પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતા દરેક બાળક ના માબાપે આટલું જરૂર કરવું
પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતા દરેક બાળક ના માબાપે આટલું જરૂર કરવું
જો તમારા બાળકો ધોરણ ૧ થી ૫ માં ભણતા હોય તો..
૧) રોજ રાત્રે સૂતી વખત ઘડિયા બોલાવો
બાળકોનું ગણિત કાચું હોવાનું મુખ્ય કારણ એ છે કે આપણા બાળકોને સારી રીતે ઘડિયા આવડતા જ નથી. કેટલાક વર્ષો પહેલા શાળાની અંદર સરેઆમ ઘડિયા બોલાવવામાં આવતા હતા. આજે ઘડિયા મોઢે કરવાના સમયને, સમયનો બગાડ માનવામાં આવે છે. આથી બાળકના સારા શિક્ષણ માટે બાળકને રાત્રે સૂતી વખતે એકા થી વિસ્સા સુધીના ઘડિયા ફરજિયાત બોલાવવા. જો તમારા બાળકને એકાથી વીસા ઘડીયા નથી આવડતા તો તેના માટે શિક્ષક નહિ પરંતુ માતા-પિતા જવાબદાર છે.
૨) પુસ્તકાલયમાંથી બાળવાર્તાનું પુસ્તક લાવો
પુસ્તકાલયમાંથી બાળવાર્તાનું પુસ્તક લાવી એમાંથી એક વાર્તા તમારા બાળકને સૂતી વખતે વાંચીને સંભળાવો. બાળકને મોઢે વાર્તા પણ કહી શકાય છે. પરંતુ કોઈ વ્યક્તિને 365 દિવસ માટેની 365 વાર્તાઓ મોઢે ના આવડતી હોય. માટે પુસ્તકાલય માંથી બાળવાર્તાઓનું પુસ્તક લાવીને એમાંથી રોજ એક વાર્તા વાંચીને સંભળાવવી. બાળકને વાર્તા વાંચીને સંભળાવો કે મોઢેથી કહીને સંભળાવો, બાળકને ઝાઝો ફેર પડતો નથી. પરંતુ વાંચીને સંભળાવવામાં આવે તો બાળકને નવા અને અઘરા શબ્દો પણ સાંભળવા મળે છે. જો તમે એને વાર્તા મોંઢે કહો છો, તો એને અઘરા શબ્દો સાંભળવાની તકો ઘણી ઘટી જાય છે.
૩) બાળકની પાસે રોજ સુલેખન કરાવવું.
સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકની પાસે રોજ સુલેખન કરાવવું. અને એ માટે રોજ ગુજરાતી,હિન્દી અને અંગ્રેજીમાં એક એક ફકરો લખાવવો.
૪) બાળકની પાસે રોજ સુવાચન કરાવો.
બાળકની પાસે રોજ સુવાચન કરાવો. અને એના માટે રોજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં એક એક ફકરો વંચાવવો.
૫) રોજ બાળકને પાંચ સ્પેલિંગ મોઢે કરવા આપો.
૬) ગુજરાતના, ભારતના કે દુનિયાના નકશા ઘરમાં રાખવા. દરેક નકશામાં દસ-પંદર સ્થળો પૂરીને આપી દેવા. એમાં જોઈ જોઈને બીજા કોરા નકશા પૂરવાનું કહેવું. બાળકે રોજ એક નકશો પુરવો. આ પ્રમાણે કરવાથી નાનપણથી બાળકને નકશા અંગેની સમજ પડતી થઇ જાય છે.
૭) રોજ બાળકને એક બાળગીત સંભળાવો.
૮) બાળકને રોજ એક ચિત્ર દોરવાનું કહો.
૯) બાળકને મોઢે સરવાળા અને બાદબાકી પૂછવા.
એ માટે હાથની આંગળીઓનો ઉપયોગ કરવો. એનાથી બાળક ઝડપથી સરવાળા અને બાદબાકી કરતા શીખી જાય છે. સાથે સાથે ગણિતમાં આત્મવિશ્વાસ પણ વધી જશે.
બાળકનો પાયો પાકો કરવા માટે આટલા પગલા અત્યંત જરૂરી છે. આ તમામ પગલા માટે બાળકને કોઈ જગ્યાએ ટ્યુશન મોકલવાની જરૂર નથી. આ તમામ પગલાઓ વાલીએ પોતે બાળકને કરાવવાના છે. આ માટે તમારે મામૂલી સમય ફાળવવો પડે છે. અમુક બાબતોમાં સમય પણ ફાળવવાની જરૂર પડતી નથી. માત્ર નિયમિતતા અને નિષ્ઠાની જરૂર છે. આટલું કરવાથી આપના બાળકનો પાયો ખૂબ જ પાકો થશે. ત્યાર બાદ બાળક સ્કૂલમાં કે ટ્યુશનમાં ભણશે તો પણ એ સારું ભણી શકશે.
જો બાળકનો પાયો પાકો નહીં હોય તો સ્કૂલમાં કે ટ્યુશનમાં મોકલવા છતાં પણ કોઈ જાતનો ફરક પડશે નહીં..
~ કર્દમ ર. મોદી