ગુજરાત ના સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ કેસર કેરી નો ઇતિહાસ

કેસર કેરી

સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ કેસર કેરી નો ઇતિહાસ

અને લોકો કેટલા આશાવાદી છે કે આજે સવારે કેરીનો વેપાર કરતા શ્રી પટ્ટણીભાઈનો ફોન આવ્યો કે વીસ તારીખથી જુનાગઢની કેસર કેરીનું વેચાણ કરી રહ્યા છીએ. તમારે નોંધાવાની છે ? મનમાં તરત જ કેસર કેરીનો કેસરી અને પીળો રંગ એકદમ ઝળુંબી ગયા. એક સરખું ફળ અને મદમસ્ત સોડમ. બે એક મહીના માંડ કેરી ખાવા મળતી હોય છે અને આખું ગુજરાત અને મુંબઈ તેના પર ઓળઘોળ થઈ પાગલ થઈ જતું હોય છે.

સાલેભાઈની આંબડી

કુદરતી રીતે જ કેસર કેરીનો સ્વાદ અને સુગંધ એવા ધમાકેદાર હોય છે કે લોકો એને જ પસંદ કરતા હોય છે. જુનાગઢના નવાબી કાળમાં કેસર કેરીનું મંડાણ થયું હતું તે કેસર કેરી આજે લોકોની દાઢે વળગી છે.
જૂનાગઢના નવાબ મહોબત ખાન – બીજાના વખતમાં ‘સાલેભાઈની આંબડી’ તરીકે ઓળખાતી કેરી મહોબતખાન -ત્રીજાના વખતમાં કેવી રીતે ‘કેસર’બની એની વાત પણ કેસર જેવી જ રસાળ છે. કેસર કેરીનાં મૂળ એટલે કે કલમો નવાબી કાળમાં નખાયાં હતાં. લગભગ 170 વર્ષ પહેલાં એટલે 1850ના દાયકાથી કેસર કેરીનું વાવેતર અને વિકાસ સોરઠમાં થયું હતું.

નવાબે તેના દરબારીઓ સાથે કેરીનો સ્વાદ માણ્યો

1851 થી 1882 સુધી જૂનાગઢમાં નવાબ મહાબતખાન – બીજાનું શાસન હતું.એ વખતે સાલેભાઈ નામના એક ખેડૂત માંગરોળ વિસ્તારમાં હતા. તેમણે પોતાના બગીચામાં મોટા કદની કેરીઓ જોઈ.આ કેરીઓ રાબેતા મુજબની કેરી કરતાં ખાસ્સી અલગ હતી. આ વિશિષ્ટ કેરી પાકીને ઝાડ પરથી નીચે પડી ત્યારે સાલેભાઈએ તેનો સ્વાદ ચાખ્યો. સાલેભાઈને એ કેરીનો સ્વાદ અન્ય કેરીના સ્વાદ કરતાં વધુ બહેતર લાગ્યો. તેમણે એ કેરી નવાબ મહાબતખાન બીજાને ભેટમાં આપી. નવાબે તેના દરબારીઓ સાથે કેરીનો સ્વાદ માણ્યો. નવાબને તે કેરી અત્યંત મધુર, સોડમદાર અને રેસા વગરની લાગી. સ્વાદ-સુગંધમાં આ કેરી અન્ય કેરીઓ કરતાં ચઢિયાતી હતી. એ કેરીને સૌ પ્રથમ જૂનાગઢના નવાબ મહાબતખાન – બીજા દ્વારા સરાહના મળી હતી.તેમણે એ કેરીને ‘સાલેભાઈની આંબડી ‘નામ આપ્યું હતું. નવાબને કેરી પસંદ પડી એટલે તેની કલમો મંગાવી અને જૂનાગઢમાં રોપાવી.

કેરી

કેસર કેરી નો સ્વાદ મશહૂર થઈ ગયો

1887થી 1909 દરમ્યાન જૂનાગઢના દીવાન હરપ્રસાદ ઉદયશંકર દેસાઈએ માંગરોળ અને ચોરવાડના વિસ્તારોમાં સાલેભાઈની આંબડીનું વાવેતર કર્યું હતું. ટૂંકમાં, નવાબ મહાબતખાન – બીજાના સમયમાં જ કેસર કેરીનો સ્વાદ મશહૂર થઈ ગયો હતો. એ વખતે તે ‘કેસર’ તરીકે નહીં પણ ‘સાલેભાઈની આંબડી’ તરીકે જ પ્રચલિત હતી.

