ભાવનગરની ગલીઓની મીઠીમીઠી યાદો

Bhavnagar

ભાવનગરની ગલીઓની મીઠીમીઠી યાદો

ગુજ્જુમિત્રો, આજે હું તમને ગુજરાતના એક અત્યંત સુંદર શહેરની મુલાકાત કરાવવા માંગું છું. તમારામાંથી જે લોકો ભાવનગર ગયા હશે તેમને માટે આ લેખ ભાવનગરની ગલીઓની મીઠીમીઠી યાદો ને તાજી કરી દેશે. ભાવનગરના માયાળુ લોકોની સરળતા અને સાદગી વિલક્ષણ છે. ભાવનગરમાં એવી ઘણી બધી વાતો છે જે અનોખી છે. તો ચાલો મારી સાથે, ભાવનગરની અનોખી દુનિયામાં!

ભાવનગર આમ તો નાનું શહેર કહેવાય અને શહેરના કોઈપણ ભાગમાં પંદર મિનિટમાં પહોંચી શકાય. અન્ય શહેરોની સરખામણીમાં ખાણીપીણીના સ્થળો જૂજ પણ જે કંઈ હતા તે લોકોને ગમતા. ભાવનગરવાસીઓ વારંવાર આ સ્થળે જતા અને મોજથી તેના સ્વાદને માણતા.

ભાવનગરની ગલીઓની મીઠીમીઠી યાદો

આજે તો ઠેર ઠેર ફૂડ ગલી ઉભી થઈ ગઈ છે અને એક જ જગ્યા ઉપર અઢળક ખાદ્ય સામગ્રી મળતી થઈ ગઈ છે. ગુજરાતીમાં તેને માટે બહુ જ ખરાબ શબ્દપ્રયોગ કરવામાં આવે છે ‘ખાઉધરા ગલી’. એ લોકોને કેમ સમજાવવું કે આ ખાઉધરાપણું નથી પણ સ્વાદના અવનવા ટેસ્ટનો અનુભવ કરવાની રીતરસમ છે. અંકરાતિયાંની જેમ કોઈ વ્યક્તિ ક્યારેય નાસ્તો કરતી નથી હોતી પણ તેની ક્ષમતા મુજબ લેતી હોય છે. વિવિધ સ્વાદનું સેવન કરવાથી જ સારા નરસા નાસ્તાની સમજ આવતી હોય છે.

ભાવનગરની ગલીઓની ખાણીપીણી

રેલવે કોલોનીમાં રહેતાં ત્યારની ખાવાની સૃષ્ટિની વાત કરીએ તો લાલ ટાંકી પાસે કોઇ પણ જાતના નામ વગરની ફાફડાની દુકાન હતી. હિમ્મતલાલના ફાફડા તરીકે ઓળખાતી. બહારના ખાવાના સાથે એ પહેલો પરિચય. દિવાળીમાં કુટુમ્બ કે મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું અને તે પણ નક્કી જ હોય. પિરછલ્લા શેરીના નાકા ઉપર આવેલ શેટ્ટી માયસૉર કાફે અને અશોકા રેસ્ટોરંટ હતા. ત્યાં જવાનું અને ઈડલી, ઉતપમ કે ઢોસાં ત્રણચાર વાટકી ગરમગરમ રસમ અને કોપરાની ચટણી સાથે પેટભર ખાવાનું.

શું તમને યાદ છે?

દિલબહારની પ્યાલી. સેંટ્રલ અને ખોડિયારનો આઈસક્રીમ. ફગનમલની ખારી શીંગ. હિમ્મતના પૂરી શાક. પી.એમ મહેતાનું કેસરવાળું દૂધ. બંદરરોડ પરની ટૉકિઝોના આગળ ના તીખાં તમતમતા બટાકા. મિલાપના રગડો પેટિસ, સેવઉસળ, દિલ્હી ચાટ, બચુભાઈનો શ્રીખંડ. અલંકારના ગરમ ફાફડા. લછુના પાંવગાંઠીયા. અશોકા અને શેટ્ટીના ઢોસાં અને ઈડલી. શક્તિ લોજની ગુજરાતી થાળી.

