જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં
જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં,
શ્વાસમાં શું હોય છે દીવાસળીના વેશમાં?
માન્યતાઓ-રૂઢિઓનાં પોટલાં છોડું અને
એ ફરી બાંધી રહું છું ગાંસડીના વેશમાં.
‘કૃષ્ણ-રાધા-કૃષ્ણ’ કેરા જાપનો શો અર્થ છે?
પ્રેમ ત્યાં ને ત્યાં રહ્યો છે વાંસળીના વેશમાં.
યાદની એ કાંકરી તો આંખમાં ખૂંચ્યાં કરે
આંસુ પૂછે : કોણ છે રે કાંકરીના વેશમાં.
આવકાર્યા વિણ જુઓ ને, ઝાડ ઠંડક આપતું !
આપણે ત્યાં કોણ છે હેં ? ડાળખીના વેશમાં !
મૌનની ભાષા વિશે તો શું કહું હેં દોસ્ત હું
સ્પર્શના દરિયા બળે છે આંગળીના વેશમાં.❜❜
– યોસેફ મેકવાન