એક સપનું સાવ બોગસ નીકળ્યું
એક સપનું સાવ બોગસ નીકળ્યું,
એ પછી આંસુય ચોરસ નીકળ્યું.
કેમ આ દરિયો અચાનક ઊછળે?
આંખનું જળ એમ ધસમસ નીકળ્યું.
શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,
કાગડાનું વેણ ફારસ નીકળ્યું.
ના કદી એણે મને દર્પણ ધર્યું,
એક જણ નખશિખ સાલસ નીકળ્યું.
પાન સાથે બિંબ પણ એનું ખર્યું,
વૃક્ષનું સાક્ષાત્ વારસ નીકળ્યું.
એક ટીપાંએ ભરી મુઠ્ઠી હવાની,
એ નર્યું જળકૃત સાહસ નીકળ્યું.
એમના સ્વરમાં જ સાંભળવું હતું,
ગીત એનું દોસ્ત, કોરસ નીકળ્યું.
~ રક્ષા શુકલ
Also read : ફૂલડાં ડૂબી જતાં પથ્થરો તરી જાય છે : પ્રસિદ્ધ ગુજરાતી કવિતા