શોપીંગ

ખરીદી માટે આખું શહેર ઘોઘા ગેટના વિસ્તારમાં આવતું જ્યાંથી વોરાબજાર, હેરિસ રોડ, રાધનપૂરી બજાર, ગોળ બજાર, પીરછલ્લા શેરીમાં જવાનો રિવાજ હતો.ભાવનગર શહેર એટલે ઘોઘાગેટ, ખારગેટ, દાણાપીઠ, શાક માર્કેટ, સ્ટેશન રોડ, સેલારસા ચોક, અને તેની આજુબાજુમાં આવેલ નાની નાની ગલીઓની વિવિધ દુકાનો.

શોપીંગ કરતાં કરતાં ખાનપાનની મજા

આ સ્થળોએ કાયમ જવાનું મળતું નહીં પણ જ્યારે મળે ત્યારે ખારગેટ માં લીલુડીભેળ ખાવાની, સેંટ્રલનો આઈસ્ક્રીમ કે પી.એમ દૂધવાળાનું કેસરવાળું દૂધ પીવાનું. ડાહ્યા પૂના દિલાવર કે ખોડીયારની ચા પીવાની. બસ આટલો વૈભવ હતો પણ જે ખુશી થતી હતી તે અત્યારના સીસીડી, સ્ટારબક્સ, ડોમિનોઝ, મેકડોનાલ્ડ, સંકલ્પ, દક્ષિણાયન, હાઉસ ઓફ એમજી, સ્વાતિ, ઓનેસ્ટ,ટીજીબી વગેરેમાં પણ નથી.

કોલેજના મિત્રો સાથે ફાસ્ટફૂડની મજા

કોલેજમાં આવ્યા પછી મિત્રો વયસ્ક થયા અને તેમની જાણકારી સાથે નાસ્તાના નવા નવા સ્થળો ખુંદવા લાગ્યા. મિલાપ મિત્રોને ગમતું કારણકે તેના સમોસા, કચોરી, દહીંપૂરી, દિલ્હી ચાટ, ભેળપૂરી મસ્ત આવતાં. આજે પણ ઘોઘા ગેટ પાસેથી પસાર થતાં ત્યાં જવાનું મન થાઈ આવે પણ એ મિત્રો સાથે નથી હોતા એટલે મનને પાછું વાળવું પડે છે. બાજુમાં નટરાજ રેસ્ટોરન્ટમાં જયવર્ધન મહેતા કોલ્ડ કોફી પીવા લઈ જતો. કદાચ કોલ્ડ કોફી ત્યાં જ પીતા શીખ્યા એવું પણ કહી શકાય અને પંજાબી ભોજનનો આસ્વાદ પણ પ્રથમવાર ત્યાં જ માણ્યો હતો. .

કોલેજમાં હતા ત્યારે ન્યુ આર્ટસ એંડ કોમર્સ કોલેજ પાસે એક હોટલ હતી ત્યાં મિત્રો ધુમ્રપાન કરવા જતા પણ તેની સાથે સેંડવીચ, પાપડી ગાંઠીયા, ખારી બિસ્કીટ અને ચા ની જ્યાફત જામતી. અમરદીપ નામની લારી પર અચૂક ભેળ ખાવાની.

