બીજા ના જીવનમાં ડોકિયું કરવું : ક્યારેક સારું, ક્યારેક ખરાબ
બીજા ના જીવનમાં ડોકિયું કરવું : ક્યારેક સારું, ક્યારેક ખરાબ
ડોકિયુ એટલે નિરિક્ષણ. સંસારમાં અત્ર-તત્ર અને સર્વત્ર નિરિક્ષણ થતું રહે છે. ઘરના આંગણે રોટલીની અપેક્ષાએ આવેલો કૂતરો યજમાન પાસેથી રોટલીની અપેક્ષા રાખે અને તેને ઘરમાંથી વધેલી રોટલી મળે પણ ખરી. રોટલી ખાવાની શરુઆત કરે એટલામાં તો બીજો કૂતરો તે યજમાન પાસે આવીને ઊભો રહે, યજમાન તેને પણ બચેલી રોટલી આપે. હવે ઘટના એ બને છે કે પહેલા કૂતરાને જે રોટલી મળી છે તેનો સંતોષ કે સુખ હશે કે નહીં તેની ખબર નથી પરંતું, બીજાને મળેલી રોટલી તેનાથી સહન થતી નથી અને પોતાની શક્તિનો પ્રભાવ બીજા કૂતરા ઉપર રાખવાનો પ્રયાસ કરે છે. તેને સફળતા મળે છે બીજા કૂતરાને ત્યાંથી દોડાવી મૂકવા માટે!
સફળતા તેના શરણે છે હવે બીજી રોટલી તેવી સ્થિતિમાં પડી રહે છે. પહેલો કૂતરો પોતાને જ મળેલી રોટલીથી પેટ ભરાઇ જાય છે અને ત્યાંથી જતો રહે છે. બીજા કૂતરાને મળેલી રોટલી તેવી સ્થિતિમાં રહી જાય છે, શું સમજવું?
સંસારના મનુષ્ય જીવોની સ્થિતિ પણ કંઇક આવી જ છે. પોતાને મળેલા સુખ પર્યાપ્ત હોવા છતાં પણ તેને વામણાં લાગે છે, કારણ તેને બીજાને મળેલા સુખમાં ડોકિયું કરવાની આદત તેને તેના સુખથી સવાયા લાગતાં, પોતાનું પર્યાપ્ત સુવિધાઓથી ભરપૂર સુખ હવે દુઃખમાં પરિવર્તન થઇ જાય છે. સામેવાળાનું ચડિયાતું સુખ તેના મહાદુઃખોનું કારણ બને છે.
તેણે જીવનમાં સંઘર્ષ કરનાર મનુષ્યના જીવનમાં ડોકિયું કર્યું હોત તો અવશ્ય તેને પોતાનું સુખ સવાયુ લાગ્યું હોત! બહેનો સુંદર મજાની સાડીઓ પતિ પરમેશ્વરને આગ્રહ સાથે ખરીદી લાવે. પતિ પણ કહ્યાગરો હોવાથી ક્ષણિક શાતા મળી રહે તે માટે પત્ની માટે થોડાંક રુપિયાનું દુઃખ વહોરી લે. તેને મળેલું થોડું દુઃખ પણ શાતાપૂર્વક સુખમાં પરિવર્તન પામે છે.
હવે આશ્ચર્યજનક ઘટના એ બને છે કે, કોઇક કુટુંબીજનના લગ્ન પ્રસંગે જવાના યોગ થાય છે. ત્યાં આ બહેને પસંદ કરેલી વેશભૂષા પહેરીને સજ્જ થઇને પ્રસંગમાં શોભા બનવા જાય છે. કેમકે, લગ્ન પ્રસંગની આમંત્રણ પત્રિકામાં લખ્યું હતું કે, ‘આપનું આગમન અમારા પ્રસંગની શોભા બનશે!’
હવે બહેને વિચાર્યું કે ચાર બહેનો મારી વેશભૂષા જોઇને ક્યાંથી ખરીદી? અને કેટલા રુપિયામાં ખરીદી? તેવા પ્રશ્નો થશે. પરંતું, બહેન લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત થતાં બીજા બહેનની ચડિયાતી સાડી જોઇ ઝાંખા પડી જાય છે. ચહેરાનું તેજ સૂર્યાસ્તમાં પરિવર્તન થઇ જાય છે. તેને પતિ પરમેશ્વરે તહત્તિ કહી ખરીદવા આપેલી સાડી તેને સુખ આપવામાં અસફળ થાય છે.
જીવનમાં એક નિયમ છે સુખી થવા માટે ક્યારેય કોઇના જીવનમાં ડોકિયું ન કરવું, ક્યારેય પોતાની સરખામણી બીજા સાથે ક્યારેય ન કરવી. કુદરતે તમને અજોડ બનાવ્યો છે, તમારા જેવી શૈલી બીજા કોઇની પાસે નથી. તમારી પાસે જે છે તેમાં તમે ખુશ રહો અને આનંદમાં રહો. તમને જે મળ્યું છે તે પણ પર્યાપ્ત છે, સંતોષમાં રહો. સુખ તમારા આંગણામાં છે તમારે તેને શોધવાની જરુરત જ નથી.
આ પણ વાંચો : વિચારવા જેવી વાત : વૃદ્ધ થતા આવડે છે કે માત્ર ઘરડા થયા છો?