ન કરવો આંધળો વિશ્વાસ એનું ભાન રાખીશું
ચલો છોડો જવા દોને, હવેથી ધ્યાન રાખીશું,
ન કરવો આંધળો વિશ્વાસ એનું ભાન રાખીશું.
ભલે કડવું જગત બોલે હું તો મક્કમ છું ભીતરથી,
શબ્દ પણ જાનલેવા હોય, તેથી મ્યાન રાખીશું.
નથી કાયરપણું કંઈ હોં, ખુમારી છે રગેરગમાં,
સમય આવ્યે કસમથી દેશ કાજે જાન રાખીશું.
અરે તું આવને મહેમાન થઈને આંગણે મારા,
જો બન્દ છે ખુદાનો, તો પછી રમજાન રાખીશું.
ઘરે ઘરડા રહે ભૂખ્યા ને વાતો હોય છે ઊંચી,
ગરીબને શાલ આપીશું ને અન્નનું દાન રાખીશું.
જ્યાં વાતો ભાઈચારાની જરાયે કોઈ કરતું હોય,
ધરીશું ધ્યાન, ત્યાં ખુલ્લા અમારા કાન રાખીશું.
સનમ શું થઈ ગયાં નારાજ ચહેરે સ્મિત લાવોને,
હવેથી શ્વાસ સૌ બસ આપમાં ગુલતાન રાખીશું.❜❜
~ નિતેશ ટાંક
Also read : તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર નથી – એક નવો દૃષ્ટિકોણ