ભગવાનને આવી પ્રાર્થના ના કરો

કફનને ખાનગી ગજવું નથી

ભગવાનને પ્રાર્થના કરવી એ તો ભક્ત અને તેમની વચ્ચેનો સંવાદ છે. ભગવાનને આવી પ્રાર્થના ના કરો — આ લેખમાં હું તમને એ વાત સમજાવવા માગું છું કે ભગવાન તમારી એક-એક વાત સાંભળે છે એટલે માંગતા પહેલાં તમારા શબ્દોને ધ્યાનથી તપાસી જુઓ. મેં કુંદનિકાબેન કાપડિયા દ્વારા અનુવાદિત એક બુક વાંચેલી, એમની શબ્દ પ્રસ્તુતિ તો કંઈ ખાસ જ હોય પણ મને એમાંથી જેટલું યાદ છે એટલું અહીં મારા શબ્દોમાં મુકું છું.

યુરોપનાં એક દેશની આ વાત છે. બે યુવાન ભાઈ-બહેન, માતા-પિતા અઢળક સંપત્તિ મૂકીને સ્વર્ગવાસી થયા હતાં એટલે, મહેલ સમા મકાનમાં, કોઈપણ અભાવ વગરનું જીવન જીવતા હતાં. બન્ને વચ્ચે ખૂબ જ પ્રેમ અને ક્યારેય, કોઈપણ સંજોગોમાં એકબીજાનું ખરાબ ન ઈચ્છે. ખૂબ સંતોષ, શાંતિ, સમજણ અને સમતાથી રહેતા હતા.

એમાં બહેનને એક અતિસમાન્ય બેન્ક ક્લાર્ક સાથે પ્રેમ થયો અને લગ્ન પણ કર્યા. પરંતુ, માતા-પિતા બહુ જ ટ્રેડિશનલ અને ઉચ્ચવર્ણીય સંકુચિત માનસિકતા ધરાવતા હતા એટલે મરતી વખતે સંપત્તિને લગતો એક ક્લોઝ લખીને ગયા હતાં કે “જો આ ભાઈ-બહેનમાંથી કોઈપણ, પોતાનાથી નીચી કેટેગરીના વ્યક્તિ સાથે લગ્ન કરશે તો એણે સંપત્તિથી બે-દખલ થવું પડશે; સંપત્તિ પર એનો કોઈ અધિકાર નહીં રહે !”

બહેનને આ પણ મંજુર હતું અને ભાઈએ પણ બહેનની ખુશીને માન આપ્યું. માતા-પિતાના વિલમાં તો કોઈ ફેરફાર શક્ય નહોતો એટલે ભાઈએ પોતાનું સ્વતંત્ર વિલ કરી નાંખ્યું કે પોતે હયાત ન રહે તો તમામ સંપત્તિ પોતાની બહેનને મળે.

બહેનના પતિનો, અતિસમાન્ય એવો વન બેડ હોલ કિચનનો ફ્લેટ હતો. બહેન ખુશીથી એમાં રહેવા ગઈ. પણ, એ ફ્લેટની બારીમાંથી પેલા ભાઈનું મહેલનુમા મકાન સામે જ દેખાતું.

Prayer

બહેન પોતાના જીવનથી સંતુષ્ટ હતી. કોઈ ફરિયાદ નહોતી પણ, રોજ સવારે ઉઠીને સૌ પ્રથમ એ બારીમાંથી ભાઈનું મકાન જુએ અને મનમાં વિચાર કરે, ઈશ્વરને પ્રાર્થના કરે કે “મને પણ આવા મકાનમાં રહેવાનું મળે તો કેટલું સારું ! હે ભગવાન, મને કોઈપણ ભોગે આવું મકાન આપ.”

ભગવાને એની પ્રાર્થના સાંભળી..!!

એનો યુવાન ભાઈ કે જેને એ પોતાના જીવથી વધારે વ્હાલ કરતી હતી તે એક માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ પામ્યો! અને બહેનને મરેલા વહાલસોયા ભાઈનાં વિલ પ્રમાણે એ મહેલ રહેવા માટે વારસામાં મળ્યો..!! લાડકવાયો ભાઈ ગુમાવ્યો અને મહેલ મેળવ્યો..

એ ઈશ્વર પાસે માંગતી એ અજુગતું કે ગેરવ્યાજબી નહોતું પણ, એક શબ્દ જે એ બોલતી તે.. “કોઈપણ ભોગે” મને આ મળે.. એ ખોટો હતો. ભોગ લેવાયો..અને મળ્યું..!!!

ગુજ્જુમિત્રો, ભગવાનને આવી પ્રાર્થના ના કરો. ભગવાન પાસે હૃદયપૂર્વક જે માંગશો એ ચોક્ક્સ મળશે જ પણ, માંગતી વખતે પદ્ધતિનો ખાસ ખ્યાલ રાખવો.

ભગવાનથી માંગતી વખતે એક શબ્દ ખાસ ઉમેરવો કે મને મારી પાત્રતા મુજબ સંપૂર્ણ કલ્યાણમય રીતે જે તે વસ્તુ પ્રાપ્ત થાય.

પાત્રતા અને કલ્યાણમય રીતે આ બે શબ્દો અગત્યનાં છે. નહીંતર, ઇચ્છિત વસ્તુ મળશે તો ખરી પણ ઈશ્વરને મરજી હોય એવા “કોઈપણ ભોગે” મળશે !

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *