Schizophrenia (સ્કીઝોફ્રેનિયા) રોગ વિષે ટૂંકમાં જાણકારી
Schizophrenia (સ્કીઝોફ્રેનિયા) રોગ વિષે ટૂંકમાં જાણકારી
24 મે પર દુનિયાભરમાં વિશ્વ સ્કીઝોફ્રેનીઆ દિવસ મનાવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે Schizophrenia (સ્કીઝોફ્રેનિયા) રોગ છે શું?
Schizophrenia (સ્કીઝોફ્રેનિયા) રોગ વિષે જાણકારી
આ એક ગંભીર માનસિક રોગ છે.સામાન્ય રીતે જેને લોકો સૂગથી ગાંડપણ કહે છે એનું અંગ્રેજી નામ સ્કીઝોફ્રેનિયા છે. આ રોગ સામાન્ય રીતે કિશોર અવસ્થામાં શરૂ થાય છે. સ્ત્રી અને પુરુષોમાં એક સરખા પ્રમાણમાં આ રોગ થાય છે. વસ્તીના 1 ટકા લોકોને એમના જીવનકાળ દરમિયાન સ્કીઝોફ્રેનિયા થાય છે. આ રોગમાં દર્દી પોતાને કોઈ અલગ વ્યક્તિત્વ માનવા લાગે છે. ઉદાહરણ તરીકે દર્દીને લાગે છે કે તે બહુ જ અમીર બિઝનેસમેન છે અથવા તે કોઈ ફિલ્મનો મોટો હીરો છે. અથવા તેને ભ્રમ થાય છે કે કોઈ સતત તેને મારવાની કોશિશ કરી રહ્યું છે. અથવા વહેમ થાય છે કે કોઈ એક વ્યક્તિ તમારા પ્રેમમાં પાગલ છે. આ માન્યતાને આધારે તે પોતાનું વર્તન બદલતો રહે છે અને આ ભ્રમને જ તે હકીકત માને છે.
Schizophrenia (સ્કીઝોફ્રેનિયા) ના લક્ષણો
શરૂઆત ઓચિંતી કે ધીરે ધીરે થાય છે. મોટાભાગના લોકોની તકલીફ લાંબો સમય,ઘણીવાર જીવનભર ચાલે છે. આ રોગ વારસાગત હોઈ શકે, આધુનિક તબીબી સંશોધનો મુજબ મગજમાં જીવરસાયનોના ફેરફારથી આ રોગ થાય છે. આથી મુખ્ય ઈલાજ દવાઓ છે. વિવિધ પ્રકારની દવાઓ રોગનાં લક્ષણો કાબૂમાં લાવી શકે છે, દરદી પરિવાર સાથે રહી શકે છે, કામધંધો કરી શકે છે, સાધારણ જીવન ગુજરી શકે છે.
ઈલાજ કરવો જરૂરી છે
મોટે ભાગે આ રોગથી પીડાતા લોકો પોતાને કોઈ તકલીફ છે એ સમજી શકતા નથી, સારવાર લેવાની ના પડે છે.આ સારવારમાં મુશ્કેલી ઉભી કરે છે. માનસિક રોગ અંગેના છોછને લીધે ઘણીવાર પરિવાર સમસ્યા છૂપાવે છે કે દરદીને ઇલાજ કરાવવા લઇ જતા નથી. આ પણ ઈલાજ આડે આવતી અગત્યની સમસ્યા છે.
સારવાર ના કરવામાં આવે તો
જો સારવાર ન કરાવવામાં આવે તો વ્યક્તિને તમાકુ, દારૂ કે બીજા માદક પદાર્થોનું સેવન, ડિપ્રેશન, આત્મહત્યા, સામાજિક સમસ્યાઓ જેમકે છૂટાછેડા, વ્યવસાયિક સમસ્યા દા.ત.કામકાજ ન કરી શકવું, નોકરી ધંધો ગુમાવવાં કે અભ્યાસ પડતો મૂકવો વગેરે સમસ્યાઓ થઈ શકે છે.
અંધશ્રદ્ધા માં ન માનો
ઘણી વાર લોકો એમ સમજે છે કે આ તકલીફ કોઈ કાળા જાદુ, દેવીદેવતાઓના કોપ, ગ્રહોની ખરાબ દશા, પૂર્વજન્મનાં પાપ વગેરે કારણે છે આથી તેઓ ભૂવા, મંત્ર તંત્ર કરનારા, જ્યોતિષીઓ, મંદિર દરગાહોમાં જાય છે. આને લીધે ઈલાજ કરવામાં મોડું થાય છે અને રોગ લાંબા ગાળાનો, મટાડવો મુશ્કેલ કે અશક્ય બની જાય છે.