કેરીનો કેસરી રંગ તેમજ લહેજતદાર સ્વાદ

મહાબત ખાન – બીજાના વખતમાં મશહુર થયેલી સાલેભાઈની આંબડીની સોડમ મહાબત ખાન-ત્રીજાના વખતમાં વધુ વિસ્તરી. નવાબ મહાબતખાન-ત્રીજાના સમયગાળામાં એટલે કે 1920થી 1947 દરમ્યાન એ.એસ.કે. આયંગર જૂનાગઢ સ્ટેટના ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ હતા.તેમણે ‘સાલેભાઈની આંબડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કર્યો. તેના કદ, રસ, સુગંધમાં થતાં ફેરફાર નોંધ્યા. કેરીના કેસરીયાળા ગરને ધ્યાનમાં રાખીને તેમણે સાલેભાઈની આંબડીને ‘કેસર’ નામ આપ્યું. કેરીનો કેસરી રંગ તેમજ લહેજતદાર સ્વાદને ધ્યાનમાં રાખીને તેને ‘કેસર’ નામ આપ્યું હતું.

ગિરનારની તળેટીમાં દુધેશ્વર ખાતેના આંબાવન

તેમણે કેસરની વિવિધ જાતોને ગિરનારની તળેટીમાં દુધેશ્વર ખાતેના આંબાવનમાં ઉછેરી. જૂનાગઢના સક્કરબાગ અને લાલઘોરી બગીચામાં પણ તેમણે કેસરની કલમો ઉછેરી. તેમણે ઉછેરેલી કેસરની વિવિધ જાતો કાઠિયાવાડના વિવિધ રજવાડાઓને પણ પસંદ પડી. એ પછી કાઠિયાવાડમાં વિવિધ રજવાડાઓએ પણ કેસરની જાતોનું વાવેતર કર્યું હતું. 15 મે પછી તમે ગીરની કેસર કેરી ખાશો તો એના ગરનો રંગ કેસરી હશે અને તેની સુગંધ મઘમઘતી હશે.

કેસરનુ ઉત્પાદન

કેસર એ સૌરાષ્ટ્રના સમુદ્રકિનારાથી 60 કીમી અંદરના ભાગમાં ઘેડ, માધવપુરથી શીલ, માંગરોળ, ચોરવાડથી ઉના, દેલવાડા, તાલાળા, વિસાવદર, મેંદરડા સુધી પથરાળી જમીનમાં અને કિનારાની ઠંડકવાળી જમીનમાં વિસ્તરેલી છે .અમરેલીના ખાંભા અને ધારી વિસ્તારમાં પણ કેસરના આંબા ફેલાયેલા છે. હવે કેસરનુ ઉત્પાદન જૂનાગઢ સિવાય દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ મોટા પ્રમાણમાં અને ઉચ્ચ ગુણવતા વાળુ થાય છે.

Juice

કેસરને ઉત્તમ કેરીનુ પ્રમાણપત્ર

જુના સૌરાષ્ટ્ર રાજ્યના સમયમાં 1955ના વર્ષમાં મુંબઇ ખાતે યોજાયેલ કેરી પ્રદર્શનમાં જુનાગઢની કેસરને રજૂ કરવામાં આવી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે કાપીને ખાવાલાયક વિભાગમાં કેસરને ઉત્તમ કેરીનુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો જે હાલ જૂનાગઢ બાગાયત ખાતાની કચેરીમાં રખાયેલો છે.

