ત્રણેય કાળમાં સત્ય હોય એ વાક્ય શોધવાનો રાજાનો હુકમ : ગુજરાતી વાર્તા
ત્રણેય કાળ માં સત્ય હોય એવુ વાક્ય શોધવાનો રાજા નો હુકમ : ગુજરાતી વાર્તા
બહુ જૂની આ વાત છે. એક રાજાએ એના સૌથી હોશિયાર અને શાણા દરબારીઓને એક કામ સોંપ્યું. શું હતું એ કામ ? જગતની શાણપણવાળી વાત, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ એમ દરેક સમયે સનાતન સત્ય હોય એવી વાત શોધી લાવવાનો હુકમ કર્યો, સાથે એમ પણ કહ્યું કે વાતને લેખિત સ્વરૂપમાં તૈયાર કરવી જેથી આ વર્તમાન તેમ જ ભવિષ્યની પ્રજાનેય ઉપયોગી નીવડે.
દરબારીઓ તો આ કામ પાછળ દિવસ-રાત જોયા વિના મંડી પડ્યા. છેવટે એ સફળ થયા. જગતની સૌથી શાણપણભરી વાત શોધી એને બાર ગ્રંથમાં સમાવી રાજા સમક્ષ રજૂ કરી. આ ગ્રંથ જોઈ રાજા કહે : ‘મને ખાતરી છે કે આ બધા ગ્રંથમાં એવું શાણપણભર્યું જ્ઞાન તમે સમાવ્યું છે કે આવનારી પેઢીઓ માટે એને છોડી જવાનું આપણને ગૌરવ થાય. જો કે મને ડર છે કે આટલા મોટા ગ્રંથ કોણ વાંચશે ? એટલે આ લખાણ ટૂંકાવીને રજૂ કરો.’ ફરીથી દરબારીઓએ એના પર મહેનત કરી બધા લખાણનાં સારાંશને એક જ ગ્રંથમાં સમાવી લીધો.
જો કે રાજાને એનાથીય સંતોષ ન હતો. એવડો મોટો એક ગ્રંથ પણ લોકો નહીં વાંચે એમ કહી એને હજી વધુ ટૂંકાવવા હુકમ કર્યો. શાણા દરબારીઓએ ગ્રંથને ટૂંકાવીને એક પ્રકરણ તૈયાર કર્યું. રાજા કહે કે એને પણ ટૂંકાવો. આથી એમાંથી એક પાનું, પછી એક ફકરો અને છેવટે એક વાક્ય તૈયાર કરી રાજા પાસે રજૂ કર્યું.રાજાએ આ વાક્ય જોયું અને ખુશીથી ઝૂમી ઊઠ્યો. એ કહે : ‘વાહ ! જગતની સૌથી શાણપણભરી આ વાત છે. આ સત્યને લોકો જેટલું ઝડપથી સમજશે એટલી ઝડપથી આપણી બધી સમસ્યા ઉકેલાઈ જશે.’
શાણપણભર્યું આ સત્ય શું છે ?
‘કશું કદી મફત મળતું નથી.’ અર્થાત ‘નો ફ્રી લંચ !’
આ એક એવું શાશ્વત સત્ય છે જેને કદી કાળનું બંધન નડ્યું નથી. ભૂતકાળમાં આ વાત જેટલી સાચી હતી એટલી જ સત્ય અત્યારે પણ છે અને ભવિષ્યમાંય આમાં ફેર પડવાનો કોઈ અવકાશ નથી.
~ રાજુ અંધેરીયા
Also read : માતા પિતાના આશીર્વાદ કે કોઈ જાદુઈ છડી : ગુજરાતી લોક વાર્તા