દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું
દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું
દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું,
સ્મરણમાં રાખવાનું કામ કંઈ સહેલું નથી હોતું!
દિલાસાના શબદ સઘળા અસરને ખોઈ બેઠા છે,
નયન જળ રોકવાનું કામ કંઈ સહેલું નથી હોતું.
પડે દીવાલ જો, આખી ચણી હું એક ચપટીમાં,
તિરાડો પૂરવાનું કામ કંઈ સહેલું નથી હોતું.
અમે તો જન્મ દેનારા, સવાલો પર સવાલોને,
ઉકેલો લાવવાનું કામ કંઈ સહેલું નથી હોતું !
સુગંધો મોકલી ફૂલો ગજબની ચાલ ચાલ્યા છે,
હવા ને ચૂમવાનું કામ કંઈ સહેલું નથી હોતું !
જુઓ મારી હથેળીમાં ઊગ્યું તે સર્વ મારું છે,
મળ્યું તે છોડવાનું કામ કંઈ સહેલું નથી હોતું !
પતંગોની હકીકતથી નથી વાકેફ તું સહેજે ,
બુલંદી પામવાનું કામ કંઈ સહેલું નથી હોતું !❜❜
- આબિદ ભટ્ટ
Also read : ગુજરાત ના સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ કેસર કેરી નો ઇતિહાસ