પોચા ખમણ અને રતલામી સેવ

ક્રેસંટ પાસે કંકાવટી નામના રેસ્ટોરન્ટમાં કોઈ વેલાણી અટક ધરાવતા ગૃહસ્થે શરૂ કરેલી જેના સેંડવીચ, કટલેટ અને સમોસા ખુબ લોકપ્રિય થયેલા. શાસ્ત્રીનગર પાસે શક્તિ ચવાણાની દુકાન નવી જ શરૂ થઈ હતી. પોચાં ખમણ અને રતલામી સેવનો સ્વાદ તેના લીધે જીભ પર ચઢ્યો. એ સમયે ફાફડા જલેબી પ્રખ્યાત ખરાં પણ તેનું આટલું ચલણ નહોતું. હતી. અમૂલ તો આટલું વિસ્તર્યું પણ નહોતું. ચોકલેટ એક લકઝરી હતી.

ઉનાળામાં બરફનો ગોળો

ઉનાળામાં રેલવે કોલોનીમાં ઉતમ બરફના ગોળાવાળો આવતો. વિવિધ રસમાં અને રંગમાં ગોળા બનાવતો. બોરતળાવના નાકા ઉપર એક આઈસ્ક્રીમની લારી ઊભી રહેતી હતી. સંચાનો આઈસ્ક્રીમ. અડધી ડીસમાં એક જ ગોળો આવે. ગણેલી 2-3 ફ્લેવર હોય. એની બાજુમાં ઉનાળામાં શેરડીનો રસ મળતો. એક બેઠકે અનેક ગ્લાસનો વૈભવ માણવા મળતો. ચામુંડા ટી સ્ટોલ પર ચા પીવા પણ જતા પણ એક જમાનામાં કીટલી પર બેસતા છીએ એટલી વાર નહોતાં જતાં. ટી લૉન્જ હોઈ શકે એ તો સપનામાં પણ વિચાર્યું નહોતું.

કુલ્ફી અને આઈસક્રીમ

પાંચભાઈ કુલ્ફી પણ એ જ સમયે આવી હતી. 1977માં તે સમયની જનતા પાર્ટી સરકારે કોકાકોલાને વિદાય આપી હતી. થમ્સ અપ, ફેન્ટા, રીમઝીમનો જમાનો આવ્યો. હાઈકોર્ટ રોડ ઉપર અનુપમ સોડા ફાઉન્ટેનમાં અચૂક લેમન અને વિમટો પીવા જતા. ગંગા દેરીના કોર્નર ઉપર હેવમોર આઈસ્ક્રીમનું રેસ્ટોરન્ટ હતું.હતું. કસાટા આઈસ્ક્રીમનો નો સ્વાદ ત્યાં પહેલીવાર માણ્યો હતો.

cassette recorder

કેસેટ રેકોર્ડીંગ સેંટર

મોતીબાગ રોડ ઉપર એક કેસેટ રેકોર્ડીંગ સેંટર હતું. એની બાજુમાં એ સમયે કેસેટ રેકોર્ડ કરાવવાનું ચલણ હતું. એની એક દુકાન હતી. આપણી પસંદગીના ગીતો લખી આપવાના ને સાથે ખાલી કેસેટ આપવાની. સોની, ટીડીકેનો જમાનો હતો. સોની કેસેટ 60 અને 90 મિનિટની આવતી. કેટલીક કેસેટ હજુ પણ છે. બસ એ યાદો પણ આ કેસેટની જેમ અકબંધ છે દરેક મિત્રોના મનમાં. ફરક માત્ર એટલો જ છે કે પેલી કેસેટ સાંભળવા ટેપ રેકોર્ડરની જરૂર પડે જ્યારે યાદોની કેસેટ માટે માત્ર આંખ બંધ કરીને શાંતિથી બેસવાની જરૂર છે. અને એમાં જ આખાય ભાવનગરની નાસ્તા બજાર અને શાળા-કોલેજના દિવસો જીવંત થઈ આવ્યા.

ખરેખર ગુજ્જુમિત્રો, ભાવનગર શહેર ગુજરાતની ગરિમા છે. આ પોસ્ટને તમારા સ્નેહીજનોને મોકલો અને ભાવનગરની ગલીઓની મીઠીમીઠી યાદો ને તાજી કરવા દો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *