જગપ્રસિદ્ધ તકમરિયાંનો જાદુઈ પ્રભાવ

જગપ્રસિદ્ધ તકમરિયાંનો જાદુઈ પ્રભાવ

જગપ્રસિદ્ધ તકમરિયાંનો જાદુઈ પ્રભાવ

ગુજ્જુમિત્રો, આજે હું આ લેખમાં તમને તકમરિયા વિષે વિગતમાં માહિતી આપવાની છું. શું તમને ખબર છે કે તકમરિયાં માં અનેક ઔષધીય ગુણો રહેલા છે. અને તે આજથી નહીં, હજારો વર્ષોથી ભારતના ચિકિત્સા શાસ્ત્રમાં પ્રચલિત છે. ચાલો આપણે પણ જાણીએ કે તેમાં આવું શું છે જેને કારણે આજકાલ વિદેશોમાં તકમારીયાનું ચલણ ઘણું વધવા લાગ્યું છે.

તકમરિયાં એટલે શું?

તકમરિયા ની ખોટી અને જાણીતી જોડણી છે : તખમરીયા કે તકમરીયા. એ તુલસીના કૂળની જ વનસ્પતિ Ocimum basilicum (pilosum), ડમરો કે ડમરાની જ એક જાત એવી વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ (Basil seed) કહેવામાં આવે છે.

વ્યુત્પત્તિ

તકમરિયાંનું મૂળ નામ તુખ્મેરિહાન છે. રિહાન એટલે બીજ. તુખ્મેરીહાન પરથી અપભ્રંશ તખમરિયાં અને તખમરિયાંનું અપભ્રંશ થઇને તકમરિયાં શબ્દ બન્યો છે. તકમરિયાંની પ્રકૃતિ શીતળ છે. ગરમીની મોસમમાં પેટમાં ખૂણે ખૂણે આખા શરીરને ઠંડક આપે છે. તેથી જ ઠંડક આપતાં પીણાં ફાલુદાનો તે અગત્યનો ઘટક છે.

Basil

તકમરિયાનો છોડ

તે ૦.૫ થી ૨.૫ ફૂટ ઊંચી ઊગે છે અને તુલસીને મળતી આવે છે. એનાં પાન અને ફૂલની મંજરી તુલસી જેવી જ હોય છે. એના ફૂલ ધોળાં અને ફળ કાળા થાય છે. એના આખા છોડ પર ઘણું કરીને સફેદ કે જાંબુડી છાયા લેતા રંગના નીચા નમતા વાળની રૂંવાટી હોય છે. અને એના છોડવામાંથી નીલી ચા (Lemnon-grass)ના છોડવામાંથી નીકળતી સુગંધને મળતી પણ ઘણી તીક્ષ્ણ સુગંધ નીકળતી હોય છે, જેથી એનો છોડવો તરત ઓળખાઈ આવે છે

પ્રાચીનકાળથી પ્રચલિત

એક જમાનામાં ઋષિઓ તપ કરતા હતા ત્યારે ઉનાળામાં તકમરિયાંનું પાણી સાકર સાથે પીતા હતા . કહેવાય છે કે ઝાંઝમેર ગામના રામ મંદિરમાં હિમાલયના એક સાધુએ પોતાનું ઉગ્ર તપ પ્રદર્શિત કરવા તેની ચારેકોર ગોળાકારમાં છાણા ખડકીને સળગાવ્યાં અને વચ્ચે બેસીને ‘ધૂણી ધખાવી’,પણ તપ શરૂ કરતાં પહેલાં તેઓ તુંબડું ભરીને તકમરિયાંનું પાણી સાકર સાથે પી ગયા હતા.

Basil plant

તકમરિયાંનો છોડ પણ ગુણકારી

આ છોડ તુલસીના જેવો પણ નાનો થાય છે. તેમાં ફૂલ ધોળાં અને ચાર કાળાં બીજવાળાં થાય છે. છોડવામાંથી લીંબુનાં જેવી સુગંધ નીકળે છે. જાનવરોનો તે ચારો છે. તે જંતુનાશક હોઈ ચેપી રોગચાળા વખત લોકો તેનો છોડ ઘરમાં બાંધી શકે છે. તકમરિયાંના છોડનાં પાનનો રસ વાટીને કાઢો અને તે રસ કોઈ પણ જખમ ઉપર લગાવો, તો તે ઔષધનું કામ કરે છે. તેનાં પાનનો રસ માખીનાં ઈંડાંનો નાશ કરે છે. ઝામર ઉપર કાળાં મરી તથા તકમરિયાંનાં પાનની પોટલી બાંધવાથી ફાયદો થવાનું મનાય છે.

