ધ્યાનનું વિજ્ઞાન
ગુજ્જુમિત્રો આજે હું આ લેખમાં તમને ધ્યાનનું વિજ્ઞાન વિષે અમુક માહિતી આપવા માંગુ છું. આજે એકમાત્ર ધ્યાન જ છે જે પૂર્ણપણે કલ્યાણકારી છે અને તેના એક પણ નુકશાનદાયી પ્રભાવ આપણાં મન અને શરીર પર નથી પડતાં. તેની કોઈ જ સાઈડ ઈફેક્ટ નથી, તેમાં કોઈ ખર્ચો નથી અને તે કોઈ મોટી કળા નથી. ધ્યાન સૌથી સરળ અને સૌથી લાભદાયી છે.
ધ્યાનનું વિજ્ઞાન એ લોકો માટે લખી રહ્યો છું જેઓ બુદ્ધિજીવી છે. જેમને મોક્ષની ઈચ્છા નથી, જેઓ બ્રહ્માંડમાં એક પરમ તત્ત્વ છે તે તો માને છે પરંતુ ધ્યાન કરવાની પ્રેરણા માટે જેમને લોજિકલ કારણો જોઈએ છે. અહીં મેં પ્રયત્ન કર્યો છે કે તમને ધ્યાનનું વિજ્ઞાન જાણીને ધ્યાન કરવાની પ્રેરણા મળે.
મનુષ્યની મૌલિક ઈચ્છા અખંડ સુખની છે. શરીરમાં અખંડ સ્વાસ્થ્ય, ઇન્દ્રિયોમાં અખંડ શક્તિ, મનમાં અખંડ આનંદ, બુદ્ધિમાં અખંડ જ્ઞાન અને અહમમાં અખંડ પ્રેમ જ સાચું અને સનાતન સુખ છે. એને જ સચ્ચિદાનંદ કહેવામાં આવે છે. અર્થાત આનંદ, શક્તિ, જ્ઞાન, શાંતિ, પ્રેમ આત્માના રૂપમાં આપની અંદર જ વિદ્યમાન છે. સંત કબીરદાસજી કહે છે:
“કસ્તુરી કુંડળ બસે, મૃગ ઢૂંઢે બન માંહી ”
સંત કબીર
એવી જ રીતે મનુષ્ય પણ પોતાની મૂળભૂત ઇચ્છાઓને પ્રાપ્ત કરી શકતો નથી, કેમ કે તે આ ઈચ્છાઓને બહાર શોધે છે. સ્વાસ્થ્ય માટે દવા, શક્તિ માટે ભોજન, આનંદ માટે ધન તથા અનુકૂળ પરિસ્થિતિ, જ્ઞાન માટે શાસ્ત્ર વગેરેનું અધ્યયન, પ્રેમ માટે સગા –સબંધીઓમાં સુખ શોધે છે, પરિણામ સ્વરૂપે પોતે પોતાનાથી જ દૂર થતો જાય છે. ક્ષણિક લાભને તે સ્થાયી લાભ માની સંતોષ માનવા મજબુર થઇ જાય છે, પરંતુ અંદર એક ખાલીપો અનુભવે છે.
જેઓ શાશ્વત સુખની ઝંખના કરે છે, તેમણે આ વાત સમજવાની જરૂર છે. આપણા મૂળ સ્રોત જેના આપણે અંશ છીએ તે આપણી અંદર આત્માના રૂપે રહે છે. જો કોઈપણ રીતે એની સાથે જોડાણ પ્રસ્થાપિત થાય તો આપણે શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તે આત્મ તત્વ સાથે જોડાવવાનું નામ ધ્યાન છે.
રાત્રે જયારે આપણે દિવસભરના કામથી થાકીને સુઈ જઈએ છીએ ત્યારે થોડા સમય માટે ઊંડી ઊંઘ ની અવસ્થા આવે છે. જયારે આપણી અંદરથી “હું” નો પૂર્ણ વિલય થાય છે. આપણે ભૂલી જઈએ છીએ કે હું કોણ છું? ક્યાં છું? કેવો છું? એટલે કે નિંદ્રાની અવસ્થામાં સંબંધ, લિંગભેદ, અવસ્થાભેદ બધું જ સમાપ્ત થઈ જાય છે.
‘હું’ ના વિલય પરિણામ સ્વરૂપે ચેતનાનો આત્મા સાથે સંપર્ક થઇ જાય છે અને આપણે આત્માના ગુણોને આંશિક રૂપે પ્રાપ્ત કરી શકીએ છે. એનું શું પ્રમાણ છે? જયારે આપણે ઊંઘીને જાગીએ છીએ ત્યારે સ્ફૂર્તિ, શક્તિ, ઉર્જા અને પ્રસન્નતાનો અનુભવ કરીએ છે, અને તરોતાજા હોઈએ છીએ.
પરંતુ થોડા સમય પછી હું, મારુંનું ચક્ર પ્રારંભ થાય છે. આ ઘટના ક્રમ થી આપણને એ વાત સમજાય છે કે જયારે આપણી ચેતનામાંથી હું નો વિલય થાય છે, તરત જ આપણે આપણા મૂળ સ્તોત્ર થી જોડાઈ ને આત્માની સાથે સંપર્ક પ્રસ્થાપિત કરીએ છીએ. આપણે હું નો વિલય કરી વૈશ્વિક ચેતના એવી ઈશ્વરીય ક્ષેત્રમાં વધુને વધુ પ્રવેશ કરી શાશ્વત સુખનો, સચ્ચિદાનંદ સ્વરૂપ નું પ્રાગટ્ય કરી શકીએ એ અભ્યાસનું નામ ધ્યાન છે.
વ્યક્તિ ચોવીસ કલાક બાહ્ય જગતમાં વિચરણ કરે છે, જ્યાં તે એક ક્ષણ માટે પણ ‘હું – મારું’ થી મુક્ત થતો નથી. એટલે ચોવીસ કલાકમાં ઓછામાં ઓછી ત્રણવાર થોડો સમય (વીસ –વીસ મિનીટ) ધ્યાન માટે આપવો જોઈએ.
ધ્યાનના નિયમિત અભ્યાસથી ‘હું’નો વિલય થતો જશે. જેટલી માત્રામાં ધ્યાનની સાધનામાં પ્રગતિ થશે એટલી માત્રામાં ઈશ્વરીય શક્તિ સાથે સંપર્ક થવા લાગશે, પરિણામ સ્વરૂપ, તમે હું અર્થાત અહંકારથી મુક્ત જીવન અખંડ આનંદ, અખંડ સ્વાસ્થ્ય, અખંડ જ્ઞાન સાથે પસાર કરી સંસારને સ્વર્ગ બનાવી શકશો.
લેખક : નીતિન