એક સાંજે મળવું છે તમને…

એક સાંજે મળવું છે તમને…
ટેબલ પર વેર વિખેર પડેલી મારી જાતને બંને હાથે સમેટીને
તમારામાં ક્યાંક ગોઠવી દેવાનો ઈરાદો છે.
જગ્યા છે ને તમારામાં ?
એક સાંજે મળવુ છે તમને…
ટચ સ્ક્રીનના સ્પર્શથી ટેવાઈ ગયેલા ટેરવાંઓને
મારે સંવેદનાઓના ટ્યુશનસ કરાવવા છે.
ટેરવાંઓ થીજી ગયા છે.
મારા ટેરવાંઓને તમારામાં થોડું ઓગળવું છે.
એક સાંજે મળવું છે તમને….
મારા ખોદકામ વખતે પાયામાં મેં થોડી એકલતા વાવેલી.
તે જુઓને આજે વળી મારામાં ખાલીપો ઉગ્યો છે.
સાંભળ્યું છે તમારામાં મેળો ભરાય છે.
આ ખાલીપાને થોડી વાર ચકડોળમાં બેસાડવો છે.
આ જાતને આંગળીએથી છુટ્ટી પડીને થોડી વાર તમારી જાતમાં ભળવું છે.
એક સાંજે મળવુ છે તમને….
આંખોમાં આ વર્ષે પણ વરસાદ થયો નહિ.
કેટલાય વર્ષોથી આંખોમાં દુષ્કાળ પડેલો છે.
તમે તો જાદૂગર છો.
તમને મળીશ તો કદાચ તમે આંખોમાં થોડા દરિયાઓ નાંખી દેશો.
આંખોને થોડું પલળવું છે.
એક સાંજે મળવુ છે તમને….
આ કોરા કટ્ટ જીવતર પર એક ગઝલ લખાવવી છે.
સાંભળ્યું છે તમે તો આંખોથી લખો છો.
તમે લખેલી કવિતાઓ સાથે આ કાગળને પણ થોડું ઝળહળવું છે.
એક સાંજે મળવુ છે તમને…
Also read : આહાર અને આરોગ્ય : ધ્યાનમાં રાખો આ ૧૩ બાબતો