સોબ્રીમેસા અને સીએસ્ટા – મજેદાર પરંપરા

સોબ્રીમેસા અને સીએસ્ટા

ગુજ્જુમિત્રો, સોબ્રીમેસા અને સીએસ્ટા – મેં હાલમાં આ બંને સુંદર શબ્દો સાંભળ્યા. તેનો ધ્વનિ મારા કાનને એટલો મધુર લાગ્યો કે તેને જાણવા વિષે મારી ઉત્સુકતા વધી ગઈ. જ્યારે મેં તેના વિષે વાંચ્યું તો તે મને એટલું બધું ગમ્યું કે મને તમારી સાથે પણ શેર કરવાની ઈચ્છા થઈ. તો આ લેખનો આનંદ માણો.

સોબ્રીમેસા અને સીએસ્ટા એ સ્પેનિશ શબ્દો છે. દરેક ભાષામાં એવા શબ્દો હોય છે જેનું સીધેસીધું ભાષાંતર કરવું મુશ્કેલ છે. આ બંને શબ્દો પણ એવા છે.

શબ્દનો અનુવાદ થઈ શકે, પણ સુખનો નહીં કારણકે આ જગતમાં ભાષા ભિન્ન હોય શકે, પણ ભાવ નહીં. આ વિશ્વ ભાષા પર નહીં, ભાવ પર ટકેલું છે. અને ભાવ યુનિવર્સલ છે. આપણી ભાષા અલગ હશે પણ સુખની અનુભૂતિ ‘સ્પેન’માં રહેલી કોઈ વ્યક્તિને પણ એવી જ થતી હોય છે, જેવી આપણને. આપણે ફક્ત ભાષાંતર કરી શકીએ છીએ, ભાવાંતર નહીં. વિશ્વની દરેક ભાષા પાસે સુખી જીવનની પોતાની એક આગવી સમજણ, જીવનશૈલી અને ફિલોસોફી છે. સુખની આવી જ એક સ્પેનીશ પરંપરા છે, સોબ્રીમેસા.

સોબ્રીમેસા

સોબ્રીમેસા એટલે શું?

સોબ્રીમેસાનો અર્થ થાય છે ‘ઓવર ધ ટેબલ’. એટલે કે જમી લીધા પછી ટેબલ પરથી તરત ઊભા થઈ જવાને બદલે, ત્યાં જ બેસીને કુટુંબીજનો કે મિત્રો સાથે ગાળેલો થોડો સમય એટલે સોબ્રીમેસા.

આ સમય દરમિયાન વાતો સિવાય કોઈપણ જાતની અન્ય પ્રવૃત્તિ કરવાની પરવાનગી નથી. ન ટીવી, ન મોબાઈલ. જેમની સાથે ભરપેટ જમ્યા છીએ, એમની જ સાથે ભરપેટ વાતો કરી લેવાની મજા એટલે સોબ્રીમેસા.

ક્યારેક છપ્પનભોગ આરોગ્યા પછી પણ આપણે અસંતુષ્ટ અને બેચેન હોઈએ છીએ. તો ક્યારેક મિત્ર સાથે પીધેલી અડધી ચા પણ આપણને નિરાંત અને પ્રસન્નતા આપી જાય છે. જમવા માટે ફક્ત હાથની નહીં, સાથની પણ જરૂર પડે છે. શું જમીએ છીએ ? એના કરતા કોની સાથે જમીએ છીએ, એ મહત્વનું છે.

સોબ્રીમેસા ‘સરળ સુખ’ છે. પેટનો ખાલીપો ભરવા માટે ટેબલ પર અનાજ અને મનનો ખાલીપો ભરવા માટે ટેબલની બીજી બાજુએ કોઈ કંપની મળી જાય, તો સુખ મેળવવા માટે જિંદગી પાસે ઓવરટાઈમ ન કરાવાય. જે ક્ષણે અને જે સ્થળે જઠર અને જીવનનો ખાલીપો ભરાય, સુખ ત્યાં જ અનુભવાય.

લંચ હોય કે ડીનર, સોબ્રીમેસા કોઈપણ ભોજન પછી કરી શકાય. કોઈપણ સ્થળે કરી શકાય. શરત બસ એટલી છે કે જેમની સાથે ભોજન શેર કર્યું, એમની સાથે મન શેર કરવાનું.

સીએસ્ટા

સીએસ્ટા એટલે શું?

જીંદગીની ભાગદોડ વચ્ચે લંચ લીધા પછી આંખોને આપેલી ‘દસ મિનિટ’ની લાંચ એટલે સીએસ્ટા, બપોરની ઊંઘ. સીએસ્ટા એટલે પાવર-નેપ. સાવ થોડી ક્ષણો માટે લીધેલી આ ઊંઘ લક્ઝરી નથી, જરૂરિયાત છે. આ દરમિયાન આપણે મન અને શરીરને ‘ચાર્જિંગ’ મોડ પર મૂકીએ છીએ. ઓફિસ હોય કે દૂકાન, કોર્પોરેટ હોય કે કન્સ્ટ્રક્શન સાઈટ. બેઠાબેઠા હોય કે લંબાવીને.

રસ્તા કે કોઈ બાંધકામની જગ્યા પર કામ કરતા શ્રમિકો આપણી કરતા આ વાત વધારે સારી રીતે સમજે છે. લંચ ટાઈમે પોતાનું બધું કામ પડતું મૂકીને, તેઓ સમૂહમાં બેસી જાય છે. ન તો એમનું ટીફીન વજનદાર હોય છે, ન તો એમની વાતો. અને તેમ છતાં એમના સુખમાં એટલું વજન હોય છે કે તેમની પાંપણો ઢળી પડે છે. આ છે સીએસ્ટા.

સીએસ્ટા દરેકના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. સુખને પામવા માટે સમય ખર્ચવા કરતા, સુખને અનુભવવા માટે સમય ખર્ચવો વધારે યોગ્ય રહેશે. ગરીબ કે મધ્યમવર્ગને પરવડી શકે, સુખ એટલું સસ્તું હોય છે. મોંઘી તો સુખ વિશેની માન્યતાઓ હોય છે.

તો ચાલો, સ્પેનિશ સંસ્કૃતિથી આ મજેદાર વાતો શીખીએ, સોબ્રીમેસા અને સીએસ્ટાને આપણાં જીવનનો એક ભાગ બનાવીએ. સોબ્રીમેસા અને સીએસ્ટાની મદદથી આપણાં સંબંધોને મજબૂત બનાવીએ, સ્વાસ્થ્યનું સુખ પામીએ.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *