એક ડૉક્ટરની પ્રભુને પ્રેમભરી પ્રાર્થના
એક ડૉક્ટરની પ્રભુને પ્રેમભરી પ્રાર્થના
તુજ સર્જનહાર, સર્જન બનાવ્યો છે તેં મને.
સૌ નીરોગી થાય, તેવી જશરેખા પ્રભુ દેજે મને
દવા સાથે દુઆ તારી, સદા મને મળતી રહે,
દવાખાનું મંદિર જેવું, પ્રભુ સદા તેમાં તું વસતો રહેજે.
તારો પ્રતિનિધિ બનાવી ધરા ૫૨ મોકલ્યો છે તેં મને.
આદેશ તારો સ્વીકારીને ચાલીશ તારા બતાવેલ પંથે.
જોઈ દુ:ખી કે દર્દીને, હમદર્દ બની જાઉં પ્રભુ.
એવું હ્રદય મારું પ્રભુ! માનવતાથી છલકાવી દેજે.
શ્રદ્ધા છે, તારામાં તો તું ક્ષણ-ક્ષણ કણ-કણમાં મળે.
દુઃખીની આંખોનાં આંસુમાં – પ્રતિબિંબ તારું જોવા મળે.
પ્રભુ! દોરી ન જતો, ક્યારેય મને માન કે અભિમાનમાં.
જોઈ ગરીબને, અંતર પીગળી આંસુ બની ટપકી પડે.
ધર્મમાં શ્રદ્ધાનું મનોબળ એવું આપજે પ્રભુ મને.
બની નમ્ર માનવસેવા કરું, ધન્ય જીવન મારું બને.
ઈશ્વરના ચરણે ઝૂકીને, હવે તારું ઋણ ચૂકવવું છે.
કર્તા તું તારણહાર, નિમિત્ત બનાવ્યો છે તેં મને.
ઘણી મોટી ભેટ આપી, ડૉક્ટર બનાવી જીવન જીવવા માટે.
વરસી પડું હું વાદળ બનીને, બીજાને ઠંડક આપવા માટે.
માનવસેવા એ જ પ્રભુસેવા છે, સૌ ધર્મમાં…
પછી ભલે હજારો મંદિર હોય, તારી પ્રાર્થના કરવા માટે.
– બટુકભાઈ સી. બોટાદરા