આયુર્વેદિક શાસ્ત્ર અનુસાર કેરીનાં પાંચ અંગ

આયુર્વેદિક શાસ્ત્ર અનુસાર કેરીનાં પાંચ અંગ અત્યંત ઉપયોગી છે.આંબાના વૃક્ષની છાલનો અર્ક પ્રદર તથા આંતરડાના રક્તસ્ત્રાવને રોકવા સમર્થ છે.આંબાના વૃક્ષનાં મૂળ તથા પાન, વાત-પિત્ત- કફનાશક છે. આંબાનાં કૂણાં પાનને આખી રાત પાણીમાં પલાળી, સવારે તેને એજ પાણીમાં પીસીને પીવાથી ડાયાબીટીસમાં રાહત થાય છે. આંબાનો મોર શીતલ,વાતકારક, મલરોધક,પાચન અગ્નિદીપક હોવાથી તેનું ચૂર્ણ, અતિસાર તથા સંગ્રહણી જેવા રોગ માટે અકસીર દવા છે.કાચી કેરીનું સેવન મૂત્રવ્યાધિ તથા યોનિરોગમાં કામ આવે છે.

કેરી ના ફાયદા

આ ઉપરાંત ઉનાળાના આકરા તાપમાં બહાર ફરનારને, કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી. પાકી કેરીનું સેવન પણ વીર્યવર્ધક,પ્રમેહનાશક, શ્વાસ,પથરી,અમ્લપિત્ત, યકૃતવૃદ્ધિ, ક્ષય રોગ તથા લોહીના રોગોમાં અત્યંત ઉપયોગી થાય છે.ફક્ત કાચી-પાકી કેરી જ નહીં,”આમ કે આમ ગુટલીયોં કે ભી દામ..!” કહેવત અનુસાર,ઉનાળાની આકરી ગરમીને કારણે જ્યારે નસકોરી ફૂટે ત્યારે, કેરીની ગોટલીના રસનાં માત્ર બે ટીપાં નાકમાં નાંખવામાં આવે અથવા તો તેનું ચૂર્ણ સૂંઘવામાં આવે તો તરતજ નાકમાંથી લોહી વહેતું બંધ થઈ જાય છે. ગોટલીનું ચૂર્ણ પીસીને તેનો લેપ નાભિ(દૂંટી)ની આસપાસ લગાવવાથી અતિસારમાં રાહત થાય છે. આંબાના અન્ય ઉપયોગોમાં, આંબાના ઝાડની તાજી શાખામાંથી કલમ બનાવી, કલમી આંબાના નવા રોપા તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં, આંબાના ઝાડનું દળદાર મજબૂત લાકડું ફર્નિચર બનાવવામાં કામ આવે છે.

આંબો

કેરીને વહાલથી ઇંદ્રાસ ની ફળ નું ઉપનામ આપેલ છે

આમ તો, આપણી જીભ દ્વારા ઓળખવામાં આવતા સ્વાદ જેમકે, ખારો, ખાટો, મીઠો, કડવો, મોળો તથા તીખો એમ કુલ છ પ્રકારના રસને ષડરસ કહેવાય છે. આયુર્વેદમાં પણ મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય એમ કરીને કુલ છ રસનો ઉલ્લેખ છે. હવે કેરીને જો તમામ ફળોનો રાજા કહેવાતો હોય તો તેનું સચોટ કારણ એ છે કે, આંબાના વૃક્ષ પર મોર (ફૂલોનાં ઝૂમખાં.) બેસે ત્યારથી લઈને, કેરી પાકીને તૈયાર થાય ત્યાંસુધીમાં ઉપર વર્ણન કરેલા તમામ છ રસ તેમાં વિવિધ તબક્કે અનુભવાય છે.આપણાં શાસ્ત્રોમાં તો કેરીને વહાલથી, ઇન્દ્રાસની ફળનું ઉપનામ આપેલ છે, જેનો સરળ અર્થ થાય છે, વર્ણન કરી ન શકાય તેવો અદ્ભુત અનુભવ અથવા इंद्रियानुभूत ज्ञान, બોલો, કોઈ કેરી-રસિયા જીવ હવે એમ કહી શકશે કે, આપણાં શાસ્ત્રકથન ખોટાં છે? જોકે, આ તમામ ખટરસનો સ્વાદ માણવાઆમ ફળપરત્વેખાસ પ્રેમ` હોવો અત્યંત જરૂરી છે

અતિ સર્વત્ર્ય વર્જયેત

કેરીમાં આટલા બધા ગૂણ હોવા છતાં,અતિ સર્વત્ર્ય વર્જયેત તે ન્યાયે, જેમને ડાયાબિટીસ ની તકલીફ હોય તેમણે કેરીમાં શર્કરા હોવાથી તેના સેવનમાં અવશ્ય કાળજી રાખવી જોઈએ. ઉપરાંત, જેમને મેદસ્વીપણું હોય તેઓને હૉર્મૉનનું બેલેન્સ બગડવાની પૂરી સંભાવના હોય છે. ઘણાની પ્રકૃતિને માફક ન આવે તો મોં આવી જાય છે.

