નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું!
નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું!
થયો હું પૂર્ણ જ્ઞાની – ત્યારે, સાચું મુજને જ્ઞાન આવ્યું –
નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું !
અધૂરો રહી ગયો હું, પૂર્ણ થાવાની ઉતાવળમાં,
મૂકેલું ધોધ નીચે પાત્ર જોતા, મુજને ધ્યાન આવ્યું .
હતાં, સંજોગ તો સરખા; ભલે કારણ હતાં જુદા –
મને આડું સ્વમાન આવ્યું, તને આડું ગુમાન આવ્યું ?
સફર થઈ ગઈ પૂરી જીવનની કેવળ બે મુકામોમાં;
પ્રથમ તારું મકાન આવ્યું, પછી સીધું મશાન આવ્યું.
ચરમ સીમા હતી ‘કાયમ’, એ મારી કમનસીબીની
જીવનના અંત ટાણે રોગનું સાચું નિદાન આવ્યું !❜❜
- કાયમ હજારી