ જ દિવસે થયા હતા.
એમ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં કુલ પાંચ કલ્યાણકો થયાં છે.
એ પ્રમાણે કુલ પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઐરાવતક્ષેત્રોમાં પાંચ પાંચ કલ્યાણકો થયાં હોવાથી 50 કલ્યાણકો થયાં.
આ પ્રમાણે વર્તમાન ચોવીસીના 50, અતીત(ગઈ) ચોવીસીના 50 અને અનાગત(આવતી) ચોવીસીના 50 એમ કુલ 150 કલ્યાણકો આ તિથિએ થયાં છે.
માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ 150 ઉપવાસનું ફળ મળે છે. અને જે આ તપની વિધિપૂર્વક આરાધના કરે છે તેમના ફળનું તો કહેવું જ શું? આ તપ 11 વર્ષે પૂરો થાય છે. આ દિવસે મુખ્યતા મૌન જાળવવાનું હોવાથી આ દિવસ મૌન એકાદશી તરીકે ઓળખાય છે.”
મિત્રો, તો હવે થી ધ્યાન રાખજો કે મૌન એકાદશી પર તમે ધાર્મિક અભ્યાસો કરો તેમજ મૌન નો અભ્યાસ દરરોજ કરો.
Also read : દર શનિવારે ખાસ વાંચો હનુમાન ચાલીસા નો આ પાઠ