Mango fruit

સંસ્કૃત શબ્દ આમ્ર પરથી હીન્દીમાં આમ

સંસ્કૃત શબ્દ આમ્ર પરથી હીન્દીમાં આમ=કેરી શબ્દ ઉદ્ભવ્યો છે. આ આમ શબ્દની સાથે હીન્દી શબ્દ આમદ= આગમન તથા તેની સાથે આમદાની=આવક ને જોડી દઈએ તો, સરવાળે અર્થ એ મળેકે, બાગાયતી ખેતી કરનારા ખેડૂતની આમદાની(આવક), આમ(કેરી)ના આમદ(આગમન) સાથે જોડાયેલી છે. કેરીના ધંધામાં કુદરત મહેરબાન હોયતો ક્યારેય ખોટ જતી નથી, આમ છતાં કોઈ કારણસર મોસમના મારને કારણે જો કેરીની ઓછી આવક થાય તોપણ અર્થશાસ્ત્રના માંગ-પુરવઠા-બજારભાવના સિદ્ધાંત મુજબ કેરીના ભાવ આસમાને અડી જવાને કારણે, તે બમણો નફો રળી આપે છે.

આંબાના વૃક્ષને કલ્પતરુની ઉપમા

કેટલાક જાણકાર આંબાના વૃક્ષને કલ્પતરુની ઉપમા પણ આપે છે કારણકે, તેના મૂળ-થડ-પાનથી માંડીને કેરીની ગોટલી સુધીના તમામ અંગ આપણા વિવિધ ઉપયોગમાં આવે છે.અત્રે, એ પણ જાણવા જેવું છેકે, કેરીના એક વાટકી રસ અથવા ટુકડાઓમાં આશરે ૧૧૦ કેલરી સમાયેલ હોય છે. દિનભરની જરૂરિયાતના પૂરતા પ્રમાણમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી ઉપરાંત, મૅગ્નેશિયમ,પોટેશ્યમ તથા પાચનશક્તિને વેગ આપતા ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ હોય છે.

Mango

કેસર કેરીના જાતજાતના બોક્ષ

હવે તો કેસર કેરીના જાતજાતના બોક્ષ આવે છે અને 5 કિલોથી 10 કિલોના પેકિંગમા મળે છે. કેરી વેચતા વેપારીઓ સાથે વાર્તાલાપ કરશો તો કહેશે કે ‘આ વકર (માલ) સારો છે, સાહેબ આ બોક્ષ લઈ જાવ પણ તેના ભરોસે ના રહેવું. કેરીની ખરીદીમાં હંમેશા શ્રીમતિજીને સાથે રાખવા. વકર પણ બઢીયા આવશે અને ભાવતાલની ખેંચતાણ પછી થોડા રુપિયા પણ બચશે.

આંબાના વૃક્ષનું આયુષ્ય

કહેવાય છે કે આંબાના વૃક્ષનું આયુષ્ય 200 થી 300 વર્ષનું હોય છે એટલે પાંચથી છ પેઢીને તમે વાવેલા આંબાનો લાભ મળે છે. અહેવત છે ને ‘ઉતાવળે આંબા ન પાકે’ બસ એને ધ્યાનમાં લઈ સગવડ હોય તો ઘરની આજુબાજુ એક આંબાની કલમ રોપી જોજો. નશીબ સારા હશે તો ચાર-પાંચ પેઢી સુધી તમારું નામ અમર થઈ જશે.

બસ હવે કેસર અને કેરીના ગૂણધર્મો વિષે જાણકારી મેળવી એટલે તાળાબંધી ઊઠવાની રાહ જુઓ અને બજારમાં દોડી જાવ કેસર કેરી તમારું સ્વાગત કરવા તત્પર છે.

~ રાજેશ ઘોઘારી દ્વારા લિખિત

Also read : શું તમારે જાણવું છે કે તમારા અંતિમ સંસ્કાર પછી સામાન્ય રીતે શું થશે?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *