મારે બધું ઠીકઠાક છે …

Writing Poem

ગુજ્જુમિત્રો, કેમ છો? હું મજામાં છું. મારે બધું ઠીકઠાક છે … તમે કેમ છો? આજે હું તમારી સાથે આ સુંદર કવિતા શેર કરી રહી છું. મને આ કવિતાની સાદી ભાષામાં આત્મીયતા નો અહેસાસ થયો. ક્યારેક હસવું આવ્યું તો ક્યારેક વિચારવા લાગી કે આપણાં જીવનની પરિસ્થિતિ કેટલી બદલાઈ ગઈ છે. પરિવર્તનનાં આ શક્તિશાળી ચક્રમાંથી ભગવાન આપણને જલ્દીથી ઉગારે એવી પ્રાર્થના.

તમે કેમ છો? હું મજામાં છું,
હા, થોડીઘણી તકલીફ છે પણ
બાકી મારે બધું ઠીકઠાક છે..

દરવાજાની ઘંટડી મારી રીસાણી છે,
કોઈ એને અડતું નથી, રણકાવતું નથી,
એટલે અસ્પૃશ્યતાની લાગણી અનુભવે છે.
એને સારું લગાડવા હું જ બહાર જઈ
એને રણકાવી આવું છું
એને ને મને બન્ને ને સારું લાગે છે,
તમારી ઘંટડી કેમ છે?

રસોઈઘર જરા અકળાયું લાગે છે
સવારસાંજ ચૂલો સળગે છે,
એટલે ગરમ થઈ ગયું છે
સારું લગાડવા અમે ક્યારેક
દહીં-ખાખરો ખાઈ લઈએ છીએ,
એને ને મને, બન્નેને શાંતિ લાગે છે..
તમારું રસોઈઘર કેમ છે?

ઝાડુ તો રોજ વળાય છે પણ
ખૂણે રહી ગયેલો કચરો અકળાય છે
એને તરછોડ્યા ની લાગણી અનુભવાય છે..
તમારે ત્યાં એવું નથી ને?

Birds

ચકલી-કાગડા-કબૂતર લાગે છે થોડા જાડા થયા છે
બધા ઘરે ચણ ખાઈખાઈને કંટાળ્યા છે,
હવે દેખાતા નથી, ડાયટીંગ કરતા લાગે છે,
તમારે ત્યાં દેખાય છે?

કબાટના કપડા ગુસ્સે ભરાયા છે
કેટલા શોખથી વસાવ્યા,
હવે સામું જોતા ય નથી!
એવા મહેણા મારે છે
બહાર નહી કાઢો તો અંદર જ સડી જઈશું,
એવી ધમકી આપે છે
તમારા કપડા બરાબર છે ને?

રસ્તા પર હવે લોકો દેખાય છે
બુકાની બાંધેલા બહારવટિયા લાગે છે
એકમેક ને મળતા ગભરાય છે
અમે તો ઘરમાં જ છીએ,
તમે બહાર નીકળી બહારવટિયા બન્યા છો?

હું મજામાં છું.
હા, થોડીઘણી તકલીફ છે પણ
બાકી મારે બધું ઠીકઠાક છે..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *