બીજા કોની પાસે માગું?
બીજા કોની પાસે માગું?
બહાર કાળી રાત ઊતરી
ભીતર એકલો જાગું
તારી પાસે ના માગું તો
કોની પાસે માગું ?
જેની સામે જોઉં, દેતા
લાચારીની આણ
પ્રાણવાયુને ઝંખે લોકો,
આકુળવ્યાકુળ પ્રાણ
પવનપુત્ર તું સાંભળે છે ને ?
તને પડે આ લાગુ.
તારી પાસે ના માગું તો
કોની પાસે માગું ?
જાણ તો સહુને થઇ, સંજીવની
ઔષધ રક્ષા કરશે
કિંતુ કેવળ તું જ લાવીને
પ્રભુની પીડા હરશે
મહાબલી, તને કરું પ્રાર્થના
નથી આ કોઇ ત્રાગું
તું જ કહે આ આપત્તિમાં
કોની પાસે માગું ?
સહનશક્તિની હદ વીતે છે
ભક્તિ શરણું એક
પીડાથી મુક્તિ ઝંખે છે
જીવ અહીં પ્રત્યેક
એક ભરોસો લઇ ઊભો છું
છોને યાચક લાગું
તારી પાસે ના માગું તો
બીજા કોની પાસે માગું?
Also read : જીવન માં ધક્કો વાગતા શું છલકાશે? – ચિંતન કરવા યોગ્ય પ્રેરક વિચાર