હાલોને કીડી બાઈની જાનમાં
હાલોને કીડી બાઈની જાનમાં
કીડી બિચારી કિડલી રે
કીડી બિચારી કિડલી રે કિડીના લગનયા લેવાય.
પંખી પારેવડાને નોતર્યા,કિડીને આપ્યા સંમાન.
હાલોને કીડી બાઈની જાનમાં …
મોરલે બાંધ્યો રૂડો માંડવો,ખજૂરો પીરસે ખારેક,
ભૂંડે ગાયા રૂડા ગીતડા,કે પોપટ પીરસે પકવાન.
હાલોને કીડી બાઈની જાનમાં…
મકોડાને મોકલ્યો માળવે લેવા માળવ્યો ગોળ,
મકોડો કેડેથી પાતળો, ભાર ઉપડયો ન જાય..
હાલોને કીડી બાઈની જાનમાં…
મિનિ બાઈને મોકલ્યા ગામમા,નોતરવા કામ,
સામે મળ્યા બે કુતરા, મિનિ બાઈના કરડ્યા બે કાન.
હાલોને કીડી બાઈની જાનમાં…
ઘોડલે બાંધ્યા પગે ઘૂઘરા રે,કાકિંડે બાંધીછે કટાર,
ઊટે બાંધ્યા ગળે ઢોલકા,ગધેડો ફૂકે શહણાઈ.
હાલોને કીડી બાઈની જાનમાં…
ઉંદર મામા હાલયા રિહામણે, બેઠા દરયાને બેટ
દેડકો બેઠો બેઠો ડગમગે અરે મને કપડા પેરાવ.
હાલોને કીડી બાઈની જાનમાં…
વાહડે ચડ્યો એક વાંદરો રે,જુવે જાનુની વાટ,
આજતો જાનને લૂટવી,કે લેવા સર્વેના પ્રાણ.
હાલોને કીડી બાઈની જાનમાં…
કઈ કીડી અને કોની જાન,સંતો તમે કરજો વિચાર,
ભોજા ભગતની વિનંતી સમજો ચતુર સુજાણ.
હાલોને કીડી બાઈની જાનમાં…
Read more posts here.