Basil Seeds

તકમરિયાં પલાળવાની વિધિ

રાત્રે એક ગ્લાસ પાણીમાં બે ચમચી તકમરિયાં પલાળીને ૭ થી ૮ કલાક સુધી રાખો. પાણીમાં તે ભૂરા રંગનાં થઈ જાય છે. બીજે દિવસે પાણી નીતારી દો. પછી તેને સાકર સાથે અથવા ઠંડા દૂધ સાથે પી જાઓ.

ડાયાબિટીસમાં પણ ઉપયોગી

ડાયાબિટીસવાળા પણ રાત્રે પલાળેલાં તકમરિયાં સવારે મધમાં નાખીને ખાઈ શકે છે. પ્રમેહ (ડાયાબિટીસ), મરડો અને સ્ત્રીઓના પ્રદરના રોગમાં રામબાણ કુદરતી ઔષધરૂપે તકમરિયાં કામ કરે છે. કોઈ પણ આડઅસર વગરનું આ કુદરતી ઔષધ છે. ઉનાળામાં આ ગળ્યું તકમરિયાંનું મિશ્રણ પીવાથી લૂ લાગતી નથી.

વિદેશોમાં સુવિખ્યાત

યુરોપ અને અમેરિકામાં લોકોને આપણા કરતા તકમરિયાંની ‘મેડિસિનલ વેલ્યુ’ વધુ સમજાઈ છે. ગુજરાત અને રાજસ્થાનથી તકમરિયાંની વિદેશમાં ભરપૂર નિકાસ થાય છે. ત્યાં છેલ્લાં ૫૦૦૦ વર્ષથી તકમરિયાંની ખેતી થાય છે. આજકાલ યુરોપ-અમેરિકાના લોકો વધુ તકમરિયાં ભારતથી આયાત કરીને સાઈડ ઈફેક્ટ ન કરનારાં ઔષધ તરીકે અનેક રોગમાં ઔષધરૂપે રાત્રે પલાળીને સવારે ખાય છે.

નાનકડા તકમરિયાંના હજાર ગુણ

  1. તકમરિયાંમાં ઔષધીય ગુણ સાથે પોષણના પણ ગુણો છે. તેમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ છે. તેના રેષાને કારણે તકમરિયાં કબજિયાતવાળા માટે ઘરઘરાઉ દવા બને છે.
  2. બહેનોને તેમનું વજન વધે તેની ચિંતા હોય છે. તકમરિયાં આ ચિંતા દૂર કરે છે. જૈન બહેનો ઘણી ઉપવાસ પહેલાં તકમરિયાં પલાળીને પીજાય છે, તેનાથી ભૂખ ઓછી લાગે છે.
  3. સૌથી સારું મિશ્રણ તકમરિયાંનું તરબૂચ અને દાડમના રસ સાથે થાય છે. ઘણી બહેનો હરસની પીડામાં રાહત માટે ગુલકંદમાં તકમરિયાં ભેળવીને ચાર કલાક પછી ખાય છે. પરંતુ સૌએ આ અખતરો પોતાની પ્રકૃતિ પ્રમાણે કરવો.
  4. એસિડિટી અને હાર્ટબર્નમાં ઘણા લોકો હવે તુલસીના કાઢામાં તકમરિયાં અને ગોળ કે મધ નાખીને પીવે છે.
  5. ઉનાળામાં ઘણા લોકોને ભારે ખંજવાળ આવે છે. બે ઉપાય અકસીર કામ કરે છે. તાજા કોપરેલ તેલમાં રાત્રે તકમરિયાં પલાળીને ઘસવા તેમજ સવારે નાળિયેરના પાણીમાં તકમરિયાં નાખીને પી જવા.

ગુજ્જુમિત્રો, જગપ્રસિદ્ધ તકમરિયાંનો જાદુઈ પ્રભાવ અદભૂત છે. ચાલો તેનું સેવન કરીને સ્વસ્થ જીવન તરફ એક કદમ ઉઠાવીએ.

You may also like...

1 Response

  1. NITIN says:

    Really Amazing ????????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *